૨૦૦૦ કરોડનું હેરોઇન અદાણી મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ૨૦૦૦ કરોડનું હેરોઇન અદાણી મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયું

૨૦૦૦ કરોડનું હેરોઇન અદાણી મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયું

 | 12:50 am IST
  • Share

અફઘાનિસ્તાનથી બે કન્ટેનરોમાં ટેલકમ પાઉડર કસ્ટમમાં ડિકલેર કરીને હેરોઇન ભરેલી બેગો કન્સાઇનમેન્ટમાં મૂકી દેવાઇ હતી

અફઘાનિસ્તાનના કંદહાર પોર્ટ પરથી દરિયાઇ માર્ગે મુન્દ્રા અદાણી પોર્ટ પર આવેલા બે આયાતી કન્ટેનરની અંદરથી અંદાજે બે હજાર કરોડનું હેરાઇન ડીઆરઆઇની ટીમે જપ્ત કરીને તપાસ બીજા દિવસે પણ ચાલુ રાખી છેે. આંધ્રપ્રદેશના વિજયવાડાના આયાતકારે ટેકલમ પાઉડરનું કસ્ટમ સમક્ષ ડિકલેરેશન કરીને હેરોઇનની થેલીઓ ભરી દીધી હતી. જેની બાતમી મુંબઇ અને દિલ્હી એનસીબીના અધિકારીઓને મળતા ગાંધીધામ ડીઆરઆઇની ટીમે બંને કન્ટેનરો અટકાવીને મોડીરાત્રે સીલ મારી દીધા હતા. બીજા દિવસે સ્ટેટ આઇબી. ભુજ પોલીસ, સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓનો કાફલો પોર્ટ પર પહોચી ગયો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓનો આતંક ચાલતો હોવાથી ગુજરાતના પોર્ટ પર ગમે તે ઘડીએ પ્રતિબંધિત ચીજવસ્તુઓ કે ઘાતક હથિયારોનું લેન્ડિંગ થાય નહિ તે માટે સેન્ટ્રલ એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. જપ્ત કરવામાં આવેલા હેરોઇનની ઇન્ટરનેશનલ માર્કેટમાં કિંમત ૨ હજાર કરોડ આંકવામાં આવે છે. ૩૮ થેલીઓ હાલ મળી છે.

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી છેલ્લા બે મહિનામાં એકાએક વધી ગઇ છે. બે મહિનામાં એનસીબીએ પણ ૧૨ કરોડનંુ કોકેન જપ્ત કર્યુ છે. વડોદરા નજીકથી એમડી ડ્રગ્સ સાથે સાત ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી હતી. ગુજરાતમાં આટલી મોટી માત્રા ડ્રગ્સ આવતા સેન્ટ્રલ એજન્સીઓ ચોંકી ઊઠી છે. ડીઆરઆઇના અધિકારીઓએ હાલ કન્ટેનરની તપાસ કરી રહ્યા છે. બીજા કન્ટેનરની અંદર પણ હેરોઇન છુપાવવામાં આવ્યુ છે પરંતુ કેટલી માત્રામાં છે તે હાલ તપાસ ચાલુ હોવાથી જાણી શકાયું નથી. ટોચના સૂત્રોએ જણાવ્યું કે, હવાલથી નાણા પાકિસ્તાન થઇને અફઘાનિસ્તાન ગયા હોવાની શંકાના આધારે પણ તપાસ ચાલી રહી છે. દેશમાં આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ કોને સપ્લાય કરવાનું હતું તે દિશામાં અન્ય એજન્સીઓ પણ તપાસ કરી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતંુ કે, અફઘાનિસ્તાનના કંદહારથી હસન હુસેન લિમિટેડ મારફતે ભારતમાં  ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો વળી,  પેસિફિકા ઈન્ડસ્ટ્રીયલ ર્સિવસ નામના સીએચએનું નામ ખૂલ્યું છે. ઈન્ટર સીડની નામના  જહાજમાં આ જથ્થો આવ્યો હોવાનું અનુમાન લગાડવામાં આવી  રહ્યું છે અને આંધ્રપ્રદેશના વિજયવાડાની આશી ટ્રેડિંગ નામની  કંપનીએ જથ્થો ઈમ્પોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આયાતકારના બીજા કન્ટેનર પણ દરિયાઇ માર્ગે આવી રહ્યા હોવાની માહિતી જાણવા મળી છે પરંતુ તપાસનીશ અધિકારીઓએ ડ્રગ્સ પકડાયુ છે તે વાતની સમર્થન આપ્યું છે પણ હાલ આ અંગે કંઇ પણ કહેવાનો ઇનકાર કર્યાે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો