હોય તુવેરદાળનો ચટાકો, તો આ સમાચાર બગાડી દેશે મોંનો સ્વાદ - Sandesh
  • Home
  • Business
  • હોય તુવેરદાળનો ચટાકો, તો આ સમાચાર બગાડી દેશે મોંનો સ્વાદ

હોય તુવેરદાળનો ચટાકો, તો આ સમાચાર બગાડી દેશે મોંનો સ્વાદ

 | 8:57 pm IST

લોકોને ‘અચ્છે દિન આયેંગે’ની લોલીપોપ પકડાવનાર મોદી સરકારમાં લોકોનાં હાલહવાલ ખરાબ થઈ રહ્યા છે. પહેલા ડુંગળી અને ટામેટા પછી હવે કઠોળ અને તમામ દાળનાં ભાવ આસમાને પહોંચ્યા છે. કાળઝાળ મોંઘવારીમાં પિસાઈ રહેલા લોકોની થાળીમાંથી એક પછી એક વસ્તુ છીનવાઈ રહી છે. આવા સંજોગોમાં કમરતોડ મોંઘવારીનો ભોગ બનેલા આમઆદમી માટે વધુ માઠા સમાચાર આવી રહ્યા છે. સરકાર કઠોળ અને દાળનાં ભાવ અંકુશમાં રાખવા અંધારામાં હવાતિયા મારી રહી છે અને લોકોને ઠાલા વચનો આપી રહી છે. આવા સંજોગો વચ્ચે તુવેરની દાળનાં ભાવ કિલોએ ૩૦૦ રૂપિયાની સપાટીએ પહોંચીને નવો રેકોર્ડ બનાવે તેવા એંધાણ છે.
હાલ તુવેરની દાળનાં ભાવ કિલોદીઠ રૂ. ૧૮૦ છે. તમામ પરિબળો વિપરિત છે અને દેશ-વિદેશનાં બજારોનાં ખરાબ હાલ છે તેને ધ્યાનમાં લેતા તેનાં ભાવ ખુબ જ ઝડપથી કિલોનાં રૂ. ૨૫૦ થવાની શક્યતા છે. જો સરકાર સંગ્રહાખોરી નહીં ડામે અને આયાતી દાળને બજારમાં આવતા વિલંબ થશે તો તુવેરની દાળનાં ભાવ કિલોનાં રૂ. ૩૦૦ થઈ શકે છે. દિલ્હી દાળ એસોસીએશનનાં વડા ગુપ્તાનાં જણાવ્યા મુજબ દેશભરમાં તુવેરની દાળની માગ વધારે છે તમામ દાળમાં તુવેરની દાળનો વપરાશ ૫૫થી ૫૮ ટકા છે. જ્યારે માગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે.

દેશમાં દાળની માગ ૩.૩૦ કરોડ ટન થઈ છે. જેમાં તુવેર દાળની માગ ૧.૮૦ કરોડ ટન છે. જ્યારે દેશમાં તેનું ઉત્પાદન ૧.૦૨ન કરોડ ટન છે. આમ માગ કરતા ઉત્પાદન ઘણું ઓછું છે. તુવેરની દાળનું ઉત્પાદન ઘણાં ઓછા દેશોમાં થાય છે. જેમાં ભારત, અફઘાનિસ્તાન, કેનેડા, સાઉથ આફ્રિકા અને મ્યાંમારનો સમાવેશ થાય છે. ભારત મુખ્યત્વે આ દેશોમાંથી જ દાળની આયાત કરે છે. હાલ આ દેશોમાં જ ઉત્પાદન ઓછું થયું છે. ભારતમાં તુવેરની દાળનો વપરાશ સૌથી વધારે છે. યુરોપ સહિત અમેરિકા અને અન્ય દેશોમાં તેનો વપરાશ નજીવો છે. આ દેશનાં ખેડૂતો મકાઈ અને અન્ય અનાજનું વાવેતર કરે છે. દેશમાં આ વખતે ૭૧ લાખ હેકટરમાં દાળનું વાવેતર કરાયું છે પણ સરકાર પાસે તુવેરની દાળનો બફર સ્ટોક જ નથી. માર્કેટમાં પુરવઠો કેવો રહે છે તેનાં પર સઘળો આધાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન