17th part of Novel Savyamprabha by Devendra Patel
  • Home
  • Supplements
  • Sanskar
  • શાશ્વત બોલ્યોઃ ‘મારે સ્વયંપ્રભાને જોવી છે’

શાશ્વત બોલ્યોઃ ‘મારે સ્વયંપ્રભાને જોવી છે’

 | 6:00 am IST
  • Share

નવલકથા

પ્રકરણ-૧૭

બરાબર સાત વર્ષનો ગાળો વીતી ચૂક્યો છે.

એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટ મુંબઈના સહારા વિમાની મથકે લેન્ડિંગ કરી રહી છે. પ્રેક્ષક ગેલેરીમાં લેડી લીલાવતી, ડો.વિશાખા અને સુંદર ઊભેલાં છે. લીલાવતીના વાળ અધિક સફેદ બન્યા છે. વિશાખાનો ચહેરો એવો ને એવો જ છે, પણ હવે તે નંબરના સ્પેક્ટેકલ્સ પહેરે છે, તે વધુ ગંભીર લાગે છે.

લીલાવતી એરક્રાફટ તરફ નજર કરતાં કહે છે, ‘વિશાખા! સાત વર્ષ પછી શાશ્વત પાછો આવી રહ્યો છે. મને લાગે છે કે તું હવે એને લગ્ન માટે સમજાવી દે…ભગવાનની મરજી એને જિવાડવાની જ હતી. મારે પણ હવે ઘરમાં વહુ જોઈએ છે.’

ત્યાં જ સુંદર બોલી ઊઠયોઃ ‘યુ આર રાઈટ આન્ટી! શાશ્વતને વિશાખા જેવી વાઈફ ક્યાંથી મળવાની છે? કેમ વિશાખા?’

‘શટ અપ’ : કોણ જાણે કેમ પણ વિશાખાને આ ગમ્મત બહુ ગમી નહીં.

લીલાવતી બોલ્યાં: ‘સુંદર સાચું જ કહે છે.’

વિશાખાએ કહ્યું: ‘પહેલાં સુંદરને કહો કે એનાં લગ્ન તો કરે.’

‘હું તો યોગ્ય પત્નીની શોધમાં છું.’

વિશાખાએ પૂછયું: ‘તારે કેવી પત્ની જોઈએ?’

‘પત્ની’ સુંદરે પોતાની રેડીમેઈડ ફોર્મ્યુલા રજૂ કરીઃ ‘જેની દેહલતા રતિ અગ્નિહોત્રી જેવી હોય, આંખો રામેશ્વરી જેવી, નાક સુચિત્રા સેન જેવું, ગળું મીનાકુમારી જેવું…ચાલ અરુણા ઈરાની જેવી અને રૂઆબ રેખા જેવો.’

લીલાવતીએ કડક સ્વરે ઉચ્ચાર્યું: ‘સુંદર?’

સુંદરે ઝડપથી જવાબ આપી દીધોઃ ‘એ બધામાંથી ગમે તે એક હશે તો પણ ચાલશે.’

૦ ૦ ૦

કેટલીક વાર બાદ કસ્ટમ ક્લિઅરન્સ કરાવીને શાશ્વત આવતો દેખાયો.

વિશાખાએ સહુનું એ તરફ ધ્યાન દોર્યું.

શાશ્વત આવી પહોંચતાં જ બધાએ ફૂલહારથી એનું સ્વાગત કર્યું. લીલાવતીએ શાશ્વતના કપાળે ચુંબન કર્યું. શાશ્વતે માને ચરણસ્પર્શ કર્યાં.

‘વેલકમ હોમ.’: વિશાખાએ આવકાર આપ્યો.

‘થેંક યુ વિશાખા! થેંક યુ સુંદર! તમે લોકો કેમ છો?’

વિશાખાએ જવાબ આપ્યોઃ ‘અમે લોકો તો સારાં છીએ. તું કેમ છે?’

‘હું?’ પ્રશ્ન કરીને શાશ્વતે લીલાવતી સામે જોતાં કહ્યું: ‘જો મમ્મી! હું તો જીવતોજાગતો પાછો આવી ગયો.’

‘મને તારા આત્મવિશ્વાસ માટે અભિમાન છે, બેટા!!’ કહેતાં લીલાવતીએ કહ્યું: ‘ચાલો, બધી વાતો નિરાંતે ઘેર જઈને.’

બધો સામાન કારમાં ગોઠવવામાં આવ્યો.

વાતો ચાલતી રહી.

વિશાખા સ્ટિયરીંગ પર હતી. બાજુમાં શાશ્વત બેઠો હતો. પાછળ લીલાવતી અને સુંદર.

શાશ્વતે પૂછયું: ‘વિશાખા! તું શું કરે છે હમણાં?’

‘હું? મેં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરવાનો વિચાર માંડી વાળ્યો છે.’

‘તો પછી?’

સુંદર બોલ્યોઃ ‘વિશાખા બ્લડ કેન્સર પર રિસર્ચ કરે છે. એણે લાખ્ખો રૂપિયાનું દાન આપીને રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ઊભી કરી છે.’

‘વેરી ગૂડ’

વિશાખા બોલીઃ ‘એ તો બધું ઠીક પણ તારી તબિયત અને સારવારની વાત તો તેં કરી નહીં.’

‘યસ’ કહેતાં શાશ્વત બોલી રહ્યોઃ ‘વિશાખા, મારા લોહીમાં જે ફેરફારો હતા તે અત્યંત પ્રાથમિક તબક્કામાં હતા. શરૂઆતમાં તો અમેરિકન ડોક્ટરો પણ એમ જ માનવા લાગ્યા કે મને લ્યુકેમિયા છે…પણ ખૂબ જ ઝીણવટભરી તપાસ પછી એવું નક્કી કર્યું કે મને લ્યુકેમિયા નહીં પણ ‘અ પ્લાસ્ટિક એનિમિયા’ છે.’

‘ઓહ માય ગોડ!’

‘પછી એક વર્ષ સુધી મેં બરાબર ટ્રીટમેન્ટ લીધી. અને જે હોસ્પિટલમાં મેં સારવાર લીધી તે જ હોસ્પિટલમાં હાર્ટ સર્જરી શરૂ કરી.’

વિશાખા બોલીઃ ‘ગોડ ઈઝ ગ્રેટ…પણ શાશ્વત તું ખરેખર મજબૂત મનનો માનવી ગણાય. આ તો ઠીક છે કે નિદાન ગૂંચવાડાભર્યું હતું પણ બીજો કોઈ દર્દી હોય તો કેન્સરનું નામ સાંભળીને જ અડધો ખલાસ થઈ જાય.’

શાશ્વત બોલ્યોઃ ‘અરે હા વિશાખા! મારે તારી રિસર્ચ ઈન્સ્ટિટયૂટ જોવી છે.’

‘સ્યોર’ કહીને વિશાખાએ જૂહુ તરફ કાર વાળી.

૦ ૦ ૦

કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ.

શાશ્વત અને વિશાખા ઈન્સ્ટિટયૂટના એક પછી એક વિભાગોને જોતાં બહારની લોબીમાં ફરી રહ્યાં છે.

ઈન્સ્ટિટયૂટ જોયા પછી શાશ્વત ખુશ હતો. ખાસ કરીને તેના સ્વાસ્થ્ય અંગે ખોટું નિદાન થયા પછી તે કેન્સરમાં વધુ રસ લેતો થયો હતો.

એ બોલ્યોઃ ‘કોંગ્રેચ્યુલેશન્સ વિશાખા! તેં ખરેખર એક ઉત્તમ કાર્ય કર્યું છે. કેન્સર પર વિજ્ઞાનને વિજય ક્યારે મળશે એ તો ખબર નથી પરંતુ જ્યારે પણ સફળતા મળશે ત્યારે એમાં તારા જેવા હજારોનો ફાળો હશે…’

‘થેંક યુ શાશ્વત!’: કહેતાં વિશાખાએ પૂછયું: ‘પણ હવે તારો શું પ્લાન છે?’

થોડુંક હસીને શાશ્વત બોલ્યોઃ ‘વિશાખા! હું ગામડાઓમાં જવા માગું છું.’

‘ગામડામાં?’ વિશાખાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું: ‘અમેરિકામાં તું હાર્ટસર્જરી કરીને આવ્યો છે તે હવે ગામડામાં?’

‘હા વિશાખા! હાર્ટની બીમારી તો શ્રીમંતો ને સુખી લોકોનો રોગ છે. વધુ પડતો ચરબીવાળો ખોરાક ખાઈને આરામપ્રદ જિંદગી જીવતાં લોકોની બીમારી છે. પણ આ દેશના કરોડો ગ્રામવાસીઓ જન્મથી જ બીમાર છે. એમને પૂરતું પોષણ પણ મળતું નથી. શહેરમાં તો અનેક સર્જનો છે તેમાં એક વધશે કે ઘટશે તેથી ઝાઝો ફરક નહીં પડે…પણ હું કોઈ ગામડામાં જઈશ તો એ ગામ માટે તો જરૂર ફરક પડશે.’

‘પણ તું ગામડામાં જઈને શું કરીશ? ત્યાં સાધનો? ઓપરેશન થિયેટર?’

‘વિશાખા! મેં એક કોટેજ હોસ્પિટલ જોયેલી છે. એને ઠીકઠાક કરીશ. અને…’

‘અને શું?’

‘ગામડાંઓ સાથે મારું એવું એટેચમેન્ટ પણ છે. ‘

‘કેવું એટેચમેન્ટ?’

વિશાખાના ખભે હાથ મૂકી તેને અંદરના ખંડમાં લઈ જતાં શાશ્વત બોલ્યોઃ ‘જો વિશાખા, હું કાંઈ છુપાવવા માગતો નથી. હું ગામડામાં એટલા માટે જવા માગું છું કે સ્વયંપ્રભા પણ ગામડામાં છે. મારે રામપુર જવું છે. મારે એને જોવી છે.’

વિશાખાના માથા પર જાણે કે વજ્રઘાત થાય છે પણ હવે આવા આઘાતો સહન કરવાની શક્તિ એણે કેળવી લીધી હોય એમ તરત જ સ્વસ્થતા ધારણ કરતાં એણે પૂછયું : ‘સ્વયંપ્રભાને હજીયે તું ભૂલ્યો નથી?’

‘સ્વયંપ્રભા છે જ એવી. એકવાર તેને જે મળે તે કદી એને ભૂલી શકે નહીં. તું પણ ચાલ એક વાર મારી સાથે ગામડામાં.’

વિશાખાએ ડૂમાને ગળામાં ઉતારી દેતાં કહ્યું: ‘તારી ઈચ્છા હશે તો ત્યાં પણ આવીશ…કોઈ વાર…મારે પણ સ્વયંપ્રભાને જોવી છે.’

અને વિશાખા ત્વરિત બીજા ખંડમાં ચાલી ગઈ. શાશ્વત એને જતી જોઈ રહ્યો.

૦ ૦ ૦

મીટરગેજ પાટાઓ પર ઝડપથી એક ટ્રેન દોડી રહી.

ફર્સ્ટ ક્લાસ કંપાર્ટમેન્ટમાં બેઠેલો શાશ્વત બારીમાંથી લીલીછમ વનરાજીને નિહાળી રહ્યો છે. એની નજર સમક્ષ ભાત ભાતનાં ચિત્રો ઉપસીને અદૃશ્ય થઈ જાય છે. વર્ષો બાદ એ એની સ્મૃતિઓને ઢંઢોળી રહ્યો છે. હવે પછી આવનારા સ્ટેશને ઊતરી એ એવા ગામમાં પ્રવેશવાનો છે જ્યાં એનું માનસિક જોડાણ હજીયે અનામત છે.

ટ્રેન ધીમી પડે છે.

રામપુરના એક નાનકડા ફ્લેગ સ્ટેશને ઊભી રહે છે.

એની બેગ લઈ એ નીચે ઊતર્યો. એને યાદ આવ્યું કે કેટલાંક વરસ અગાઉ તે અહીં આવ્યો ત્યારે એની સ્વયંપ્રભાને એ પહેલી જ વાર મળવાનો હતો. ત્યારે સ્વયંપ્રભા કુમારિકા હતી અને હવે? ખબર નથી. એનું મન ચકરાવે ચડયું. સ્વસ્થ થતાં એ આગળ ધપ્યો. શાશ્વતે આ ગામની કોટેજ હોસ્પિટલના ઈન્ચાર્જ તબીબ બની ગ્રામ્ય વિસ્તારોને સેવા આપવાનો નિર્ણય લઈ લીધો હતો.

એને લેવા માટે કોટેજ હોસ્પિટલના સ્થાનિક ડોક્ટર જીપ લઈને આવ્યા હતા. સ્થાનિક ડોક્ટર આગળ વધ્યા અને સહેજ અચકાતાં આગળ વધી શાશ્વતને પૂછયું: ‘આપ ડો.શાશ્વત?’

‘હા…હું શાશ્વત.’

‘હું ડો.વૈષ્ણવ. કોટેજ હોસ્પિટલ તરફથી આપને લેવા આવ્યો છું.’

‘થેંક યુ.’

‘ચાલો, જીપ તૈયાર છે.’ કહેતાં ડો.વૈષ્ણવે ઉમેર્યું: ‘ડો.શાશ્વત, હવે તમે આ હોસ્પિટલ સંભાળવાના છો એ નિર્ણયથી હોસ્પિટલનો સ્ટાફ અને ટ્રસ્ટીઓ ખુશ થઈ ગયા છે.’

‘હં..!’ કહેતાં બધા જીપમાં ગોઠવાય છે.

અને જીપ ગામ તરફ દોડવા માંડે છે.

૦ ૦ ૦

શાશ્વતને વળી પાછો ભૂતકાળ તાજો થાય છે.

કદીક એ અહીંથી પગપાળા ચાલતો ચાલતો ગામ તરફ જવા નીકળ્યો હતો. એનો બાળપણનો દોસ્ત પ્રો.કિરણ સાઈકલ લઈને જતાં મળી ગયો હતો અને સૂટકેસ એની સાઈકલ પર મૂકી વાતો કરતાં કરતાં બેઉ ગામમાં ગયા હતા. પ્રો.કિરણ ફિલસૂફીની વાતો કરતો હતો. પછી એ ગામમાં પહોંચ્યા બાદ સૌથી પહેલાં સ્વાતિને મળ્યો હતો. સ્વાતિ કેટલી તોફાની હતી! અને સ્વયંપ્રભા કેટલી ગંભીર! શાશ્વતનું હૃદય જોરજોરથી ધબકી રહ્યું.

હવે તો સાંજ ઢળવા આવી હતી.

૦ ૦ ૦

જીપ ગામના ગોંદરે પહોંચી અને એક ખુલ્લા ખરાબામાં બનેલી કોટેજ હોસ્પિટલ તરફ વળી.

શાશ્વત જીપમાંથી નીચે ઊતર્યો અને નજીકના જ મંદિરમાં થઈ રહેલો ઘંટારવ એના કાને અફળાયો.

ડો.વૈષ્ણવ બોલ્યાઃ ‘ડો.શાશ્વત, આ તમારું ક્વાર્ટર છે. સાફ કરાવી રાખ્યું છે. પાણી પણ તાજું જ ભરેલું છે. એક એટેન્ડન્ટ મોકલી આપું છું. ટ્રસ્ટીઓ કાલે સવારે આપને મળવા આવશે.’

‘ભલે.’ કહેતાં શાશ્વત ફરી ઘંટારવ સાંભળી રહ્યો અને થોડી વાર સુધી વિચાર કરીને તેણે સૂચના આપીઃ ‘મારો સામાન અંદર મુકાવી દો. હું જરા ફરી આવું.’

‘પણ અત્યારે…?’ ડો.વૈષ્ણવે પ્રશ્ન કર્યો.

અને શાશ્વતે જવાબ આપવાનું ટાળી ગામ તરફ ચાલવા માંડયું.

૦ ૦ ૦

ડૂબતા સૂરજના આછા ઉજાસમાં મંદિરનો કોટ કાળો મેશ બની રહ્યો હતો. પણ ધજા હજી ફરકતી દેખાતી હતી. મંદિરમાં આરતી શરૂ થઈ ગઈ હતી. નગારું જોરજોરથી વાગી રહ્યું હતું. એક સુમધુર સ્ત્રીકંઠે આરતી ફેલાઈ રહી હતી.

શાશ્વત ધીમેધીમે એ સ્વરમાં લીન થતો પગથિયાં ચડી રહ્યો. મંદિરમાં અનેક લોકો આંખો બંધ કરી આરતીમાં મગ્ન થઈ ગયાં હતાં. શાશ્વત પણ સૌથી છેલ્લે જઈ ઊભો રહી ગયો અને આંખો બંધ કરી દીધી.

આરતી અટકી.

પણ શાશ્વત હજી લીન હતો.

એક અવાજ સંભળાયોઃ ‘લ્યો પ્રસાદ!’

શાશ્વતે આંખો ખોલી.

સ્વયંપ્રભા હાથમાં થાળી લઈને પ્રસાદ ધરીને ઊભી હતી.

શાશ્વત સાશ્ચર્ય તેને જોઈ રહ્યો અને પરિચિત આત્મીય સ્વજનને જોતો હોય તેમ બોલ્યોઃ ‘સ્વયંપ્રભા!’

સ્વયંપ્રભા એટલું જ બોલીઃ ‘પ્રસાદ.’

શાશ્વત મનોમન બોલ્યોઃ ‘સ્વયંપ્રભા, તું કેટલી બદલાઈ ગઈ છે?’

સ્વયંપ્રભાઃ ‘લ્યો આ પ્રસાદ’

પ્રસાદ લેતાં શાશ્વત બોલ્યોઃ ‘સ્વયંપ્રભા!’

‘સુખી તો છોને?’: સ્વયંપ્રભાએ પૂછયું.

શાશ્વતે સ્તબ્ધ બની પૂછયું: ‘એ તો હું તને-તમને પૂછવા આવ્યો છું.’

‘તું માંથી ‘તમે’ થઈ ગઈ…’ કહેતાં સ્વયંપ્રભાએ ઉમેર્યું: ‘તમે મારી ખબર જ પૂછવા આવ્યા હોય તો ચાલો ઘેર!’

‘કોના ઘેર?’

‘મારા ઘેર.’

‘તારા ઘેર…ના…ના.’

‘કેમ! મારા ઘેર બધાં જ છે. પતિ પણ છે. તમને છાનામાના નહીં લઈ જાઉં.’

‘પતિ?’:શાશ્વતે આઘાત સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

સ્વયંપ્રભા બોલીઃ ‘હા. મારા પતિ પણ છે. ડરો છો?’

‘ના ના હું એવું નથી કહેતો.’

‘તો ડરો છો શાથી?’

‘પણ તારા પતિને કેવું લાગે?’

‘ઘરમાં એક મહેમાન આવ્યા છે તેવું જ…બીજું શું?’

‘પણ સ્વયંપ્રભા મારે તારી સાથે નિરાંતે વાત કરવી છે.’

સ્વયંપ્રભા બોલીઃ ‘નિરાંતથી વાત કરવા માટે જ તમને ઘેર આવવા કહું છું.’

‘પણ બધાંની હાજરીમાં…?’

‘છુપાવીને જીવન જીવવા જેવું મારી પાસે કાંઈ નથી.’

‘પણ સ્વયંપ્રભા, બધાંને ખબર છે કે મેં તારી સાથેનું સગપણ તોડી નાખ્યું હતું….અને હવે આવું તો કેવું લાગે?’

સ્વયંપ્રભાએ થાળી મૂકીને પગથિયાં ઊતરવા માંડયાં.

એ બોલીઃ ‘મારા વર્તનથી તો કાંઈ નહીં લાગે…તમારા વર્તનથી કોઈને કાંઈ લાગે તો મને ખબર નથી.’

શાશ્વત મંત્રમુગ્ધ બનીને દોરાઈ રહ્યો.

સ્વયંપ્રભા બોલીઃ ‘અને મારે તમને એક સરપ્રાઈઝ આપવી છે…સરપ્રાઈઝ આપવાનો તમને શોખ છેને!’

‘સરપ્રાઈઝ?’

‘હા…’ કહેતાં સ્વયંપ્રભા શાશ્વતથી અંતર જાળવીને સાથે સાથે આગળ વધે છે.

શાશ્વતે ધીમેથી પૂછયું: ‘પણ સ્વયંપ્રભા તને મારા માટે કોઈ તિરસ્કાર, કોઈ અણગમો, કોઈ ધિક્કાર…’

‘કાંઈ જ નથી.’

‘મેં તારી સાથે સગાઈ તોડી નાખવાની ધૃષ્ટતા કરી તોયે!’

સ્વયંપ્રભા બોલીઃ ‘સગપણ તો વડીલોના કરાર હતા. એ કરારમાં તમને-મને કેવી રીતે બાંધી શકાય?’

‘ના સ્વયંપ્રભા!’ શાશ્વત બોલ્યોઃ ‘વાત એમ નથી. તું મને કેમ પૂછતી નથી કે મેં શા માટે સગાઈ તોડી નાખી?’

‘હું હકીકતોનો સામનો કરવામાં માનું છું, પ્રશ્નો પૂછવામાં નહીં.’

‘પણ સ્વયંપ્રભા, મારો ખુલાસો તો માંગ.’

‘ભૂતકાળને ઉલેચવાથી પ્રશ્નો હલ થતા નથી. ચાલો ઘર આવી ગયું.’ ‘સ્વયંપ્રભાએ અત્યંત સ્વસ્થતાથી વાત કરી. શાશ્વત તો સ્વયંપ્રભાના વલણથી સ્તબ્ધ હતો.’

– ક્રમશઃ

–  www.devendrapatel.in

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો