paryushan starts from Thursday, celebration in Derasar
  • Home
  • Astrology
  • ગુરુવારથી પર્યુષણ, શહેરના દેરાસરોમાં મહાવીર મહાપર્વની ઉજવણી શરૂ

ગુરુવારથી પર્યુષણ, શહેરના દેરાસરોમાં મહાવીર મહાપર્વની ઉજવણી શરૂ

 | 10:46 pm IST

જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વાધિરાજ કહેવાતા પર્યુષણનો ગુરુવારથી રંગારંગ આરંભ થઈ રહ્યો છે. દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યના નાના-મોટા દેરાસરોમાં ઉજવણી સાથે જ તપ, સાધના, આરાધનાનો દૌર જામશે. એટલું જ નહીં, ભગવાન મહાવીરને ફૂલ, રૃ, રેશમી દોરાથી માંડીને સોનુ, હીરા, મોતીની આકર્ષક આંગી કરવામાં આવશે. શહેરના તમામ સંઘો, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓની હાજરીમાં મહાપર્વની ઉજવણીની રોનક છવાશે.

જૈન સમુદાયમાં ૬ સપ્ટેમ્બરના ગુરુવારથી ૧૩ સપ્ટેમ્બરના ગુરુવાર સુધી પર્વાધિરાજ પર્યુષણ ચાલશે. જૈનોમાં આ સૌથી મોટું ૮ દિવસનું પર્વ છે. દર વર્ષે ચાતુર્માસમાં ઉજવાતા પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી કહેવાય છે. સાત દિવસ સાધના અને આઠમો છેલ્લો દિવસ સિદ્ધિનો માનવામાં આવે છે. દરમિયાન ગુરુવારથી પર્યુષણના આરંભ સાથે જ દેરાસરો, ઉપાશ્રયો, સંઘોમાં સવારથી મોડી સાંજ સુધી તેની રોનક જોવા મળશે. શહેરના દેરાસરોમાં સવારે ૫ વાગ્યાથી પ્રતિક્રમણ, ભક્તામણ સ્ત્રોતનું પઠન કરાશે. યુવાનો, મોટેરાઓ આઠ દિવસના પૌષધ સાથે જ સાધુ જીવન પાડશે. આ સિવાય વિવિધ સંઘોમાં સિદ્ધિતપ, શ્રેણીતપનું પણ આયોજન કરાયું છે. વળી, સંઘો, ઉપાશ્રયોમાં સવારે વ્યખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિભાવના કરાશે.

જોકે, પર્યુષણના આ દિવસોમાં પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો ભારે મહિમા હોય હવે સંવત્સરી સુધી રોજેરોજ ફૂલ, રૃ, રેશમી દોરા, સોનુ, હીરા-માણેક, મોતીની આંગી કરાશે. તેમજ હવે દેરાસરોમાં રોશની માટે લાઇટનો ઓછો ઉપયોગ કરવાની સાથે જ ઘીના દીવાથી દેરાસરને ઝગમગતું રાખવામાં આવશે.

પર્યુષણમાં અંતિમ દિવસે સંવત્સરીએ દરેક ઉપાશ્રય અને દેરાસરમાં અબાલ વૃદ્ધોની ભીડ ઊમટે છે. પર્યુષણના પવિત્ર દિવસોમાં જૈન શ્રાવકો યથાશક્તિ ઉપવાસ કરે છે. નાના બાળકો, વૃદ્ધો પણ વિધિગત રીતે આઠ દિવસના સળંગ ઉપવાસ ગણાતી અઠ્ઠાઇ કરે છે. સાધુ ભગવંત આઠેય દિવસ કલ્પસૂત્ર નામના ગ્રંથનું ક્રમશઃ વાંચન કરશે. આમ, તપ, સાધના, ભક્તિના સથવારે પર્યુષણ પર્વની રોનક જામશે.