૧૪૨ મીટર ઊંચા આ સ્થિર ચગડોળની ફરતે ઘૂમી શકાય છે - Sandesh
  • Home
  • Kids Corner
  • ૧૪૨ મીટર ઊંચા આ સ્થિર ચગડોળની ફરતે ઘૂમી શકાય છે

૧૪૨ મીટર ઊંચા આ સ્થિર ચગડોળની ફરતે ઘૂમી શકાય છે

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

ચીનનું૧૪૨ મીટર ઊંચું ઓબ્ઝર્વેશન વ્હીલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નાના મોટા દરેકને ફેરી વ્હીલ અતિપ્રિય હોય છે. પણ શું તમે ક્યારેય વચ્ચેની કોઈ ધરી વિનાનું ‘પોલું’ ફેરીસ વ્હીલ જોયું છે. ચીનના વેઈફાંગ શહેરમાં બોહાઈ સમુદ્રના કાંઠે આ જાયન્ટ વ્હીલ ગોઠવવામાં આવ્યું છે. તે ૧૪૨.૫૨ મીટર ઊંચું છે. તે વિશ્વનું સૌથી ઊંચું કેન્દ્રરહીત ઓબ્ઝર્વેશન વ્હીલ છે. તેને ફેરીસ વ્હીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રવાસીઓમાં આકર્ષનું કેન્દ્ર બન્યું છે. આ ફેરીસ વ્હીલ વેઈફાંગ બેલાંગ રિવર સિનિક મેનેજમેન્ટ કંપની, ચાઈના કન્સ્ટ્રક્શન સિક્સ્થ એન્જિનિયરિંગ ડિવિઝન કોર્પ લિ. અને ઝેજીઆંગ જુમા એમ્યુઝમેન્ટ ઈક્વિપમેન્ટ કંપની, લિમિટેડ, આ ત્રણ કંપનીઓએ મળીને બનાવ્યું છે. ફેરીસ વ્હીલ પોતે તો આખું ગોળ ગોળ નથી ફરતું, પરંતુ તેના બહારના ટ્રેક પરની કેબિનો ફરતી રહે છે. તેના પાયા નાખતા જ બિલ્ડરોને ચાર વર્ષ લાગ્યા હતા. તેમાં આશરે ૪,૬૦૦ ટન સ્ટીલ પાઈપનો ઉપયોગ થયો હતો. આ ફેરીસ વ્હીલમાં છત્રીસ કેબિન છે. તેમાં ત્રીસ મિનિટની મુસાફરી કરાવવામાં આવે છે. અને એક કેબિનમાં લગભગ દસ જેટલા પ્રવાસીઓ બેસી શકે છે. આ વ્હિલ ડબલ-ડેક બેલેંગ નદીના પુલ પર બાંધવામાં આવ્યું છે. આ પુલની કુલ લંબાઈ ૫૪૦ મીટર છે, જેમાંથી ૧૯૦ મીટરનો ભાગ નદીની ઉપરથી પસાર થતો પ્રોપર બ્રીજ છે અને બાકીનો ૩૫૦ મીટર એ બ્રીજ સુધી પહોંચવાનો માર્ગ છે. મુખ્ય પુલમાં બે સ્તરો છે. ઉપલા ભાગમાં મોટર વાહનો માટેનો માર્ગ છે, જ્યારે નીચલો ભાગ પદચાલકો માટે છે અને ફેરીસ વ્હીલનું પ્રવેશદ્વાર નીચલા ભાગમાં આવેલું છે. બોહાઈ સમુદ્રની આંખ તરીકે આ વ્હિલને ઓળખવામાં આવે છે. આ આખું વ્હિલ મેટલનું બનેલું છે. આ કારણે જ આટલા વિશાળ ફેરીસ વ્હિલનો સમાવેશ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવામાં આવ્યો છે. તેની કારીગરી બેનમૂન રીતે કરવામાં આવી છે. કદ, કારીગરી અને સગવડોને કારણે તે વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું છે. વિશ્વમાં આ એક જ જાયન્ટ ફેરીસ વ્હિલ છે જે વચ્ચેથી પોલું છે. વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપતી વખતે તેની આ વિશેષતાની પણ નોંધ લેવામાં આવી છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન