૬૦ લાખથી વધુની લૂંટમાં ૬૦ કલાક પછી પણ પોલીસના હવામાં બાચકાં - Sandesh
  • Home
  • Newspaper
  • ૬૦ લાખથી વધુની લૂંટમાં ૬૦ કલાક પછી પણ પોલીસના હવામાં બાચકાં

૬૦ લાખથી વધુની લૂંટમાં ૬૦ કલાક પછી પણ પોલીસના હવામાં બાચકાં

 | 3:30 am IST

  • લૂંટનો ચોક્કસ આંકડો ત્રીજા દિવસે પણ જાહેર ન કરાતા અનેક તર્કવિતર્ક

ા વલસાડ ા
વલસાડથી ઉપડેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનના પાસ હોલ્ડરના કોચમાં બેઠેલા વલસાડની આંગડિયા પેઢીના કર્મચારીને પાંચ લુંટારુઓએ તમંચાની અણીએ રૂા. ૬૦ લાખથી વધુની માલમતા ભરેલા થેલાની મચાવેલી લૂંટની ઘટનાના ત્રીજા દિવસે પણ રેલવે પોલીસ તંત્ર લુંંટારુઓનું કોઇપણ પગેરુ મેળવી શક્યા નથી, એટલું જ નહીં તો લૂંટાયેલા આંગડિયા પેઢીના કર્મચારીના થેલામાં કેટલાનો મુદ્દામાલ હતો તે આંકડો પણ ઘટનાના ૬૦ કલાક પછી જાહેર ન કરતા, અનેક તર્કવિતર્કો વહેતા થયાં છે.
મંગળવારે રાત્રે ૮-૩૦ વાગ્યે વલસાડ સ્ટેશનેથી મંગળવાર તા.૧૯-૧૧-૧૯એ રાત્રે ૮-૩૦ વાગ્યે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં એન્જિનથી બીજા નંબરના પાસ હોલ્ડરના કોચમાં ચઢેલા વલસાડની અમૃતભાઇ કાંતિલાલની આંગડિયા પેઢીના કર્મચારી પ્રવીણસિંહ પ્રતાપસિંહ રાજપૂત (ઉ.વ.૪૨)ને ડુંગરી નજીક પાંચ લુંટારુઓએ તમંચો દેખાડીને તેની પાસેના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આશરે ૬૦ લાખથી વધુની મતા ભરેલો થેલો લૂંટીને ભાગી છૂટવાની સનસનાટીભરી ઘટનાની તપાસ કરી રહેલી સુરત રેલવે એલ.સી.બી. પી.એસ.આઇ. એમ.એમ. તલાટીએ સંદેશને જણાવ્યું કે, ઘટનાને લઇને પોલીસ તંત્ર દ્વારા ટેક્નિકલ એનાલિસિસ ચાલુ છે. લુંટારુઓનું પગેરુ હજી સુધી મળ્યંુ નથી. લૂંટના ચોક્કસ આંકડા અંગે તેઓએ જણાવ્યું કે, આંગડિયા પેઢીમાં માલ આપનાર ૭ જેટલી પાર્ટીઓ છે, તે તમામ પાસેથી બિલો મેળવવાની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થયે ટોટલ આંકડો આપી શકીશું તેમ કહ્યું  હતું.
ઘટના બન્યાને ૬૦ કલાકથી વધુ સમય થઇ ગયો તેમ છતાં આંગડિયા પેઢી દ્વારા કર્મચારી સાથે ખરેખર કેટલી માલમતા મોકલાવી હતી તેનો હિસાબ રજૂ કરી ન શકતા, આંગડિયા પેઢીની કામગીરી સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
આ ઘટનામાં, ખુલ્લા મોઢે એટલે કે મોં પર કંઇપણ બાંધ્યા વગર લૂંટ કરનાર લુંટારુઓએ, આંગડિયા કર્મચારી પ્રવીણસિંહ સાથે ટ્રેનમાં બેઠેલા અન્ય આંગડિયા પેઢીના કર્મચારીઓ વિષ્ણુભાઇ પટેલ, યુવરાજ, પ્રતીકભાઇને બદલે માત્ર પ્રવીણસિંહને જ ટાર્ગેટ બનાવતા, લુંટારુઓને પ્રવીણસિંહ પાસે તે દિવસે મોટો દલ્લો હોવાની પહેલેથી જ જાણકારી હોવાનું પોલીસ માની રહી છે. આ પ્રકરણમાં અંદરનો કોઇ વ્યક્તિ ફૂટેલો છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;