હાથી અને ઘોડા વચ્ચે દોડવાની રેસ લગાવવાથી સાચો વિજેતા ન મળે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • હાથી અને ઘોડા વચ્ચે દોડવાની રેસ લગાવવાથી સાચો વિજેતા ન મળે!

હાથી અને ઘોડા વચ્ચે દોડવાની રેસ લગાવવાથી સાચો વિજેતા ન મળે!

 | 3:00 am IST
  • Share

આપણે ગયા અઠવાડિયે વાત કરી રહ્યા હતા કે સ્કૂલ કોલેજમાં બધા વિદ્યાર્થીઓને શાળાના સંચાલકોએ અથવા સરકારે નક્કી કરેલું જ્ઞાાન ભરી આપવા પર ફેકસ કરવાને બદલે તેનું આગવું વ્યક્તિત્વ પારખવા પર ફેકસ હોવું જોઈએ. જો દરેક બાળકનું આગવું વ્યક્તિત્વ પારખી શકીએ તો દેશમાં શ્રેષ્ઠ નાગરિકો કેળવી શકીએ અને બે-ત્રણ પેઢીમાં તો ભારતે કહેવું જ ન પડે કે તે વિશ્વગુરુ છે. બાકીનું જગત કહેવા લાગે કે ભારતના લોકોની સમજણ અને આવડતનો કોઈ જવાબ નથી. ઘણા વાચકોએ ફ્રિયાદ કરી કે શું આજનું શિક્ષણ નકામું છે એમ કહેવા માગો છો?

બિલકુલ, એમ કહેવાનો જરાય આશય નથી. ખૂબ જૂની, આપણી સંસ્કૃતિ જેટલી જૂની કહેવત છે, કરેલું કશું એળે જતું નથી. એ ધોરણે આજે આપણે જે શિક્ષણ આપી રહ્યા છીએ તે પણ એળે જવાનું નથી. નકામું બિલકુલ નથી. આપણે ચર્ચા એ વાતની કરી રહ્યા છીએ કે આજનું શિક્ષણ દરેક બાળકમાં રહેલા અસલી વ્યક્તિત્વને ખીલવીને તેને આદર્શ નાગરિક બનાવી રહ્યું છે? આજે આપણે જે શિક્ષણ આપીએ છીએ એ સાચું છે કે ખોટું છે એની ચર્ચા પછી કરીશું. તે પહેલાં આપણે એ જાણવું પડશે કે આજે આપણે બાળકોને શું શિક્ષણ આપીએ છીએ.

આપણે એક ફ્રિયાદ હંમેશાં કરતા રહ્યા છીએ કે અંગ્રેજોએ આપણી શિક્ષણ વ્યવસ્થાનું ગળું ટૂંપીને આપણને ગુલામ બનાવનારી શિક્ષણપ્રથા ચાલુ કરી. જેથી આપણે આપણી સંસ્કૃતિ વિસરી જઈએ અને એમના ગુલામ થઈ જઈએ.

અંગ્રેજોએ એક કામ ખરેખર ખૂબ જ ખરાબ કર્યું છે. એ લોકોએ શિક્ષણને આવક સાથે જોડી દીધું. તેમણે કારકુનોની, એન્જિનિયરોની, ડોક્ટરોની, હિસાબનીશોની જરૂર હતી તો એના કોર્સ ચાલુ કરાવી દીધા. એમ તો એમણે જ આર્ટ્સનું શિક્ષણક્ષેત્ર પણ ચાલુ કર્યું હતું અને વિજ્ઞાાનનું શિક્ષણક્ષેત્ર પણ ચાલુ કર્યું હતું. આ બંને શિક્ષણથી આપણે ગુલામ નહોતા બનવાના. એમાંથી તો આપણે નવતર લાયકાત કેળવી અને અનોખી નામના મેળવી શક્યા.

ગુલામ બનાવનાર કોર્સ તો આપણે ગમે ત્યારે બંધ કરી શકીશું, પરંતુ વિચારવું પડશે કે કયા કોર્સ ગુલામ બનાવે છે અને કોના ગુલામ બનાવે છે. ખરું દૂષણ આપણે કયો વિષય ભણીએ છીએ ત્યાં નથી જન્મ્યું, આપણે શા માટે શિક્ષણ મેળવીએ છીએ તેનો હેતુ સમજવામાં જન્મ્યું છે.

આજે કોલેજોને વિજ્ઞાાનના કોર્સમાં વિદ્યાર્થીઓ નથી મળતા. એનું કારણ શું? વાલીઓ કહે છે, વિજ્ઞાાનના કોર્સમાં આગળ કોઈ સ્કોપ નથી. શાનો સ્કોપ નથી? નોકરી કે વ્યવસાય કરવાનો સ્કોપ નથી.

એમને સૂચન કરીએ કે એમાં શું સંશોધનનો માર્ગ ખુલ્લો છે. એમાં આગળ વધવાની કોઈ મર્યાદા નથી. એની આવડત હશે તો ટોચ સુધી જઈ શકશે. તો વાલીઓ કહે છે, પણ એમાં મળે શું? બસ! આ દૂષણ અંગ્રેજો આપણા બધાનાં મનમાં ભરી ગયા છે. શિક્ષણને આવક સાથે જોડીને આપણો જ્ઞાાન મેળવવાનો અભિગમ ખલાસ કરી દીધો છે. જ્ઞાાન અને કૌશલ્ય જેની પાસે હોય તેની પાછળ આખી દુનિયા દોડતી આવે છે એવું થ્રી ઈડિયટ્સ ફ્લ્મિનો રેન્ચો ભલે કહેતો હોય, ફ્લ્મિ જોતી વખતે આપણે પણ તેમાં સંમત થઈ જતા હોઈએ, પરંતુ આપણા પોતાના જીવનમાં એવું સ્વીકારીએ છીએ ખરા?

ખરી ગુલામી આ જ છે. પૈસા મેળવવાની હોડ આપણને ગુલામ બનાવે છે. વ્યાપારીને ગ્રાહકોના ગુલામ બનાવે છે, નોકરિયાતોને નોકરી આપનાર માલિકોના ગુલામ બનાવે છે. આજે ગામડે ગામડે ફ્રીને તપાસ કરો તો ખ્યાલ આવે છે કે મેડિકલનું શિક્ષણ મેળવીને કોઈ ડોક્ટર નાના ગામમાં ઓછી આવક સાથે, ઓછાં સાધનોમાં ખુશ રહીને કામ કરવા માગતો નથી. અહીં જાતજાતના નવા પડકારો સામે આવે અને તેનો ઉકેલ શોધતા રહેવાથી આવડતની ધાર રોજેરોજ નીકળતી રહે. પણ એ આપણને નથી ખપતું. શહેરમાં (અંગ્રેજોએ નક્કી કરી આપેલા) સુખ-સગવડમાં રહેવું છે અને પછી વાતો કરવી છે, દેશની સંસ્કૃતિની. આપણે આપણી સંસ્કૃતિ બચાવવી હોય તો અભાવો વચ્ચે ધીરજ અને આવડત સાથે સાદગીથી રહેવાની ટેવ પાડવી જ પડશે. આપણી એ જ સંસ્કૃતિ હતી અને છે. એ જ આપણને બીજાં હજારો વર્ષ નિરાંતે ટકાવી રાખશે.

જીવનમાં દરેક પ્રસંગે તમારી સામે આવનારી સમસ્યાઓને ઉકેલવાનું કામ તમે સરળતાથી કરી શકો એ માટે પાયાનું જ્ઞાાન હોવું અનિવાર્ય છે. એ પાયાનું જ્ઞાાન આપવાનું કામ જ સ્કૂલ-કોલેજો કરી શકે. સાથે સાથે દરેક વિદ્યાર્થીને એ વાત પાકાપાયે સમજાવવી પડે કે અહીં શિક્ષણનો અંત નથી આવતો. કોલેજની ડીગ્રી લીધા પછી સાચું શિક્ષણ જીવનની પાઠશાળામાં ચાલુ થશે. જીવનની પાઠશાળામાં તમારે રોજેરોજ નવા પાઠ ભણવાના આવશે. આજ સુધીનું શિક્ષણ તો એટલા માટે જ આપવામાં આવ્યું છે કે હવે પછી રોજેરોજ આવતા નવા નવા પાઠ તમે સરળતાથી સમજી શકો, સમસ્યાઓ ઉકેલી શકો, નવી હકીકતો શીખી શકો.

આ બધું શિક્ષણ સાચું આપવા લાગીએ તો આપોઆપ સમજાય કે પરીક્ષા લેવાની પદ્ધતિ તો ખોટી જ છે! બધા વિદ્યાર્થીઓની આવડત જુદી જુદી હોય તો એમની વચ્ચે સરખામણી કરતી પરીક્ષા શી રીતે સાચી હોય. હાથી અને ઘોડા વચ્ચે દોડવાની રેસ લગાવીને ઘોડાને વિજેતા જાહેર કરવા જેવી આ રીત છે.

તો પછી સાચી પદ્ધતિ શું હોવી જોઈએ? સાચી પદ્ધતિ તો એ જ છે જેમાં દરેક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ કરતાં વધારે કે ઓછું શીખ્યો એ તપાસવાને બદલે એ પોતે ગયા વખતના એના અભ્યાસ કરતાં આ વખતે કેટલું નવું શીખ્યો એ તપાસવામાં આવે. એટલે કે દરેક વિદ્યાર્થીની હરીફઈ પોતાની સાથે જ હોય. વધુ તૈયાર થવું, વધારે જ્ઞાાન મેળવવું. અને આ રીતે તૈયાર થયેલા વિદ્યાર્થીને જીવનમાં ડબલ ફયદો મળે. એક તો એને સતત ભાન રહે કે મારે સતત નવું નવું શીખવું જોઈએ. બીજું તેને એ સમજાય કે પ્રથમ પ્રયાસે સફ્ળ થઈ જવાનું મહત્ત્વ નથી. દરેક નિષ્ફ્ળતામાંથી કંઈક શીખીને ફ્રી સરળતાથી નવો પ્રયાસ કરવો અને જરાય હતાશ થયા વગર કરતા રહેવામાં જ સફ્ળતા છે.                    

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો