રાજકોટઃ ૬૦ અને ૬પ વર્ષના બે વૃદ્ધોનું ૧ર વર્ષની બાળા પર દુષ્કર્મ, બાળાને ૮ માસનો રહ્યો ગર્ભ - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ ૬૦ અને ૬પ વર્ષના બે વૃદ્ધોનું ૧ર વર્ષની બાળા પર દુષ્કર્મ, બાળાને ૮ માસનો રહ્યો ગર્ભ

રાજકોટઃ ૬૦ અને ૬પ વર્ષના બે વૃદ્ધોનું ૧ર વર્ષની બાળા પર દુષ્કર્મ, બાળાને ૮ માસનો રહ્યો ગર્ભ

 | 4:01 pm IST

રાજકોટ શહેરમાં બાબરીયા કોલોની ત્રણ માળીયા ક્વાર્ટરમાં રહેતી ૧ર વર્ષની બાળકી પર ૬૦ અને ૬પ વર્ષના બે વૃધ્ધે દુષ્કર્મ, અડપલા કર્યાની ઘટનાથી સમગ્ર શહેર આ બન્ને આરોપી પર ફિટકાર વરસાવી રહ્યું છે. જાતી જિંદગીએ ઘડપણ લજાવનારા પોલીસની ગિરફ્તમાં રહેલા આ બન્ને ઢગાએ આપેલી કેફિયત પ્રમાણે દોઢથી બે વર્ષ પહેલાથી બાળકીને ફોસલાવી તેના પર યૌન શોષણનો સિલસિલો ચાલુ થયો હતો. ત્યારે આ બાળકીની ઉંમર ૧૦ વર્ષ જેટલી હશે !

પીડિતાના પાડોશમાં જ રહેતો નાનજી ધનજી જાવીયા (ઉ.૬૬) એકલો રહે છે. જ્યારે તેનો મિત્ર અરવિંદ લક્ષમણદાસ કુબાવત (ઉ.૬૦)ની દીકરી સાસરે છે આથી તે પણ ઘરમાં એકલો રહે છે. દરમિયાન દોઢ-બે વર્ષ પહેલા વૃધ્ધત્વને શરમાવે એવી વૃત્તિ મનમાં સળવળી હતી. અને પાડોશમાં રહેતી બાળકીને આ બન્ને ઢગાઓ વાસણ માંઝવાના બહાને, કપડા ધોવાના બહાને પચાસ-સો રુપિયા આપી બદ ઈરાદો પાર પાડતા હોવાની કેફિયત પોલીસને આપી છે. કાને ઓછુ સાંભળતા નાનજીએ ત્રણ વખત બાળકીનું યૌન શોષણ કર્યાની કબૂલાત આપી હતી. જ્યારે આંખે ઓછું દેખતા અરવિંદે અડપલાં કર્યાનું રટણ કર્યું હતું.

આ ઢગાઓની પાપલીલાનો ભોગ બનેલી બાળકીને ૮ મહિનાનો ગર્ભ રહી ગયો છે. ઢીંગલી રમાડવાની ઉંમરે આ માસુમ બાળા કશુ સમજે તે પહેલા સંતાનને જન્મ આપવા જઈ રહી છે. આવા સંજોગોમાં તેની અને ગર્ભની તબીયત જોતા હાલ ઝનાના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે. પીડિતાની માતાની ફરિયાદ પરથી બન્ને ઢગા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂછપરછ બાદ બુધવારે બપોર પછી કોર્ટમાં રજૂ કરાશે.

શિશુનો પિતા કોણ ? ડીએનએ ટેસ્ટ કરાશે
૮ માસનો ગર્ભ ધરાવતી ૧ર વર્ષની બાળકી હાલ હોસ્પિટલમાં ડોક્ટરોના સતત ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. ત્રણથી ચાર ડોક્ટરોની ટીમ તેની સારવારમાં તૈનાત છે. ગર્ભમાં રહેલા બાળકનું માથું મોટું છે. માટે ગર્ભને ક્યારે જન્મ આપવો, કઈ રીતે જન્મ આપવો તે મામલે તબીબો અભ્યાસ કરી રહ્યા છે. શિશુનો પિતા કોણ ? તે જાણવા બાળકના જન્મ પછી ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. જેના માટે બન્ને આરોપીઓના લોહીના નમુના અત્યારથી જ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે.

બાળા પર જવાબદારી ઢોળવા આરોપીઓના હવાતીયાં
પોલીસ ગિરફ્તમાં રહેલા બન્ને આરોપીઓએ પુછપરછ દરમિયાન બાળકીની માનસિક સ્થિતિ ઠીક નહીં હોવાનું જણાવી સમગ્ર ઘટના પાછળ બાળા જવાબદાર હોવાના હવાતીયાં માર્યા હતા.