રાશિ અનુસાર જાણો વર્ષ 2018માં કેવી રહેશે તમારી લવ લાઈફ - Sandesh
  • Home
  • Astrology
  • રાશિ અનુસાર જાણો વર્ષ 2018માં કેવી રહેશે તમારી લવ લાઈફ

રાશિ અનુસાર જાણો વર્ષ 2018માં કેવી રહેશે તમારી લવ લાઈફ

 | 6:18 pm IST

વર્ષ 2018ની શરૂઆત થઈ ચુકી છે. આજ સુધીમાં તમે વાર્ષિક રાશિફળ તો વાંચી પણ લીધું હશે પરંતુ આગામી વર્ષ તમારી લવ લાઈફ માટે કેવું સાબિત થશે તે નહીં જાણ્યું હોય. તો ચાલો આજે જાણી લો કે આ નવું વર્ષ તમારા પ્રેમ સંબંધો માટે કેવી સાબિત થશે.

મેષ રાશિ
આ રાશિના જાતકોની વાત કરવામાં આવે તો તેમના માટે આગામી વર્ષ ખૂબ સારું નીવડે તેવી સંભાવના છે. વર્ષભર જીવનસાથી કે પ્રિય પાત્ર સાથેના સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે. પરંતુ આ સાથે એ વાત પર પણ ધ્યાન આપવું કે ક્રોધ કરવાથી બચીને રહેવું. જો ક્રોધ પર કાબૂ નહીં રાખો તો વિવાદ થઈ શકે છે. અન્યથા આ વર્ષ એટલું શુભ છે કે પ્રેમી યુગલ લગ્ન સંબંધથી પણ બંધાઈ શકે છે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે આ વર્ષ અનુકૂળ રહેશે. લગ્ન લાયક યુવક યુવતીઓ વર્ષના અંત સુધીમાં લગ્નગ્રંથીથી જોડાઈ શકે છે. જો કે આ રાશિના જાતકોએ પોતાની વાણી પર કાબૂ રાખવો જરૂરી છે. વાણી પર સંયમ ત્યારે અચૂક રાખજો જ્યારે સંવાદ પ્રિયજન સાથે કરતાં હોય.

મિથુન રાશિ
જો તમારી ઉંમર વિવાહ યોગ્ય છે તો આ વર્ષમાં શુભ અવસર અચૂક આવશે. જાન્યુઆરીથી માર્ચ માસનો સમય મિથુન રાશિના જાતકો માટે શ્રેષ્ઠ સમય છે. આ સમય દરમિયાન સગાઈ-લગ્નની વાત આવી શકે છે અને વાત આગળ પણ વધી શકે છે.

કર્ક રાશિ
પ્રેમ સંબંધોની બાબતમાં આ વર્ષ કર્ક રાશિના જાતકો માટે નબળું જણાય છે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવે અને સંસારને સાચવવા માટે તમારે ભોગ પણ આપવો પડે. એપ્રિલથી જૂન માસ સુધીમાં સાવધાની રાખવી જરૂરી છે. જો કે પ્રેમ સંબંધો માટે વર્ષમાં સૌથી અનુકૂળ સમય સપ્ટેમ્બર રહેશે. આ સમય દરમિયાન સંબંધ ગાઢ બનશે.

સિંહ રાશિ
આ વર્ષમાં જુલાઈથી સપ્ટેમ્બર માસમાં સંબંધો સુદ્રઢ થશે અને દંપતિ વચ્ચે જો મતભેદ હશે તો તે પણ દૂર થઈ જશે. જો કે આ સમય બાદ પ્રેમ સંબંધોમાં થોડી નીરસતા આવે જે વર્ષ પૂર્ણ થતાં સુધી રહે.

કન્યા રાશિ
જાન્યુઆરીથી માર્ચમાં જીવનસાથીની નાની નાની વાતોથી પણ મનદુ:ખ થાય. માર્ચ પછી સ્થિતી બદલશે અને જીવનમાં પ્રસન્નતા આવશે. જો કે પ્રિય પાત્ર પ્રત્યે બેદરકારી રાખવાથી સંબંધો તૂટી શકે છે તો સાવધાન રહેવું.

તુલા રાશિ
આ વર્ષ તુલા રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. સગાઈ અને લગ્નની વાત ચાલતી હશે તો આ વર્ષમાં તે નક્કી થઈ જશે. જુલાઈ માસમાં પ્રેમ સંબંધોમાં ઉણપ આવી શકે છે. પરંતુ ઓગસ્ટ પછીથી સંબંધોમાં સુધારો શશે.

વૃશ્ચિક રાશિ
આ વર્ષ પ્રેમ સંબંધો માટે અનુકૂળ રહેશે. પરંતુ સપ્ટેમ્બર સુધી સમય પ્રતિકૂળ હોવાથી પ્રેમી પંખીડા એકબીજા સાથે સુખમય સમય પસાર કરી નહીં શકે. આ સ્થિતી ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન બદલી જશે. આ સમય દરમિયાન સંબંધોમાં આવેલી બાધા દૂર થશે અને સંબંધોમાં મધુરતા વધશે.

ધન રાશિ
એપ્રિલથી જૂન માસ સુધીમાં સંબંધોમાં મધુરતા લાવવા મહેનત કરવી પડે. પરંતુ વર્ષના અંતિમ ભાગમાં સ્થિતી બદલી જાય. નાની નાની વાત પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે. આવી સ્થિતીમાં ઝઘડા વધારે પ્રમાણમાં થાય. આ સ્થિતીમાં સપ્ટેમ્બર માસ પછી આવે.

મકર રાશિ
આ રાશિના જાતકો માટે સમય અનુકૂળ નથી. પ્રિય પાત્ર પર શંકા થાય તેવા પ્રસંગ બને. પરંતુ વિશ્વાસ ક્યારેય ન ડગે તે વાતનું ધ્યાન રાખશો તો સંબંધમાં પ્રેમ વધશે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે.

કુંભ રાશિ
પ્રેમ અને દાંપત્યજીવનની વાત કરવામાં આવે તો આ વર્ષ કુંભ રાશિના જાતકો માટે સારું સાબિત થશે. પ્રેમ પ્રસંગની બાબતમાં ક્યારેક થોડો અસંતોષ જોવા મળે પરંતુ તે સિવાય આ વર્ષ સંતુષ્ટ કરનાર સાબિત થશે. આ વર્ષના એપ્રિલ અને મે માસ પ્રેમ સંબંધોને વધુ મજબૂત બનાવશે.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્ય રહેશે. વર્ષ દરમિયાન ઉતાર-ચઢાવ આવે અને જીવનસાથી સાથે મતભેદ પણ થાય પરંતુ માર્ચમાં સંબંધોમાં પ્રગતિની સ્થિતી આવશે. જો કે સપ્ટેમ્બર પછી સમય તુલનાત્મક રીતે શ્રેષ્ઠ પરિણામ આપે તેવા સંજોગ જણાઈ રહ્યા છે.