ગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલુ, ખેડૂતો વીજળી પેદા કરી શકે તેવી યોજના લાવ્યા - Sandesh
 • Home
 • Featured
 • ગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલુ, ખેડૂતો વીજળી પેદા કરી શકે તેવી યોજના લાવ્યા

ગુજરાત સરકારનું ક્રાંતિકારી પગલુ, ખેડૂતો વીજળી પેદા કરી શકે તેવી યોજના લાવ્યા

 | 4:35 pm IST

ખેડૂતોની પાણી બાદ બીજી મોટી જરૂરિયાત વીજળીની હોય છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની વીજળીની સમસ્યા દૂર કરતી એક મહત્ત્વની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સૂર્ય શક્તિ કિસાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખેડૂતો જાતે જ પોતાના ખેતરમાં વીજળી પેદા કરી શકશે, તેમજ પોતાની પાસે વધેલી વીજળી વેચી પણ શકશે.

આ યોજનાના જાહેરાત કરતા ગુજરાત સરકારના ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, આ સૂર્ય શક્તિ કિસાન યોજનામાં ખેડૂતોને પોતાના ખેડૂત ખેતરમાં સૌર પેનલ લગાવવાની રહેશે, જેના માટે સરકાર સબસીડી આપશે. જેના મદદથી વીજ ઉત્પાદન થશે, જેનો ઉપયોગ તેઓ સિંચાઈ માટે કરશે. તેમજ ખેડૂતો પોતાની પાસેની વધારાની વીજળી રાજ્યની વીજ કંપનીઓને વેચી પણ શકશે. આમ, ખેડૂતો આ યોજના દ્વારા વધારાની આવક પણ કરી શકશે. રાજ્ય સરકારે જાહેર કરેલી SKY યોજના વર્ષ ર૦રર સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના વડાપ્રધાનના નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પમાં આ યોજના પૂરક બનવાની છે.

તેમણે કહ્યું કે, ખેડૂતો સ્કાય યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા ૮ થી ૧૮ માસમાં જ પરત મળી જશે. રાજ્યમાં હાલ ખેડૂતોને જે ફીડર પરથી વીજળી મળે છે તે વીજ ઉત્પાદન માટે બિનપરંપરાગત સ્ત્રોત કોલસો, ગેસ, વગેરેનો ઉપયોગ થાય છે. હવે સૌર ઊર્જાથી ખેડૂતને તેના ખેતરમાં જ સીધી આ સોલાર એનર્જી મળતી થતાં પ્રદૂષણમુકત સ્વચ્છ ઊર્જા તેને મળશે.

યોજનાની ખાસિયત

 •  ખેડૂતોને તેમના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન મેળવવા સોલાર પેનલ આપવામાં આવશે
 • ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની રહેશે પરંતુ વધારે રકમ ભરવી હોય તો તે ભરી શકશે. જેટલી રકમ વધારે ભરશે તેટલી લોન ઓછી લેવાની થશે અને તેને કારણે આવક વધુ થશે.
 • કેન્દ્ર અને રાજ્ય સરકાર ૬૦ ટકા રકમ સબસીડી પેટે ચૂકવશે. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીની ૩પ ટકા રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે.
 •  લોનનો સમયગાળો 7 વર્ષનો રહેશે.
 •  એક હોર્સ પાવર દીઠ સવા કિલોવોટની સોલાર પેનલ આપવામાં આવશે. (એટલે કે ૧૦ હો.પા.ના જોડાણ માટે ૧ર.પ કિલોવોટની પેનલ અપાશે)
 • પ્રતિ કિલોવોટ સોલાર ક્ષમતા મુજબ ૧૦ x ૧૦ ફુટ જગ્યાની આવશ્યકતા રહેશે
 •  જો કોઇ ખેડૂત વધારે કિલોવોટની પેનલ લગાવવા ઇચ્છતા હોય, તો નિયમોને આધિન રહી મંજૂરી અપાશે.
 •  વધારાની પેનલોથી ઉત્પન્ન થતી વીજળી રૂા. ૩.પ૦ પ્રતિ યુનીટના દરથી ખરીદવામાં આવશે. તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવાપાત્ર થશે નહી.
 •  સ્કાય ફીડર દીઠ યોજનામાં જોડાતા ખેડૂતોની સમિતિ બનાવવાની રહેશે.
 •  સ્કાય ફીડર ઉપર દિવસે ૧ર કલાક વીજળી મળશે, પરંતુ જે ખેડૂત આ યોજનામાં નહી જોડાય તેને 8 કલાક વીજ પુરવઠો મળશે.
 •  વીજળીનું જે ઉત્પાદન થાય અને વપરાશ કર્યા બાદ જે યુનિટ ગ્રીડમાં આવે તે યુનિટ દીઠ પહેલાં 7 વર્ષ માટે રૂા. 7 પ્રતિ યુનિટ ખેડૂતને ચૂકવવામાં આવશે. જે પૈકી રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે. બાકીના રૂા. ૩.પ૦ પ્રતિ યુનિટ (૧૦૦૦ યુનિટ પ્રતિ કિ.વો. પ્રતિ વર્ષની મર્યાદામાં) ખેડૂતને રાજ્ય સરકાર સબસીડી રૂપે ચૂકવાશે.
 •  આવી કુલ રકમમાંથી ખેડૂતની લોનનો હપ્તો ભરપાઇ થયા બાદ જે બચત થશે તે ખેડૂતના બેન્ક ખાતામાં સીધી જમા કરાવવામાં આવશે.
 •  7 વર્ષના લોનનો સમય પૂરો થયા બાદ બાકીના ૧૮ વર્ષ સુધી ગ્રીડમાં અપાતી વીજળીના પ્રતિ યુનિટ માટે ખેડૂતને વીજ વિતરણ કંપની દ્વારા રૂા. ૩.૫૦ પ્રતિ યુનિટ ચૂકવવામાં આવશે.

 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત પાણીની અછત ધરાવતુ રાજ્ય છે. અમારી સરકારે છેલ્લાં પાંચેક વર્ષથી મોટી ઝૂંબેશ ઉપાડી દરે વર્ષે એક લાખ કરતા વધુ ખેડૂતોને વીજળીનું કનેક્શન આપ્યું છે. તે ટેકનિકલ અને નાણાંકીય બંને બાબત છે. દરેક વીજળીના કનેક્શન પર સરકારને બોજો પડે છે. તેની સામે સરકારને 4500 થી 5000 કરોડ રૂપિયા ગુજરાત સરકાર દર વર્ષે ગુજરાતના ખેડૂતો વતી ચૂકવે છે. તેથી 5000 કરોડનો બોજો સરકાર પર આવે છે. તે સિવાય અન્ય ખર્ચ તો જુદા. જેમ જેમ કનેક્શન વધતા જાય તેમ
સબસીડીનો ખર્ચ વધતો જાય. જે દિવસથી ખેડૂતો આ કનેક્શન સાથે જોડાશે, તેનાથી સરકારની સબસીડીવાળી યોજના સૂર્યશક્તિ યોજનામાં ટ્રાન્સફર થઈ જશે. પણ તેનો સીધો લાભ સરકાર લેતું નથી. જે વીજળી વધશે તે ગુજરાત વિદ્યુત નિગમ ખરીદશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન