૧૪ સગર્ભા અમેરિકી મહિલાએ એક ધૂમ્રપાન કરે છે - Sandesh
  • Home
  • Ahmedabad
  • ૧૪ સગર્ભા અમેરિકી મહિલાએ એક ધૂમ્રપાન કરે છે

૧૪ સગર્ભા અમેરિકી મહિલાએ એક ધૂમ્રપાન કરે છે

 | 1:32 am IST

ન્યૂયોર્ક :

એક સર્વેક્ષણ અહેવાલમાં જણાવ્યા મુજબ અમેરિકામાં વર્ષ ૨૦૧૬માં બાળકને જન્મ આપનારી સાત ટકા મહિલાઓ ધૂમ્રપાન કરતી હતી. મહિલા સગર્ભાવસ્થામાં ધૂમ્રપાન કરતી હોય તો અધૂરા માસે બાળક જન્મે, બાળક ઓછાં વજનનું કે માંદલું જન્મે તેવાં જોખમ વધી જતાં હોય છે, જોકે સગર્ભાવસ્થામાં નશાથી દૂર રહેવા મહિલાઓ પ્રયાસ તો કરતી જ હોય છે. વર્ષ ૨૦૧૧ના મુકાબલે સગર્ભાવસ્થામાં મહિલાઓ દ્વારા ધૂમ્રપાન કરવાનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. સામાન્ય નાગરિકોમાં પણ ધૂમ્રપાન કરવાનું પ્રમાણ ઘટયું છે. નવા અહેવાલ મુજબ ૨૦થી ૨૪ વર્ષની ઉંમરે સગર્ભા બનતી મહિલાઓ મહદંશે ધૂમ્રપાન કરતી જોવા મળે છે. ધૂમ્રપાન કરતી સગર્ભા મહિલાઓનો આ વર્ગ ઓછું શિક્ષણ ધરાવતાં જૂથની હોય છે. આ જૂથ સુધી કદાચ ધૂમ્રપાનનાં જોખમ અંગેનો સંદેશો પહોંચ્યો નથી હોતો.   સિગારેટનો ધુમાડો કેન્સર, હૃદયરોગ અને શ્વસનસમસ્યાઓ વધારતો હોય છે, પરંતુ સગર્ભા મહિલાના કિસ્સામાં તો આ ધુમાડાની અસર માતાનાં રુધિર સુધી પહોંચીને ગર્ભમાં રહેલાં બાળક સુધી પહોંચતી હોય છે. અમેરિકી કોલેજ ઓફ ગાયનેકોલોજી તો કહે છે કે અધૂરા માસે બાળક જન્મના કિસ્સામાં સગર્ભા મહિલા દ્વારા ધૂમ્રપાન સૌથી વધુ જવાબદાર હોય છે. અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં સગર્ભા મહિલા સરેરાશ કરતાં વધુ તો કેટલાંક રાજ્યોમાં સરેરાશ કરતાં ઓછા પ્રમાણમાં ધૂમ્રપાન કરતી હોય છે. રેસ અને શૈક્ષણિક સ્તર પ્રમાણે ધૂમ્રપાનનાં પ્રમાણમાં વધઘટ જોવા મળતી હોય છે. અમેરિકી ઈન્ડિયન અને એલાસ્કાની મૂળ નિવાસી મહિલામાં ધૂમ્રપાનનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ જૂથમાં ૧૬ ટકા મહિલા ધૂમ્રપાન કરતી હોય છે. અમેરિકાની મૂળ નિવાસી જાતિઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધુ છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં આ મહિલાઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ ત્રણ ગણું હોય છે. ચિંતાજનક વાત એ છે કે આ જૂથનાં લોકોમાં જ રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. વ્હાઇટ મહિલાઓમાં પણ સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાનનું પ્રમાણ ૧૦ ટકા જોવા મળે છે. અશ્વેત મહિલાઓમાં આ પ્રમાણ છ ટકા તો હિસ્પાનિક મહિલાઓમાં આ પ્રમાણ ૧.૮ ટકા જોવા મળે છે.