ફાસ્ટ બોલરોનો તરખાટ, 208 રનના ટાર્ગેટ સામે 135માં ઘૂંટણિયે પડી ભારતીય ટીમ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ફાસ્ટ બોલરોનો તરખાટ, 208 રનના ટાર્ગેટ સામે 135માં ઘૂંટણિયે પડી ભારતીય ટીમ

ફાસ્ટ બોલરોનો તરખાટ, 208 રનના ટાર્ગેટ સામે 135માં ઘૂંટણિયે પડી ભારતીય ટીમ

 | 8:54 pm IST

ફિલાન્ડરની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન (42 રનમાં છ વિકેટ)ની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 72 રને પરાજય આપી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સાઉથ આફ્રિકાએ ભારતને જીત માટે 208 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ ભારતીય ટીમ ચ્મેચના ચોથા દિવસે 135 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ત્રીજો દિવસ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ બે વિકેટે 65 રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી પરંતુ બીજી જ ઓવરથી આફ્રિકાની વિકેટનું પતન શરૂ થઈ ગયું હતું. શમીએ અમલાને રોહિત શર્માના હાથે કેચ કરાવ્યો હતો. તે પછી શમીએ નાઇટ વોચમેન કાગિસો રબાદાને સેકન્ડ સ્લીપમાં કેચ કરાવ્યો હતો. કેપ્ટન ડુ પ્લેસિસ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો જેને કારણે 82 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ડી કોક આઠ રન અને ફિલાન્ડર શૂન્યમાં આઉટ થતાં 95 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

આ સમયે ડી વિલિયર્સે કેશવ મહારાજ સાથે મળી ટીમનો સ્કોર 122 રને પહોંચાડયો હતો. કેશવ મહારાજ આઉટ થયા બાદ 130 રનના સ્કોરે મોર્કેલ પણ પેવેલિયન પરત ફર્યો હતો. આ સમયે ઇજાગ્રસ્ત સ્ટેન અંતિમ વિકેટના રૂપમાં ડી વિલિયર્સને સાથ આપવા આવ્યો હતો પરંતુ બુમરાહે ડી વિલિયર્સને આઉટ કરતાં આફ્રિકાની બીજી ઇનિંગ 130 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી શમી અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે ભુવનેશ્વર અને હાર્દિકને 2-2 વિકેટ મળી હતી.

પ્રથમ દાવની 77 રનની સરસાઈ ઉમેરાતાં ભારતને જીત માટે 208 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. 208 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમના ઓપનરોએ મક્કમ શરૂઆત કરતાં 30 રન જોડયા હતા ત્યારે મોર્કેલ અને ફિલાન્ડરે ઝટકા આપતાં ધવન 16 રન અને વિજય 13 રન બનાવી આઉટ થયો હતો જ્યારે ચેતેશ્વર પૂજારા માત્ર ચાર રન બનાવી આઉટ થતાં ભારતે 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત અને કોહલીએ ટીમને સ્થિરતા આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફિલાન્ડરે કોહલીને આઉટ કર્યા બાદ ભારતની વિકેટોનું પતન શરૂ થઈ ગયું હતું. 71 રનના સ્કોરે કોહલી આઉટ થયા બાદ રોહિત શર્મા, હાર્દિક પંડયા અને રિદ્ધિમાન સહા આઉટ થતાં ભારતે 82 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

ટી બ્રેક બાદ ભુવનેશ્વર અને અશ્વિને આફ્રિકન બોલરોનો મક્કમતાથી સામનો કરતાં ટીમનો સ્કોર 100 રનની પાર પહોંચાડયો હતો. બંને સેટ થઈ ગયા હતા ત્યારે ફિલાન્ડરે અશ્વિનને આઉટ કરી આફ્રિકાને આઠમી સફળતા અપાવી હતી. અશ્વિન અને ભુવનેશ્વર વચ્ચે આઠમી વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી હતી. અશ્વિન 37 રન બનાવી આઉટ થયો હતો. 131 રનના સ્કોરે અશ્વિન આઉટ થયા બાદ શમીએ પ્રથમ બોલે જ ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ તેના બીજા જ બોલે આઉટ થતાં ભારતે નવમી વિકેટ ગુમાવી હતી જ્યારે તે પછીના બોલે ફિલાન્ડરે બુમરાહને આઉટ કરતાં ભારતીય ટીમ 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

એક જ દિવસે 18 વિકેટ પડી
ત્રીજા દિવસે વરસાદને કારણે રમત ધોવાઈ ગઈ હતી જ્યારે ચોથા દિવસે મેચ શરૂ થઈ ત્યારે ઝડપી બોલરો માટે પીચ સ્વર્ગ સમાન બની ગઈ હતી. જેને કારણે સાઉથ આફ્રિકાએ 65 રનમાં છેલ્લી આઠ વિકેટ ગુમાવી હતી. 208 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમે પણ સાઉથ આફ્રિકન બોલરો સામે શરણાગતિ સ્વિકારતાં 135 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આમ, એક જ દિવસમાં ઝડપી બોલરોના તરખાટને કારણે 64 ઓવરમાં કુલ 18 વિકેટ પડી હતી. જેમાં ફિલાન્ડરે છ, રબાદા અને મોર્કેલે 2-2 વિકેટ ઝડપી હતી જ્યારે ભારત તરફથી શમી અને બુમરાહે 3-3 અને ભુવનેશ્વરે બે વિકેટ ઝડપી હતી. આ 18 વિકેટ પૈકી 15 વિકેટ પ્રથમ બે સેશનમાં જ પડી ગઈ હતી.