૩૭૦ની નાબૂદીથી જમ્મુ-કાશ્મીરને ફાયદો થશે : રાષ્ટ્રપતિ - Sandesh
  • Home
  • India
  • ૩૭૦ની નાબૂદીથી જમ્મુ-કાશ્મીરને ફાયદો થશે : રાષ્ટ્રપતિ

૩૭૦ની નાબૂદીથી જમ્મુ-કાશ્મીરને ફાયદો થશે : રાષ્ટ્રપતિ

 | 2:33 am IST

। નવી દિલ્હી ।

૭૩મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશના તમામ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ રાષ્ટ્રનિર્માણ માટે અને દેશને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પોતાની રીતે પ્રયાસ કરે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે કલમ ૩૭૦ નાબૂદ થવાથી જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લોકોને ફાયદો થશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આશાઓ, આકાંક્ષાઓને પૂરી કરવાની દિશામાં કામ કરી રહી છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે દેશને સ્વતંત્રતા અપાવનારા લોકોનો ઉદ્દેશ સમાજના દરેક વ્યક્તિનાં જીવન અને સમાજની વ્યવસ્થાને બહેતર બનાવવાનો હતો. મને વિશ્વાસ છે કે જમ્મુ-કાશ્મીરમાં થયેલા ફેરફારથી ત્યાંના લોકોને ફાયદો થશે. જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લોકો હવે એ તમામ અધિકાર અને સુવિધાઓ મેળવી શકશે જે દેશના બીજા હિસ્સામાં રહેતા લોકોને મળે છે. તેઓ સમાનતાની જોગવાઈ ધરાવતા પ્રગતિશીલ કાયદાઓ અને એની જોગવાઈઓનો ઉપયોગ કરી શકશે. શિક્ષણનો અધિકાર લાગુ થવાથી તમામ બાળકો માટે હવે શિક્ષણ સુનિશ્ચિત થશે. સૂચનાનો અધિકાર મળવાથી લોકો જનહિતને લગતી જાણકારી મેળવી શકશે. પરંપરાગત રીતે વંચિત રહેલા લોકોને શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ સહિતની બીજી સુવિધાઓ મળી શકશે. ટ્રિપલ તલાક જેવો અભિશાપ રદ થવાથી આપણી બેટીઓને ન્યાય મળશે અને તેમને ભયમુક્ત જીવનનો અવસર પ્રાપ્ત થશે.

સરકારની વિવિધ યોજનાઓ વિશે બોલતાં રામનાથ કોવિંદે કહ્યું હતું કે સરકાર અનેક બુનિયાદી સુવિધાઓ પૂરી પાડી રહી છે. ગરીબ લોકો માટે ઘર બનાવી રહી છે, દરેક ઘરમાં વીજળી, પાણી અને શૌચાલયની સુવિધા આપવામાં આવી રહી છે. દરેક દેશવાસીને ઘર સુધી નળનું પાણી પહોંચાડવાની યોજના અને દરેક ખેડૂતને સિંચાઈનું પાણી મળી રહે એવી યોજનાઓ પર જોર દેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન