174 Indians in US File Case Against Donald Trump’s H-1B Visa Restrictions
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભારતીય વિદ્યાર્થીઓને ઘરભેગા કરવાના ટ્રમ્પના પ્લાન ફર્યું પાણી, 174 ભારતીયોએ ચડાવી બાંયો

ભારતીય વિદ્યાર્થીઓને ઘરભેગા કરવાના ટ્રમ્પના પ્લાન ફર્યું પાણી, 174 ભારતીયોએ ચડાવી બાંયો

 | 11:54 pm IST
  • Share

2020ના બાકી રહેલા વર્ષ માટે એચ-વનબી વિઝા જારી કરવા પર રોકના કારણે અમેરિકામાં પ્રવેશ કરતા અટકાવતા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આદેશને સાત સગીર સહિત 174 ભારતીય નાગરિકોએ અદાલતમાં પડકાર આપ્યો છે. 22મી જૂને પોતાના જાહેરનામામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 31 ડિસેમ્બર 2020 સુધી એચ-વનબી વિઝા હંગામી ધોરણે સ્થગિત કરી દીધા હતા. 174 ભારતીયો દ્વારા ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ખટલો દાખલ કરાયો છે. ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ કેતનજી બ્રાઉન જેકશને બુધવારે અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયો, હોમલેન્ડ સિક્યુરિટીના એક્ટિંગ સેક્રેટરી ચાડ એફ વૂલ્ફ અને લેબર સેક્રેટરી યુજિન સ્કાલિયાને સમન્સ પાઠવ્યાં હતાં.

ભારતીયોએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકાર દ્વારા એચ-વનબી અને એચ-ફોર વિઝા પર લાગુ કરાયેલું જાહેરનામું અમેરિકી અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે, પરિવારોને અલગ કરી દે છે અને અમેરિકી સંસદનું પણ ઉલ્લંઘન કરે છે. લોયર વાસડેન બાનિયાસે ભારતીયો વતી રજૂ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સરકારનો નિર્ણય ગેરકાયદેસર છે. અદાલત ટ્રમ્પ સરકાર દ્વારા એચ-વનબી અને એચ-ફોર વિઝા જારી કરવા પર લદાયેલાં નિયંત્રણોને ગેરકાયદેસર જાહેર કરે. ભારતીયોએ અરજીમાં માગ કરી છે કે, અદાલત વિદેશ મંત્રાલયને એચ-વનબી અને એચ-ફોર વિઝાની પડતર અરજીઓ પરના નિર્ણયો જારી કરવાનો આદેશ આપે.

ભારતીયોની અરજી પર પહેલો અહેવાલ પ્રસિદ્ધ કરનાર ફોર્બ્સે જણાવ્યું હતું કે, ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકી સંસદે ચોક્કસ નિયમો બનાવ્યા છે જેમાં એચ-વનબી વિઝાધારકો અમેરિકામાં કામ કરી શકે છે. આ નિયમો અમેરિકી કામદારો અને નોકરીદાતાઓનાં હિતોને પણ સંતુલિત કરે છે. અરજકર્તાઓએ લેબર ર્સિટફિકેશન પ્રોસેસ પાર કરી છે અને જેમની ઇમિગ્રન્ટ પિટિશનો મંજૂર થઇ છે તેવા એચ-વનબી પ્રોફેશનલ્સનાં હિતોનું રક્ષણ કરવાની માગ કરી છે. આ પ્રકારના પ્રોફેશનલ્સ અમેરિકામાં કાયમી રહેવાની પરવાનગીની પ્રાયોરિટી ડેટની રાહ જોઇ રહ્યા છે. ભારતીય નાગરિકો માટે આ સમયગાળો ઘણો લાંબો છે.

વધતી બેરોજગારીનાં બહાને એચ-વનબી વિઝા સ્થગિત કર્યા

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે કોરોના મહામારીના કારણે અમેરિકામાં વધી રહેલી બેરોજગારીનું કારણ આપીને 31 ડિસેમ્બર 2020 સુધી એચ-વનબી વિઝા સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના દ્વારા જારી જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે અમેરિકામાં બેરોજગારીનો દર વધ્યો છે અને કામદારોની માગ ઘટી છે તેવા અસામાન્ય સંજોગોમાં અમેરિકા પર વિદેશી કામદારોની અસર અંગે આપણે સાવચેત રહેવું જોઇએ. અમેરિકામાં ફેબ્રુઆરી-મે 2020માં બેરોજગારીનો દર વધીને ચાર ગણો થયો છે.

એચ-વનબી વિઝા પરનો પ્રતિબંધ હટાવવા અમેરિકી સાંસદોની માગ

અમેરિકાના સંખ્યાબંધ સાંસદોએ લેબર સેક્રેટરી સ્કાલિયાને એચ-વનબી વિઝા પરનો પ્રતિબંધ હટાવી લેવાની અપીલ કરી છે. સ્કાલિયાને લખેલા પત્રમાં સાંસદોેએ જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ કથિત રીતે ઇમિગ્રેશન સિસ્ટમને ખરાબ ચીતરી રહ્યાં છે પરંતુ વર્ક વિઝા પરના પ્રતિબંધના કારણે સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા છે. તેના કારણે કંપનીઓ ઇમિગ્રન્ટ વર્કર્સ, ગેસ્ટ વર્કર્સ અને અમેરિકન વર્કર્સનું શોષણ કરી રહી છે. કોરોના મહામારી દરમિયાન પોતાની નીતિઓની નિષ્ફળતા માટે અમેરિકી પ્રમુખ ઇમિગ્રન્ટ્સને બલિનો બકરો બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન