પતંગના ભાવમાં ૧૫થી ૧૭%, દોરીમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો - Sandesh
  • Home
  • Ahmedabad
  • પતંગના ભાવમાં ૧૫થી ૧૭%, દોરીમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો

પતંગના ભાવમાં ૧૫થી ૧૭%, દોરીમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો

 | 12:31 pm IST

અમદાવાદ શહેરના નાના-મોટા મકાનો જ નહીં બડી બડી ઈમારતોના ધાબા ગજવી મૂકતા પતંગ પર્વ કહો કે, ઉત્તરાયણને આડે હવે માત્ર અડતાલીસ કલાક જ બાકી રહ્યા છે ત્યારે પતંગ અને દોરીના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. પતંગના ભાવોમાં સપ્તાહના પ્રારંભમાં ૧૦ ટકા વધારો હતો એ વધીને ૧૫થી ૧૭ ટકા અને દોરીના ભાવમાં ૭ ટકાનો વધારો ૧૦થી ૧૨ ટકા ઉપર આવી પહોંચ્યો છે પરિણામે પતંગ રસિયાઓએ પતંગ દોરીની ખરીદીમાં કાપ મૂકયો છે. આમ છતાં પતંગ બજારના વેપારીઓ એવી આશા રાખીને બેઠા છે કે, ઉત્તરાયણની કતલની રાત એટલે કે શનિવારે તા. ૧૩મીની સાંજથી ઘરાકીમાં તેજી આવશે.

દેખીતી રીતે જ શહેરના મુખ્ય પતંગ બજારો એવા કાલુપુર, માણેકચોક, રાયપુર, દિલ્હી દરવાજા, શાહપુર, નારણપુરા, નવરંગપુરા, સેટેલાઈટ, બોપલ, મણિનગર અને નરોડા-નિકોલના વેપારીઓ આ ભાવ વધારા પાછળ પતંગના કાગળ, અને વાંસની પટ્ટીમાંથી બનતી પતંગની કમાનના ભાવમાં થયેલા વધારા અને પતંગ દોરીનું ઉત્પાદન કરતી કંપનીઓએ મનફાવે તેમ દોરીના ટેલરના ભાવમાં કરેલા વધારાને કારણભૂત જણાવી રહ્યા છે. એમ મુખ્યત્વે કોલકાતામાં સૌથી વધુ પ્રમાણમાં પતંગો બનાવવામાં આવે છે એ પતંગોનું ઉત્પાદન ભારે વરસાદને કારણે ઘટતા ભાવમાં વધારો થવા પામ્યો છે. જ્યારે પતંગ-દોરીના જાણીતા વેપારી રાજુભાઈ ત્રિવેદીએ એમ પણ કહ્યું કે, સરકારી ટેક્સ એટલે કે જી.એસ.ટી.ના પાંચ ટકાના કારણે માત્ર હોલસેલ જ નહીં રિટેલર વેપારીઓને પણ ભાવ વધારાનો સામનો કરવો પડયો છે. ભાવ વધારાનો આ બોજ શનિવાર અને રવિવાર ઘરાકીમાં ઓર તેજી આવશે તો જ સહન કરી શકાશે.

આ ભાવવધારાને કારણે નાની ચીલ એટલે કે, પતંગીયા પતંગનો એક કોડીનો ભાવ રૂ. ૬૦થી ૭૦ હતો એ વધીને આજે રૂ. ૬૦થી ૭૦ હતો એ વધીને આજે રૂ. ૮૦થી ૧૦૦ થયો છે. અડધિયા પતંગનો કોડીનો ભાવ રૂ. ૧૪૦થી ૧૫૦ હતો તે વધીને રૂ.૧૬૦થી ૧૭૫ થયો છે. પોણીયા પતંગ કોડીના રૂ. ૧૭૦થી ૧૭૫ના બદલે રૂ. ૨૦૦ ઉપર પહોંચી ગયો છે. તો વળી નવ તારની દોરીની ફીરકીનો ભાવ રૂ. ૧૮૦થી ૧૯૦ હતો તે વધીને રૂ. ૨૦૦થી ૨૨૦ થવા પામ્યો છે. એમ ૧૨ તારની દોરીનો ભાવ રૂ. ૨૩૦થી વધીને રૂ. ૨૫૦થી રૂ. ૨૬૦ ઉપર પહોંચ્યો છે જ્યારે પેલા ઉસ્તાદ ટીલુ ભૈયાઓ એક હજારવાર દોરી રંગવાનો ભાવ રૂ. ૪૦થી ૫૦ લેતા હતા એ આજે રૂ. ૮૦ લે છે પણ જો ઉતાવળ હોય તો રૂ. ૧૨૦ લેતા ખચકાતા નથી.

GSTના વિરોધમાં પતંગ એસો.એ દેખાવ યોજી રોષ વ્યક્ત કર્યો

પતંગ બનાવવાના અને તેના વેચાણ કરવાના કામમાં અમદાવાદ શહેરમાં પોણા ત્રણ લાખ લોકો જોડાયેલા છે. મહિલાઓ આખુ વર્ષ પતંગ બનાવીને તેમની રોજગારી મેળવે છે.તેવા સંજોગામાં પતંગ ઉપર ૫ ટકા જીએસટી નાંખવામા આવતા રોજગારીને મોટી અસર થાય છે. જીએસટી નાંખીને કેન્દ્ર સરકારને કે રાજ્ય સરકારને કોઇ મોટી આવક કમાવવાની નથી છતાં શ્રમિકોની રોજગારી પર સરકાર દ્રારા તરાપ મારવામા આવી છે. પંતગ એસોસીએશન દ્રારા રિવર ફ્રન્ટમાં મફત પંતગો વેચીને વિરોધ કરાયો હતો. મ્યુનિસિપલ કમિશનર અને મેયરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. મેયર અને કમિશનર નહિ મળી શકતા કોર્પોરેશનમાં પણ મફત પતંગ વેચીને વિરોધ કરાયો હતો.