2 Executive President May Be In Congress, 1 From South India
  • Home
  • Featured
  • કોંગ્રેસમાં રાહુલ ગાંધી સિવાય હશે 4 કાર્યકારી અધ્યક્ષ? SC-ST ફોર્મ્યુલા પર પણ વિચાર

કોંગ્રેસમાં રાહુલ ગાંધી સિવાય હશે 4 કાર્યકારી અધ્યક્ષ? SC-ST ફોર્મ્યુલા પર પણ વિચાર

 | 8:00 pm IST

લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ અનેક રાજ્યોમાં સામે આવેલા મતભેદ અને પાર્ટી છોડવાની ઘટનાઓ વચ્ચે કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે અફરા તફરી મચી જવા પામી છે. મતદાતાઓનો આભાર વ્યક્ત કરવા રાહુલ ગાંધી વાયનાડના પ્રવાસે છે ત્યારે અહેવાલ સામે આવ્યા છે કે જો રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું ના આપે તો પાર્ટી એક થી વધારે કાર્યકારી અધ્યક્ષ બનાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.

નવા ઉત્તરાઅધિકારીને લઈને કરવામાં આવેલા મહામંથન બાદ પાર્ટીના સભ્યો વચ્ચે એ વાત પર સહમતિ બની છે કે કોંગ્રેસમાં બે કાર્યકારી અધ્યક્ષ હોવા જોઈએ, તેમાંથી એક દક્ષિણ ભારતથી હોઈ શકે છે. તેવી જ રીતે એક પ્રસ્તાવ એ પણ આવ્યો છે કે, કાર્યકારી અધ્યક્ષ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાંથી હોવો જોઈએ.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ દિશામાં કેટલાક નામો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. જેમાં અનુસૂચિત જાતિના બે નેતા સુશીલ કુમાર શિંદે અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે. આ સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું પણ યુવા અધ્યક્ષ તરીકે સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી વ્યવસ્થા બજેટ સત્ર પહેલા જ કરી લેવામાં આવી શકે છે. આ અગાઉ પાર્ટીના ત્રણ કાર્યકારી અધ્યક્ષ માટે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ભારતથી એક એક અને જો ચોથો અધ્યક્ષ પશ્ચિમ ભારતમાંથી પસંદ કરવામાં આવે તો પણ કોઈ નવાઈ નથી.

સૂત્રોનું એવું પણ કહેવું છે કે, ક્ષેત્રીય નેતા, જેમણે પાર્ટી નેતૃત્વની રાયમાં અને કોંગ્રેસના અભિયાનમાં પુરતુ યોગદાન નથી આપ્યું તેની તેને કિંમત પણ ચુકવવી પડી શકે છે. તેમાંથી એક રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતનો પણ સમાવેશ થાય છે. ગહલોતનો પુત્ર વૈભવ જ જોધપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી હારી ગયો હતો. આ હારનું ઠીકરૂ ગહલોતે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર ફોડ્યું હતું. જોકે જાહેરમાં તેઓ એકજુથ હોવાનો દેખાવ કરતા નજરે પડે છે.

મોઈલીએ કરી અપીલ

બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઈલીએ રાહુલ ગાંધીને અપીલ કરી છે કે, તેઓ પદ ના છોડે અને અનેક રાજ્યોમાં ઉભા થયેલા મતભેદોનો ઉકેલ લાવે. તેમણે એમ પણ કહ્યું છે કે, કોઈ જ વિકલ્પ આપ્યા વગર જ તેઓ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડી ના શકે.

આમ કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઉપરાંત એક કે તેથી વધારે પણ કાર્યકારી અધ્યક્ષ જોવા મળી શકે છે. જો આમ થશે તો કોંગ્રેસમાં આ પહેલી ઘટના લેખાશે.

જુઓ આ વીડિયો પણ

ભારતમાં લગભગ 16 લાખ લોકો માટે તેમનો ખોરાક જ તેમના મોતનું કારણ બને છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન