10 Days waiting in Maa Card : Vadodara HCG
  • Home
  • Baroda
  • વડોદરા HCGમાં વીમો હોય તો તાકીદે સારવાર, મા કાર્ડમાં 10 દિવસ વેઇટિંગ

વડોદરા HCGમાં વીમો હોય તો તાકીદે સારવાર, મા કાર્ડમાં 10 દિવસ વેઇટિંગ

 | 10:23 am IST

શહેરના સનફાર્મા રોડ સ્થિત એસસીજી કેન્સર સેન્ટરમાં મેડિકલ ઇન્સ્યોરન્સ અને મા-કાર્ડના દર્દીની સારવારમાં વહાલા-દવલાની નીતિ અપનાવાતી હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. કેન્સરગ્રસ્ત દર્દીએ ઇન્સ્યોરન્સ હોવાનું કહયું ત્યારે સ્ટાફ સામેથી ફોન કરી ફોલોઅપ કરતો, જ્યારે તે જ દર્દીએ મા-કાર્ડથી સારવાર કરાવવાનું કહયું તો સ્ટાફે 10 દિવસનું વેઈટિંગ ચાલતું હોવાનો જવાબ આપ્યો હોવાના આક્ષેપ થયાં છે.

વડોદરામાં રહેતાં નિલેશ પટેલના પિતા જગદીશભાઈ (ઉં.61) નિવૃત્ત જીવન ગુજારે છે. જગદીશભાઈને મોઢાનું કેન્સર છે. એસસીજીમાં થયેલા કડવા અનુભવ અંગે નિલેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ અને મા-કાર્ડ છે. ઇન્સ્યોરન્સ અઢીથી ત્રણ લાખ, જ્યારે મા-કાર્ડની મર્યાદા પણ ત્રણ લાખની છે. કેન્સરની સારવાર માટે મારા માતા-પિતા એસસીજી કેન્સર સેન્ટરમાં થોડા મહિના અગાઉ ગયાં હતાં. મેડિકલ ઇન્સ્યોરન્સ હોવાથી હોસ્પિટલે ઓપરેશન સહિતની સારવાર માટે ૨.૭૫થી ૨.૯૦ લાખનું પેકેજ આપ્યું હતું. એસસીજીના સ્ટાફ દ્વારા સામેથી ફોન કરી, ક્યારે દાખલ થાવ છો ? તેવું ફોલો-અપ કરાતું હતું. ઇન્સ્યોરન્સ ક્લેઈમ કરે તો પૈસા ઉમેરવાના આવતા હોવાથી સારવાર મા-કાર્ડથી કરાવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ અમે સારવાર મા-કાર્ડથી કરાવવાનું કહેતા હોસ્પિટલે 10 દિવસનું વેઈટિંગ હોવાનું કહ્યું હતું. 10 દિવસ બાદ સંપર્ક ન કરતાં સામેથી ફોન કર્યા બાદ અમને બોલાવ્યાં હતાં. અમારા સતત ફોલો-અપ બાદ બે કિમોથેરાપી અને સિટી સ્કેન થયું હતું. દરમિયાન ડોક્ટર્સ રિપોર્ટ જોયા ત્યારે જવાબ મળ્યો કે હવે કેન્સર માથામાં ફેલાઈ ગયું હતું. પૈસા કઢાવવાના ચક્કરમાં પિતાની સારવારમાં બે મહિના પસાર થતાં કેન્સર વધી ગયું હતું.

મા-કાર્ડથી 30 હજારનો ખર્ચ કર્યા બાદ સારવાર લેવાનું બંધ કર્યું
નિલેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મા-કાર્ડથી બે કિમોથેરપી અને એક સિટી સ્કેન મળી અંદાજે કુલ ૩૦ હજારનો ખર્ચ કર્યો હતો. એસસીજીમાં જનરલ વોર્ડ, સેમિ સ્પેશિયલ અને બાળકોના વોર્ડ મળી એક દિવસમાં લગભગ 150 થી 175 કિમો થેરપી થાય છે. કિમો આપવાની વ્યવસ્થા પણ યોગ્ય નથી. મા-કાર્ડમાં કલાકો બગડતા હતાં અને અસુવિધાને પગલે સારવાર લેવાનું બંધ કર્યુ હતું.

ગાંધીનગરથી રિવ્યૂ માટે ફોન આવ્યો ત્યારે પણ ફરિયાદ કરી હતી
એસસીજીમાં મા-કાર્ડના ઉપયોગ બાદ ગાંધીનગરથી રિવ્યૂ માટે ફોન આવ્યો હતો. પિતાની સારવારનો અનુભવ ઠીક રહયો પરંતુ, સુવિધા અયોગ્ય હોવાની ફરિયાદ પણ કરી હતી. પૈસા આપનાર દર્દીને પ્રાથમિકતા અને મા-કાર્ડના દર્દીની અવગણના કરાતી હોવાનું નિલેશ પટેલે ઊમેર્યું હતું.