૧૦૨ શિક્ષણ સંસ્થાઓને કારણ દર્શાવો નોટિસ ફટકારવામાં આવી
। મુંબઈ ।
રાજ્ય સામાયિક પ્રવેશ પરીક્ષા (CET) હેઠળ પ્રવેશપાત્ર અંદાજે ૧૦૨ ખાનગી, ખાનગી ગ્રાન્ટેડ અને શાસકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને એડ્મિશન રેગ્યુલેશન ઓથોરિટી પાસે રજિસ્ટ્રેશન ન કરવા બદલ કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે. આ માટે આ સંસ્થાઓને પચાસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ૧૫ દિવસની અંદર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એમાં શહેરની નામાંકિત શિક્ષણ સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.
રાજ્ય સરકારે ૨૦૧૫માં CETની સ્થાપના કરી હતી. એના હેઠળ રાજ્યની એન્જિનિયરિંગ, મેડિકલ, કૃષિ, મત્સ્યવિજ્ઞાન, નર્સિંગ, ફાઇન આર્ટ્સ, આયુષ એવા વિવિધ અભ્યાસક્રમોની પ્રવેશપ્રક્રિયા પાર પડે છે. આ પ્રવેશપ્રક્રિયા પર નિયંત્રણ લાવવા માટે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ સ્ટેટ એડ્મિશન રેગ્યુલેશન ઓથોરિટી સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ ઓથોરિટી દ્વારા બધા વિદ્યાર્થીઓના સર્ટિફિકેટની તપાસણી કરી નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની પાત્રતા નક્કી કરવાનો અધિકાર આ ઓથોરિટી પાસે છે. આ માટે કોલેજોએ ઓથોરિટી પાસે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
પ્રવેશ માટેની મુદત ૩૧ જાન્યુઆરી
નવેમ્બરમાં ઓથોરિટીએ કોલેજોને રજિસ્ટ્રેશન કરાવવા અને વિદ્યાર્થીઓને તેમના સર્ટિફિકેટ રજૂ કરવા કહ્યું હતું. એ માટે ઓથોરિટીએ પોતાનો આયટી સેલ ઊભો કરી ‘સફળતા’ નામની ઓનલાઇન વ્યવસ્થા શરૂ કરી છે. પ્રવેશ માટેની મુદત ૩૧ જાન્યુઆરી હોવા છતાં હજી સુધી ૧૦૨ સંસ્થાઓએ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.