હવેલીના શર્મનાક કોન્સ્ટેબલ મર્ડર કેસમાં આરોપી સામે ચાર્જશીટ - Sandesh
  • Home
  • Ahmedabad
  • હવેલીના શર્મનાક કોન્સ્ટેબલ મર્ડર કેસમાં આરોપી સામે ચાર્જશીટ

હવેલીના શર્મનાક કોન્સ્ટેબલ મર્ડર કેસમાં આરોપી સામે ચાર્જશીટ

 | 4:04 am IST

અમદાવાદ, તા. ૧૯ 

ક્રાઈમ બ્રાંચની હવેલીમાં જ પોલીસકોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા થતાં પોલીસની આબરૂના લીરા ઊડયાં હતાં. આ શર્મનાક કેસમાં મંગળવારે ફોજદારી કોર્ટમાં આરોપી મનીષ શ્રવણકુમાર બલાઈ સામે ક્રાઈમ બ્રાંચે ચાર્જશીટ ફરમાવ્યું છે. ક્રાઈમ બ્રાંચે તપાસ પૂર્ણ કરીને ૯૬ સાક્ષી અને દસ્તાવેજી પુરાવા સાથેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે પરંતુ કોન્સ્ટેબલ ચંદ્રકાંતની હત્યા ખરેખર કેટલા વાગ્યે થઈ હતી તે વિશે પોલીસ હજુ અંધારામાં છે. આ માટે પોલીસ તબીબી પુરાવા પર આધાર રાખીને બેઠી છે.  હવેલી કોન્સ્ટેબલ મર્ડર કેસમાં આરોપી મનીષ બલાઈ (રહે. જયપુર, રાજસ્થાન) સામે આઈપીસી કલમ ૩૦૨, ૩૯૭ હેઠળ ચાર્જશીટ ફરમાવવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, ૧૯મી એપ્રિલ ૨૦૧૬ના રોજ આરોપી મનીષ બલાઈને લૂંટ તેમજ ડ્રગ્સના કેસમાં શંકાના આધારે પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચની હવેલીના એન્ટિ ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કવોડની ઓફિસમાં બોલાવાયો હતો. એ પછી બીજા દિવસે ફરી તેને બોલાવાયો હતો. ૨૦મીના રોજ રાત્રે આ કેસના ફરિયાદી જે.એન. ચાવડાએ મનીષ બલાઈ અને કોન્સ્ટેબલ ચંદ્રકાંતને જોયા હતા. દરમિયાન તા.૨૧મી એપ્રિલના રાત્રિના ૧૨થી ૭ વાગ્યા સુધીના કોઈ પણ સમયે મનીષે લોખંડની પાઈપથી કોન્સ્ટેબલ ચંદ્રકાંતના માથા અને ચહેરા પર ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. હત્યા બાદ આરોપી બિનધાસ્ત ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં ફર્યો, લોહીથી લથપથ ટી-શર્ટ બદલી, હાથપગ ધોયા, જેને મારી નાંખ્યો એ જ કોન્સ્ટેબલના બૂટ પહેર્યા, પર્સ લીધું અને દીવાલ કૂદી ફરાર થઈ ગયો હતો. આરોપી મનીષ કાલુપુર રેલવેસ્ટેશનેથી ટ્રેન પકડી મુંબઈ પહોંચ્યો હતો અને ત્યાંથી જયપુર માટે ટ્રેનમાં રવાના થતો હતો ત્યારે કરજણ રેલવેસ્ટેશન ખાતે ટ્રેન રોકાવી કલાકોમાં જ મનીષને જનરલ ડબામાંથી પકડી પાડયો હતો.

આરોપીનો ડીએનએ ટેસ્ટ મેચ થયો 

આરોપી મનીષ બલાઈના કપડાં, લોખંડની પાઈપનો ટુકડો વગેરે મુદ્દામાલ કબજે કરી ડીએનએ ટેસ્ટ માટે મોકલાયો હતો. આરોપીનો ડીએનએ ટેસ્ટ મેચ થયો છે. આરોપીના કપડાં પરથી મળી આવેલ લોહી અને ચંદ્રકાંતના ડીએનએ ટેસ્ટ મેચ થયા છે. 

વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ પોઝિટિવ  

પોલીસે તપાસ અર્થે આરોપીનો વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાવ્યો હતો, જે આરોપીનો જ હોવાનું બહાર આવ્યું છે. મહત્ત્વનું છે કે, ક્રાઈમ બ્રાંચે આરોપી ભાગી ગયો ત્યારે તેણે કોની સાથે વાતચીત કરી છે તે વાર્તાલાપ પણ ચાર્જશીટમાં રજૂ કર્યો છે. આરોપીએ જેની સાથે વાત કરી તેમાં સ્પષ્ટ એવું કહ્યું નથી કે, તેના હાથે હત્યા થઈ છે.

મૃતકના શરીર પર ઈજાના ૪૩ નિશાન 

કોન્સ્ટેબલની હત્યાના કેસમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો છે, જેમાં બહાર આવ્યું છે કે, ચંદ્રકાંત મકવાણાના શરીર પર ૪૩ ઈજા થઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન