શું આ 10 કારણોને કારણોથી આનંદીબહેને રાજીનામુ આપ્યુ હોઈ શકે? - Sandesh
  • Home
  • Gandhinagar
  • શું આ 10 કારણોને કારણોથી આનંદીબહેને રાજીનામુ આપ્યુ હોઈ શકે?

શું આ 10 કારણોને કારણોથી આનંદીબહેને રાજીનામુ આપ્યુ હોઈ શકે?

 | 8:03 pm IST

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે આજે અચાનક જ મુખ્યમંત્રી પદથી રાજીનામુ ધરી દેતા ગુજરાતના રાજકીય જગતમાં ભૂકંપ આવ્યો છે. આનંદીબહેને અચાનક રાજીનામુ આપી દેતા તેના પાછળ ખરુ કારણ શુ છે? આનંદીબહેને પોતાના 75 વર્ષ પૂરા થવાનુ કારણ આગળ ધર્યું છે, પણ અન્ય કેટલાક કારણોથી આનંદીબહેને રાજીનામુ આપવા મજબૂર બન્યા હોઈ શકે.

1 ઈલેક્શન માટે તખ્તો તૈયાર
આગામી જાન્યુઆરીમાં ઈલેક્શનની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ જલ્દી ઈલેક્શન થઈ શકે તે માટે તૈયારી કરવા માટે પણ આ તખતો ઘડાઈ ચૂક્યો હોય તેવુ પણ એક કારણ ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં બીએસપી અને આપની જડો છેલ્લા કેટલાક સમયથી મજબૂત બની રહી છે, ત્યારે તેમનો પાયો ગુજરાતમાં મજબૂત ન બને તે માટે પણ આનંદીબહેનના રાજીનામુ લેવાયું હોય.

2 ગુજરાતમાં મોડલ ફેલ થવાની ચર્ચા
જ્યારથી આનંદીબહેન મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી ગુજરાત મોડલ ફેઈલ થવાની ચર્ચાઓ દેશભરમાં ચાલી રહી છે. મોદી ગુજરાતમાં હતા ત્યાર સુધી તો બધુ બરાબર ચાલી રહ્યું હતું, ત્યારે આનંદીબહેનની સત્તામાં જ ગુજરાત મોડલ ફેઈલ થયુ હોય છે તેવુ બતાવવા અને દેશવ્યાપી ચર્ચાનો અંત લાવવાનું એક કારણ હોઈ શકે.

3 પાટીદાર અનામત આંદોલન
છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબેન પટેલની ભૂમિકા સામે સવાલો ઉભા હતા. આ કારણને આનંદીબેનના રાજીનામા માટે મહત્ત્વનું કારણ કહેવામાં આવી રહ્યું છે. જોતજોતામાં આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પરંતુ આ આંદોલન દ્વારા ખુદ પાટીદાર એવા આનંદીબેનનો મોટાપાયે વિરોધ થયો હતો.

4 આનંદીબેન અને શાહ વચ્ચેના અબોલા
પાટીદાર આંદોલન બાદ આનંદીબહેનને હટાવવાનુ બીજુ કારણ અમિત શાહ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી અમિત શાહની અમદાવાદમાં એન્ટ્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મીટિંગ કરવી એમાં કંઈ રંધાઈ રહ્યા હોવાનું ચર્ચામાં હતું. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ટિકિટોની ફાળવણીના મુદ્દે બને વચ્ચે રસાકસી થઈ હતી.

5 પરિવાર પર આક્ષેપો
ગુજરાતના કેટલાક કૌભાંડોને છેડો આનંદીબહેનના પરિવાર સુધી પહોંચતા આ એક કારણ પણ જવાબદાર કહી શકાય છે. આ કૌભાંડના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. તથા ભ્રષ્ટાચારની ચર્ચા મીડિયામાં ખૂબ ચગી હતી. કોંગ્રેસ આનંદીબહેનને પુત્રી અનાર પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના પરિવાર પણ જમીન કૌભાંડ અંગે આક્ષેપો થયા હતા.

6 દલિત આંદોલન પણ એક પરિબળ
પાટીદાર આંદોલન બાદ સમગ્ર રાજ્યમાં દલિત આંદોલને વેગ પકડ્યુ હતું. ત્યારે દલિત મહાસંમેલનના બીજા જ દિવસે આનંદીબહેનનુ રાજીનામુ આપી દેવુ શુ સૂચવે છે તે વિશે પણ ચર્ચા ચાલી રહી છે. ૧૧મી જૂલાઈએ ઊનામાં કથિત ગૌભક્તો દ્વારા દલિત અત્યાચારની ઘટનાને ગીર સોમનાથ જિલ્લમાં જ દાબી દેવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે શરૂઆતથી જ ગૃહ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગથી લઈને સ્થાનિક ભાજપના નેતાઓ, મંત્રીઓએ ગંભીરતા સમજીને સમયસર બ્રિફિંગ કર્યુ નહોતુ તેવી ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલયના સેક્રેટરીઓએ કરી હતી.

7 સ્થાનિક ચૂંટણીઓમાં હાર
ગુજરાતમાં અનેક મોરચે સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તે જોતા આનંદીબેનની અસફળતાની પણ ચર્ચાઓ ચાલી રહી હતી. આ અસફળતા પણ એક કારણ હોઈ શકે.

8 ભ્રષ્ટાચારનો આરોપ
છેલ્લા કેટલાક સમયથી ભાજપ સામે ભ્રષ્ટાચારનો આરોપ ઉઠ્યો હતો. જેમાં તલાટી કૌભાંડ, બિલ્ડર વસાણી કૌભાંડ જેવા મુદ્દાઓ સામેલ છે. તેમાં પણ વસાણી કૌભાંડમાં આનંદીબહેનનું નામ ઉછળ્યું હતું. ત્યારે આ બાબતથી પણ આનંદીબહેને રાજીનામાનુ પગલુ ભર્યું હોય તેવુ કહી શકાય.

9 યુવાઓનો વિશ્વાસ ગુમાવ્યો
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા યુવાઓના વિકાસની વાતો કરતા. આ કારણે જ તેઓ ગુજરાતના યૂથમાં સૌથી વધુ લોકપ્રિય છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન તેમજ અન્ય મુદ્દાઓને કારણે ગુજરાતના યુવાઓમાં આક્રોશ વધી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ યુવાઓનો આ આક્રોશ આંખે ઉડીને વળગતો હતો. ત્યારે આ પણ એક કારણ હોઈ શકે બેનના રાજીનામાનું.

10 આંતરિક વિખવાદમાં ઉઠેલા વિરોધ
છેલ્લાં કેટલાક સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ વખ્યો હતો. જેને પગલે આનંદીબહેન સામે પણ અન્ય નેતાઓનો વિરોધ દેખાઈ આવતો હતો. આવી સાનૂકુળ પરિસ્થિતિમાં પોતે સત્તાનું સંચાલન નહિ કરી શકે તેવો ખ્યાલ આવી જતા આનંદીબહેને જાતે જ રાજીનામુ આપ્યું હોઈ શકે. પોતાની સામે વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી થાય તે પહેલા જ રાજીનામુ આપી દેવુ તેમને યોગ્ય લાગ્યું હશે.

ઉત્તરપ્રદેશની દલિત વોટબેંક માટે ગુજરાતના CMનો ભોગ લેવાયો
જાન્યુઆરી’૧૭માં ઉત્તરપ્રદેશને કબ્જે કરવા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ-ઇજીજી છેલ્લા બે-ત્રણ વર્ષથી દલિત, મહાદલિત મતોને અંકે કરવા બૌધ્ધભિક્ષુઓને સાથે લઈને ધમ્મયાત્રાઓ કાઢી રહ્યા છે. ઉત્તરપ્રદેશના પુર્વાંચલ ક્ષેત્રમાં આવી યાત્રાઓને કારણે વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને ભારે સફળતા મળી હતી. વર્ષોની મહેનત બાદ ગુજરાતના ઊનામાં દલિત અત્યાચારની ઘટનાથી ઉત્તરપ્રદેશની દલિત, મહાદલિત વોટબેંકને માયાવતીના બહુજન સમાજવાદી પાર્ટી તરફ ખેંચાઈ જવાની પુરેપુરી શક્યતાઓને પગલે સંઘના દબાણને વશ થઈને ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપી દેવા આનંદીબહેન પટેલને કહી દેવાયાની ચર્ચાએ વેગ પકડયુ છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ૧૦-૧૫ દિવસમાં જ દલિત વોટબેંક વેરવિખેર થતા સંઘે ગુજરાતના મહિલા મુખ્યમંત્રીનો ભોગ લીધો હોવાનું ભાજપના જ વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યુ છે.