$137 billion at stake: Jeff Bezos and Wife MacKenzie Bezos to divorce
  • Home
  • Business
  • દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ, મહિલાને મળશે 4.76 લાખ કરોડ, આ મોડલ કારણભુત

દુનિયાના સૌથી મોંઘા ડિવોર્સ, મહિલાને મળશે 4.76 લાખ કરોડ, આ મોડલ કારણભુત

 | 10:10 pm IST

એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ તેમની પત્ની મેકેન્ઝી બેઝોસ સાથે છૂટાછેડા લેવાના છે. આ છૂટાછેડા વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થવાના છે ત્યારે એવી વાત બહાર આવી છે કે જેફ બેસોઝનું હોલિવૂડના ટેલન્ટ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલની પત્ની તથા પૂર્વ ટીવી એન્કર અને હેલિકોપ્ટર પાઇલટ લોરેન સેન્ચેઝ સાથે અફેર હતું. નેશનલ ઇન્ક્વાયરના અહેવાલ પ્રમાણે જેફ અને લોરેન વચ્ચે છેલ્લા આઠ મહિનાથી સંબંધો છે. તેઓ સાથે વેકેશન પણ પસાર કરી આવ્યાં છે અને તેમની કેટલીક સિક્રેટ સેલ્ફી પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેફ અને લોરેનના ગુપ્ત સંબંધોને પગલે જ મેકેન્ઝીએ જેફ પાસે છૂટાછેડા માગ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેફ અને મેકેન્ઝીએ છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે, તેઓ જો છૂટા થશે અને સંપત્તિની વહેંચણી થશે તો દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા તેમનાં નામે નોંધાશે. આ સંપત્તિની વહેંચણી થઈ તો મેકેન્ઝી દુનિયાની સૌથી ધનિક મહિલા થઈ જશે અને વિશ્વનાં ધનિક લોકોની યાદીમાં પણ તેને સ્થાન મળી જશે, તે ઉપરાંત જેફ બેઝોસ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું સ્થાન પણ ગુમાવી દેશે. હાલમાં જેફની સંપત્તિ 137 અબજ ડોલર છે, તેમાંથી તેણે મેકેન્ઝીને 69 અબજ ડોલર આપવા પડશે. આ રીતે જેફની સંપત્તિ અડધી થઈ જશે.

વોશિંગ્ટનના કાયદા પ્રમાણે સંપત્તિની વહેંચણી કરવી પડે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં જેફની સંપત્તિ 137 અબજ ડોલર છે. તેણે છૂટાછેડા બાદ ૬૯ અબજ ડોલર મેકેન્ઝીને આપવા પડશે. એમેઝોન જ્યાં આવેલી છે અને જેફ તથા મેકેન્ઝીનું જ્યાં ઘર છે તે વોશિંગ્ટનના કાયદા થોડા અલગ છે. વોશિંગ્ટનને કોમ્યુનિટી પ્રોપર્ટી સ્ટેટ પણ કહે છે. અહીંયાં લગ્નજીવન દરમિયાન લીધેલી તમામ કે ઉપાર્જિત કરેલી તમામ સંપત્તિ, આવક અને દેવાંની સરખા ભાગે વહેંચણી કરવી પડે છે. કોઈપણ યુગલ જ્યારે છૂટાછેડા લે છે ત્યારે તમામ બાબતે અડધો ભાગ કરવામાં આવે છે.

યુગલ દ્વારા આ મુદ્દે પહેલેથી કોઈ કરાર ન કરવામાં આવ્યા હોય તો કોર્ટ આદેશ આપવા દરમિયાન અડધી વહેંચણી કરાવે છે. એક વકીલે જણાવ્યું કે, કાયદા પ્રમાણે બધું જ સરખે ભાગે વહેંચાય છે પણ મોટાભાગના કેસમાં તેવું થતું નથી. ધનિકો છૂટાછેડા લેતાં પહેલાં સમજૂતીથી સંપત્તિની અને બાકીની તમામ બાબતોની વહેંચણી મુદ્દે પારસ્પરિક સ્પષ્ટતા કરી લે છે. આ તમામ સ્પષ્ટતા અને કરાર બાદ તેઓ કોર્ટમાં અરજી કરે છે. વોશિંગ્ટન દ્વારા છૂટાછેડા માટે આવનારા યુગલને 90 દિવસનો સમાધાનનો સમય આપવામાં આવે છે. સૂત્રોના મતે જેફ અને મેકેન્ઝીએ જાહેરાત કરી છે કે તેઓ છૂટા થઈ જશે પણ તેમણે કોર્ટમાં આ મુદ્દે હજી સુધી કોઈ અરજી કરી નથી.

આ છૂટાછેડાની આવી અસર પડશે

-વિશ્વનાં અર્થતંત્રમાં અને વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ઉતાર-ચડાવ જોવા મળશે.

-જેફ બેસોઝ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિનો તાજ ગુમાવશે.

-મેકેન્ઝી વિશ્વની સૌથી ધનિક મહિલા બની જશે.

-બિલ ગેટ્સ ફરી એક વખત વિશ્વની ધનિક વ્યક્તિ બની જશે.

-એમેઝોનના બિઝનેસ ઉપર તેની સીધી અસર નહીં જોવા મળે.