સુરત: વેફર લેવા ગયેલા 2 બાળકો કારમાંથી મૃત મળ્યા, કારણ છે ચોંકાવનારું - Sandesh
  • Home
  • Gujarat
  • સુરત: વેફર લેવા ગયેલા 2 બાળકો કારમાંથી મૃત મળ્યા, કારણ છે ચોંકાવનારું

સુરત: વેફર લેવા ગયેલા 2 બાળકો કારમાંથી મૃત મળ્યા, કારણ છે ચોંકાવનારું

 | 11:19 pm IST

સુરતનાં ડિંડોલી ખાતેની માનસી રેસિડેન્સીમાં કરુણ ઘટના બની હતી. જેમાં રમતાં-રમતાં એસન્ટ કારમાં બેસી ગયા બાદ ગોંધાયેલા 2 માસૂમ બાળકો ગૂંગળાઈ જતાં મોતને ભેટ્યા હતાં. બપોરે સાડા બારેક વાગે બંને બાળકો દુકાને વેફર લેવા ગયા બાદ ગુમ થયા હતાં. દરમિયાન સાંજે બાળકો કારમાંથી બેભાન હાલતમાં મળી આવ્યાં બાદ હોસ્પિટલમાં ખસેડાતા મૃત ઘોષિત કરાયા હતાં. બંને બાળકોના અકાળે મોતને પગલે પરિવાજનો ઘેરા શોકમાં ડૂબી ગયા છે.

હેલીસ મહેશ રૂપાવાલા (ઉં.વ. 5) અને વિરાજ નિખિલ જરીવાલા (ઉં.વ. 4) બપોરે ઘરેથી દુકાને વેફર લેવા ગયા હતાં. બંને બાળકો મોડે સુધી ઘરે પરત નહીં ફરતા ચિંતાતુર પરિવારજનોએ બંનેની શોધખોળ કરી હતી. પરિવારનાં સભ્યોએ દુકાને જઈ પૂછતા બંને બાળકો વેફર અને સેવ લઈને નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. બંને બાળકોનો ક્યાંય પત્તો નહીં લાગતાં આખરે પરિવારનાં સભ્યો ડિંડોલી પોલીસ મથકે દોડી ગયા હતા, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, બંને બાળકો રમતાં-રમતાં માનસી રેસિડેન્સીથી 15-20 ફૂટ દૂર પાર્ક કરાયેલી એસન્ટ કારમાં બેસી ગયા હતા, ત્યારબાદ કોઈક રીતે કાર લોક થઈ જતાં બંને જણા બહાર નીકળી શક્યાં નહોતાં. દરમિયાન સાંજનાં સમયે આ કાર પાસે રમતા કેટલાક બાળકોની હેલીસ અને વિરાજ પર નજર પડી હતી. તેમણે સ્થાનિક વિસ્તારનાં લોકોને જાણ કરી હતી. કારની પાછળની સીટ પર પડેલા બાળકોની હાલત જોઈ ગભરાયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે સાંજે સાતેક વાગે કારનાં કાચ તોડી બંને બાળકોને ડિંડોલી બ્રિજ પાસેની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબોએ બંનેને મૃત ઘોષિત કરતા પરિવારનાં કાળજા પર ઘા ઝીંકાયો હતો.

મળતી માહિતી મુજબ હેલીસનાં પિતા મહેશ રૂપાવાલા જમીન-મકાન દલાલીનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. નર્સરીમાં અભ્સાય કરતો હેલીસ તેમનો એકનો એક પુત્ર હતો. જ્યારે વિરાજ પણ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરતા નિખિલ જરીવાલાનું એકમાત્ર સંતાન હતું. વિરાજ ગોડાદરા વિસ્તારમાં આવેલી સનરાઈઝ સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરતો હતો.

કારમાં ગૂંગળાઈ જતા હેલીસ અને વિરાજનાં મોતની ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે. ભૂતકાળમાં પણ સચિન પોલીસ મથકની હદમાં આ પ્રકારની ઘટના ઘટી હતી. કાર લોક થઈ જતા એક બાળક ફસાઈ ગયો હતો. જેની ખબર પડે ત્યાં સુધીમાં કારમાં ગૂંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. દરમિયાન વર્ષો બાદ ફરી આવી ઘટનાનું પુનરાવર્તન થયું છે.

ડિંડોલી પોલીસ મથકના પીઆઈ વી.એમ. મકવાણાએ જણાવ્યું હતું કે, “બંને બાળકો સાંજે કારમાંથી બેભાન હાલતમાં મળી આવ્યાં હતાં. હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. કારમાંથી વેફર અને સેવ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બંને બાળકોનાં ગૂંગળાઈ જવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું છે. બાળકો પર એસિડ ફેંકાઈ હોવાની વાત ખોટી છે.”

મૃતક બંને બાળકો મૂળ સુરતી હોય તેમના મૃત્યુનાં સમાચાર વાયુવેગે કોટ વિસ્તાર સુધી પહોંચી ગયા હતા. બંને બાળકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા બાદ લોકોમાં તરેહ-તરેહની વાતો ફેલાઈ હતી. મોઢા તેટલી વાતો હોય તેમ કોઈ બંને બાળકો પર એસિડ ફેંકાતા હાથ અને છાતીની ચામડી બળી ગઈ હોવાની વાત ચાલી હતી. બંને બાળકોનાં મોઢાં બાંધી હત્યા કરવામાં આવી હોવા જેવી અફવાઓ પણ ફેલાઈ હતી.