૯ મહિનાની બાળકીના પેટમાંથી ૩ કિલોની ગાંઠ નીકળી - Sandesh
  • Home
  • Mumbai
  • ૯ મહિનાની બાળકીના પેટમાંથી ૩ કિલોની ગાંઠ નીકળી

૯ મહિનાની બાળકીના પેટમાંથી ૩ કિલોની ગાંઠ નીકળી

 | 3:14 am IST

મુંબઇ, તા.૨૧

જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી નવ મહિનાની બાળકીના પેટમાંથી ત્રણ કિલોની ગાંઠ કાઢીને સાયન હોસ્પિટલના ડોક્ટરોએ તેને નવું જીવન બક્ષ્યું છે.  

ઉત્તરપ્રદેશના આઝમગઢ નજીકના એક ગામમાં રહેતી દુર્ગાવતી યાદવ નામની બાળકીને જન્મથી જ પેટમાં ગાંઠ હતી. આ ગાંઠ દિવસે દિવસે મોટી થતાં બાળકીના પેટનો આકાર જ બદલાઇ ગયો હતો. બે મહિના પહેલાં આ બાળકીને સાયન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.  

તેના ટેસ્ટ કરતા જણાયું હતું કે પેટની ગાંઠ એટલી મોટી હતી કે તેને કારણે કિડની, લિવર અને એક બાજુનો આંતરડાનો ભાગ દબાતો હતો. ડો. પારસ કોઠારી અને તેમની ટીમે સતત સાત કલાકની શસ્ત્રક્રિયા બાદ આ બાળકીના પેટમાંથી ત્રણ કિલો વજનની ગાંઠ કાઢી હતી. આ ઓપરેશનમાં બાળકીને કુલ ૨૦૦ ટાંકા આવ્યા હતા.  

જન્મ સમયે ૫૦,૦૦૦ બાળકોમાંથી એક બાળકને આ પ્રકારની ગાંઠ હોઇ શકે છે. જોકે ગર્ભાવસ્થા દરમિયાન સોનોગ્રાફીથી આ વિશે જાણી શકાય છે. તેથી બાળક જ્યારે નાનું હોય ત્યારે જ તેનું ઓપરેશન કરીને ગાંઠ મોટી થતી અટકાવી શકાય છે. નવ મહિનાની બાળકીનું વજન નવ કિલો હતું જેમાંથી ૩ કિલો વજન ગાંઠનું હતું. જેને કારણે બાળકીને અને તેના માતા પિતાને પણ ઘણી મુશ્કેલી સહન કરવી પડી હતી. હવે શસ્ત્રક્રિયા બાદ બાળકી તંદુરસ્ત હોવાનું ડોક્ટરોએ જણાવ્યંુ હતું.  ડોક્ટરોએ ઉમેર્યું હતું કે, હવે બાળકી અન્ય બાળકોની જેમ જ સામાન્ય જીવન જીવી શકશે.