૭૦ ટકા ભારતીયોમાં વિટામિન-ડીની ઊણપ - Sandesh
  • Home
  • India
  • ૭૦ ટકા ભારતીયોમાં વિટામિન-ડીની ઊણપ

૭૦ ટકા ભારતીયોમાં વિટામિન-ડીની ઊણપ

 | 3:26 am IST

નવી દિલ્હી :

ભારતમાં પુષ્કળ પ્રમાણમાં સૂર્ય પ્રકાશ મળતો હોવા છતાં વિટામિન-ડીની ઊણપને કારણે રોગીઓની સંખ્યા ઘણી બધી છે. એન્ડોક્રિનોલોજિસ્ટ અને ગ્લોબલ ઓથોરિટી ઓન વિટામિન-ડી થેરપીના ડો. માઇકલ હોલિકે ચેતવણી આપતાં જણાવ્યું છે કે, ભારતમાં આ સ્થિતિ ભયજનક છે. તાજેતરના સંશોધનમાં બહાર આવ્યું છે કે, ૬૫થી ૭૦ ટકા ભારતીયોમાં વિટામિન-ડીની ઊણપ રહેલી છે અને અન્ય ૧૫ ટકા ભારતીયોમાં પૂરતાં પ્રમાણમાં આ વિટામીન નથી. વિટામિન-ડી કોઇ સામાન્ય વિટામિન નથી પરંતુ એક એવું સ્ટીરોઇડ હોર્મોન છે જે શરીરના દરેક સેલ્સને વાસ્તવિક રીતે અસર કરે છે. આ વિટામિન ચામડી સાથે સંકળાયેલું હોય છે અને કેલ્શિયમને શોષવા તથા હાડકાંઓને સ્વસ્થ રાખવા માટે મહત્ત્વનું પૂરવાર થાય છે.  

ડો. હોલિકે અન્ય મહત્ત્વની બાબત દર્શાવતાં એવું પણ જણાવાયું છે કે, ઊંચા પ્રમાણમાં વિટામિન-ડી હોય તો પણ ડાયાબિટીસ, કોરોનરી હાર્ટ ડિસીઝ, હાયપરટેન્શન અને શ્વાસ સંબંધી તકલીફો પણ થઈ શકે છે. નવી દિલ્હી ખાતે એક વિટામિન-ડીના ફાયદાના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં આ અંગેનો ખુલાસો કરાયો હતો. જે લોકો માંસપેશીઓ અને હાડકાંના દુઃખાવાથી પીડાય છે તેઓમાંથી ૯૩ ટકામાં વિટામિન-ડીની ઊણપ હોય છે.  

વિટામિન-ડીની ઊણપ ગંભીર રોગો નોતરી શકે  

વિટામિન-ડીનું પ્રમાણ મોટા ભાગે હાડકાંઓ સાથે સંબંધિત છે અને તે હાડકાંને પાતળા અથવા નબળા અને નરમ બનાવી શકે છે. પરંતુ આ જ વિટામિન હાર્ટ, મગજ, રોગપ્રતિકારક પ્રક્રિયા માટે અતિ મહત્ત્વનું સાબિત થાય છે. જો તેની યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો તેનાથી શરીરના ગંભીર રોગો જેવા કે, હૃદય સંબંધી, ડાયાબિટીસ, કેન્સર અને ક્ષયમાં ઇન્ફેક્શન જેવા રોગોને પણ નોતરી શકે છે.  

વિટામિન-ડીના બે પ્રકાર  

મોટાભાગના લોકોને એ જાણ હોતી નથી કે, વિટામિન-ડીના બે પ્રકાર હોય છે જેમાં વિટામિન-ડી૨ અને વિટામિન-ડી૩નો સમાવેશ થાય છે. વિટામિન-ડી૨ ભોજનની પસંદગીને આધારે શરીર પર અસર કરે છે જ્યારે વિટામિન-ડી૩ સૂર્યપ્રકાશમાં શરીરને ફાયદો પહોંચાડે છે. આ બંને માનવ શરીર માટે મહત્ત્વના છે. સારા ભોજન તથા સૂર્યપ્રકાશ લેવાથી બંને વિટામિન મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન