ફક્ત 12 જ કંપનીઓએ બેન્કોને રૂ. 1.78 લાખ કરોડનો ચૂનો ચોપડ્યો - Sandesh
NIFTY 10,817.00 +28.45  |  SENSEX 35,260.29 +178.47  |  USD 63.8525 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ફક્ત 12 જ કંપનીઓએ બેન્કોને રૂ. 1.78 લાખ કરોડનો ચૂનો ચોપડ્યો

ફક્ત 12 જ કંપનીઓએ બેન્કોને રૂ. 1.78 લાખ કરોડનો ચૂનો ચોપડ્યો

 | 9:10 am IST

એશિયાની ત્રીજી લાર્જેસ્ટ ઇકોનોમીમાં બેન્કોની બેડ લોન્સની સમસ્યા વધુ વકરી રહી છે અને તે કંટ્રોલમાં આવે તેમ અર્થક્ષેત્રના નિષ્ણાતો નથી માનતા.

રાઈટ ટુ ઈન્ફર્મેશન દ્વારા રિઝર્વ બેન્ક પાસેથી મેળવવામાં આવેલા અનપબ્લિશ ડેટાની વિગત મુજબ જૂન ૨૦૧૭માં પૂરા થયેલા છ મહિનાના સમયગાળામાં બેન્કોની કુલ બેડ લોન્સ ૪.૫૦ ટકા વધીને રૂ. ૯.૫૩ લાખ કરોડ જેટલી થઈ છે. અગાઉના છ મહિનાના સમયગાળામાં બેડ લોન્સમાં ૫.૮૦ ટકાનો વધારો થયો હતો.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ જૂનના અંતે કુલ લોન્સમાં સ્ટ્રેસ્ડ લોન્સનો હિસ્સો ૧૨.૬૦ ટકાનાં લેવલે પહોંચ્યો છે જે છેલ્લાં ૧૫ વર્ષમાં સૌથી વધુ છે. જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં અર્થતંત્રનો વૃદ્ધિદર છેલ્લાં ત્રણ વર્ષમાં સૌથી ઓછો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ આંકડા સમયમાં આવ્યા છે જ્યારે આરબીઆઈ બેડ લોનનું ભારણ ઘટાડવા માટે બેન્કો ઉપર સતત દબાણ વધારી રહી છે. ભારતીય કંપનીઓ બેન્ક ઉપર આધારિત હોય છે. છેલ્લા કેટલાક સમયમાં કેટલીક કંપનીઓને કારણે બેડ લોન્સમાં વધારો થતાં બેન્કોના નફામાં ઘટાડો થઈ રહ્યો છે. હવે બેન્કો નવી લોન આપવામાં પણ આનાકાની કરી રહી છે. આ સંજોગોમાં એવી નાની કંપનીઓને અસર પડી રહી છે જે સતત આવી બેન્કલોનના આધારે જ પોતાના વ્યવસાય કરતી હોય છે. આની અસર અર્થતંત્ર ઉપર પડશે જે હાલમાં સરકાર માટે સારા સંકેત નથી.

બેન્કોના નફામાં ઘટાડો  

બેડ લોનમાં સતત વધારો થવાથી બેન્કોનો ચોખ્ખો નફો ઘટી રહ્યો છે. નવા ધિરાણમાં ઘટાડો થયો છે. ખાસ કરીને નાની કંપનીઓને આપવામાં આવતાં ધિરાણમાં ઘટાડો થયો છે. ડિફોલ્ટર્સની સંખ્યા વધી રહી છે તેમજ નવા બેન્ક્રપ્સી કાનૂનની જોગવાઈઓને કારણે બેન્કોએ લોન માટે વધુ જોગવાઈ કરવી પડે છે. જેને કારણે નફામાં ઘટાડો થાય છે.

જાહેર ક્ષેત્રની બેન્કોની બેડ લોન્સ વધારે  

કુલ બેડ લોન્સમાં જાહેર ક્ષેત્રની બેડ લોન્સનો હિસ્સો વધારે છે. મોટી કંપનીઓને આપેલાં ધિરાણનો હિસ્સો NPAમાં વધારે છે. ખાસ કરીને સ્ટીલ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરની કંપનીઓની બેડ લોન્સ વધારે છે. જોકે, એનાલિસ્ટોનું માનવું છે કે હવે નાની કંપનીઓ અને રિટેલ લોન્સમાં પણ બેડ લોન્સનું પ્રમાણ વધી રહ્યું છે. આને કારણે બેન્કોને નવી લોન માટે ધિરાણ આપવામાં ઉત્સાહિત નથી.

૧૨ કંપનીઓની બેડ લોન્સ રૂ. ૧.૭૮ લાખ કરોડ  

  • રિઝર્વ બેન્ક તૈયાર કરેલી યાદી મુજબ ૧૨ કંપનીઓની બેડ લોન્સની રકમ રૂ. ૧.૭૮ લાખ કરોડ જેટલી છે. જે કુલ NPAના ૨૫ ટકા જેટલી છે.
  • રિઝર્વ બેન્કે બેડ લોન માટેની જોગવાઈઓના નિયમનો કડક બનાવ્યા છે એટલે બેન્કોએ આ માટે વધુ જોગવાઈ કરવી પડે છે.
  • કંપનીઓને આપવામાં આવેલી સિક્યોર્ડ લોન માટે ૫૦ ટકા અને અનસિક્યોર્ડ લોન માટે બેન્કોએ ૧૦૦ ટકાની જોગવાઈ કરવી પડે છે.
  • ઈન્ડિયા રેટિંગના રિપોર્ટ મુજબ બેન્કોએ આ કંપનીઓ માટે વર્તમાન જોગવાઈઓ ઉપરાંત રૂ. ૧૮,૦૦૦ કરોડની વધારાની જોગવાઈ કરવી પડશે. વધુ ૨૦ કંપનીઓ સામે બેન્ક્રપ્સીની કાર્યવાહી શરૂ કરવાની શક્યતા છે.
  • રિઝર્વ બેન્કની માહિતી મુજબ માર્ચ ૨૦૧૭માં પૂરા થયેલા વર્ષમાં નવી લોનમાં માત્ર પાંચ ટકાનો વધારો થયો છે. આ વૃદ્ધિદર છેલ્લા છ કરતાં વધુ દાયકામાં સૌથી ઓછો છે. અનેક બેન્કોએ મૂડી સાચવી રાખવા માટે નવી લોન આપવાની કામગીરીમાં ઘટાડો કર્યો છે.

રૂપિયા ૪.૨૪ લાખ કરોડની વધારાની મૂડી

ફિચ રેટિંગ્સના રિપોર્ટ મુજબ બેસલ-થ્રી ગ્લોબલ બેન્કિંગ રૂલ્સના ધોરણો મુજબ ભારતીય બેન્કોને માર્ચ ૨૦૧૯ સુધીમાં રૂ. ૪.૨૪ લાખ કરોડની વધારાની મૂડીની જરૂર પડશે. જાહેર ક્ષેત્રની ટોપ-૧૧ બેન્કોને રૂ. ૯૮,૦૦૦ કરોડની વધારાની મૂડી જોઈશે. સરકારે બજેટમાં બેન્કોની મૂડી માટે માત્ર રૂ. ૧૯,૫૦૦ કરોડની જોગવાઈ કરી છે. બેન્કો માટે નવી મૂડી ઊભી કરવી એ મોટો પડકાર છે.