દેશભરમાં ૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી મફત અનાજ અપાશે : મોદી - Sandesh
  • Home
  • India
  • દેશભરમાં ૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી મફત અનાજ અપાશે : મોદી

દેશભરમાં ૮૦ કરોડ ગરીબોને નવેમ્બર સુધી મફત અનાજ અપાશે : મોદી

 | 1:06 am IST

। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૧૬ મિનિટના દેશજોગ સંબોધનમાં મફત અનાજ આપવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના વિસ્તારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દેશભરમાં ૮૦ કરોડ લોકોેને નવેમ્બર ૨૦૨૦ના અંત સુધી એટલે કે પાંચ મહિના વધુ મફત અનાજ આપવામાં આવશે. અગાઉ સરકારે ૩ મહિના સુધી મફત અનાજ આપવા સાથે યોજનાનો પ્રારંભ કર્યો હતો. યોજનાના વિસ્તરણના કારણે કેન્દ્ર સરકાર પર રૂપિયા ૯૦,૦૦૦ કરોડનો બોજો પડશે. લોકડાઉનની શરૂઆતથી કેન્દ્રસરકાર દ્વારા લેવાયેલાં પગલાંની માહિતી આપતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન સરકારની પ્રાથમિકતા રહી હતી કે એવી સ્થિતિ  ન આવે કે કોઇ ગરીબના ઘરમાં ચૂલો ન સળગે. કેન્દ્ર, રાજ્ય  સરકારો અને સિવિલ સોસાયટીના તમામ લોકોએ પ્રયાસ કર્યો  કે આટલા મોટા દેશમાં આપણા કોઇ ગરીબ ભાઇ-બહેન ભૂખ્યાં ન  સૂઇ જાય. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રૂપિયા ૧.૭૫ લાખ કરોડનું પેકેજ જાહેર કરાયું હતું. છેલ્લા ૩ મહિનામાં ૨૦ કરોડ ગરીબ પરિવારોના બેન્ક ખાતામાં રૂપિયા ૩૧,૦૦૦ કરોડ જમા કરાવાયાં છે. ૯ કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં રૂપિયા ૧૮,૦૦૦ કરોડ જમા કરાવાયાં છે. મફત અનાજ યોજનામાં સરકાર રૂપિયા ૧.૫ લાખ કરોડનો ખર્ચ કરશે. કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતમાં રોજગાર ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા ૫૦,૦૦૦ કરોડનો ખર્ચ કરી રહી છે. વડા પ્રધાને ગરીબોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવા માટે સરકારને સક્ષમ બનાવવા માટે મહેનતુ ખેડૂતો અને પ્રામાણિક કરદાતાઓનો આભાર માન્યો હતો.

વડા પ્રધાને જણાવ્યું હતું કે, મફત રેશન આપવાની યોજનામાં સમાવાયેલા લોકોની સંખ્યા ઘણા મોટા દેશોની વસતી કરતાં પણ વધુ છે. આગામી તહેવારોની સિઝનના કારણે પરિવારોના ખર્ચમાં વધારો થશે તેના કારણે આ યોજનાને પાંચ મહિના માટે લંબાવી દેવાઈ છે. આ યોજના દિવાળી અને છઠ્ઠ પૂજા સુધી અમલમાં રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સરકાર વન નેશન વન રેશન કાર્ડ યોજના પર કામ કરી રહી છે જેનો લાભ માઈગ્રન્ટ વર્કર્સને થશે. દેશ વન નેશન વન રેશનકાર્ડના યુગ તરફ આગળ વધી રહ્યો છે અને તેના કારણે બીજા રાજ્યોમાં રોજગાર માટે જતા ગરીબ શ્રમિકોને મોટો લાભ થશે. તેઓ દેશમાં ગમે ત્યાં પોતાના રેશનકાર્ડની મદદથી અનાજ મેળવી શક્શે.

વડા પ્રધાન પણ કાયદાથી ઉપર નથી, નિયમો પાળો નહીંતર કોરોના ભયજનક બનશે

વડા પ્રધાને કોરોના મહામારીને અટકાવવા લાગુ કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરી રહેલા લોકોને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે,વડા પ્રધાન હોય કે સરપંચ. કોઇ કાયદાથી ઉપર નથી. જ્યારથી અનલોક ૧.૦નો પ્રારંભ થયો છે ત્યારથી સામાજિક અને વ્યક્તિગત વર્તનમાં નિયમો પ્રત્યેનો તિરસ્કાર જોવા મળી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ ભયજનક સાબિત થઇ શકે છે. સરકારે હાથ ધોવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને હાથ નહીં મિલાવવા જેવી સલાહો આપી છે પરંતુ તેનું ચુસ્તતાથી પાલન થઇ રહ્યું નથી. આ ઘણી ગંભીર બાબત છે. આપણે શિસ્તનું પાલન કરવાનું છે. જે લોકો નિયમોનું પાલન કરતાં નથી તેમને અટકાવવાની જરૂર છે. બુધવારે આપણે અનલોક ૨.૦માં પ્રવેશ કરી રહ્યાં છીએ. તેની સાથે આપણે તાવ, શરદી અને ખાંસીની સિઝનમાં પણ પ્રવેશી રહ્યાં છે. હું તમને બેદરકાર નહીં રહેવાની અપીલ કરું છું.

બલ્ગેરિયાના વડા પ્રધાનને માસ્ક નહીં પહેરવા માટે રૂ. ૧૩,૦૦૦નો દંડ કરાયો : મોદી

વડા પ્રધાન મોદીએ કાયદાના પાલન અને શિસ્તની સલાહ આપતાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ જાહેર સ્થળ પર માસ્ક નહીં પહેરનાર બલ્ગેરિયાના વડા પ્રધાન બોયકો બોરિસોવને રૂપિયા ૧૩,૦૦૦નો દંડ કરાયો હતો. ગાઇડલાઇનનો કડક અમલ થવો જોઇએ.

કોરોના રસીકરણ માટે પીએમ મોદીએ આપ્યા ૪ સિદ્ધાંત

૧. કોરોના વોરિયર્સને રસીકરણમાં પ્રાથમિકતા

૨. દેશમાં દરેક વ્યક્તિને કોરોનાની રસી અપાય

૩. રસી સસ્તી અને દરેકને ઉપલબ્ધ બનવી જોઇએ

૪. રસીના ઉત્પાદનને મોનિટર કરવું જોઇએ.

વડા પ્રધાનની મફત અનાજ યોજના એટ એ ગ્લાન્સ : પ્રતિ વ્યક્તિ માસિક પાંચ કિલો મફત ઘઉં અથવા ચોખા અને પરિવાર દીઠ એક કિલો દાળ અથવા કઠોળ

  • ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયાના કુલ ખર્ચે ગરીબોને મફત અનાજ અપાશે
  • ૯૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો સરકારના માથા પર
  • ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ ગ્રામીણ ભારતમાં રોજગારી માટે થઇ રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન