૨૦૧૭-૧૮ માટે PFનો વ્યાજદર ૮.૬૫ ટકા પર યથાવત્ રહેવાની સંભાવના - Sandesh
  • Home
  • Ahmedabad
  • ૨૦૧૭-૧૮ માટે PFનો વ્યાજદર ૮.૬૫ ટકા પર યથાવત્ રહેવાની સંભાવના

૨૦૧૭-૧૮ માટે PFનો વ્યાજદર ૮.૬૫ ટકા પર યથાવત્ રહેવાની સંભાવના

 | 4:55 am IST

નવી દિલ્હી :

૨૧મી ફેબ્રુઆરીના રોજ મળનારી ઇપીએફઓના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પ્રોવિડન્ટ ફંડધારકોને કોઇ લાભ થાય તેવી સંભાવના નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇપીએફઓ વર્ષ ૨૦૧૭-૧૮ માટે પાંચ કરોડ પ્રોવિડન્ટ ફંડધારકોને તેમના ફંડ પર અપાતા વ્યાજનો દર ૮.૬૫ ટકા પર યથાવત્ રાખશે. વર્તમાન નાણાકીય વર્ષ માટે ઇપીએફઓનો વ્યાજદર ૮.૬૫ ટકા જાળવી રાખવા માટે ફેબ્રુઆરીના પ્રારંભે જ ઇપીએફઓએ રૂપિયા ૨,૮૮૬ કરોડના ઇટીએફ ફંડનું વેચાણ કર્યું હતું.

ઇપીએફઓએ વર્ષ ૨૦૧૬-૧૭ માટે પણ પીએફ પરનો વ્યાજદર ૮.૬૫ ટકા જાહેર કર્યો હતો. વર્ષ ૨૦૧૫-૧૬માં પીએફ પર ૮.૮ ટકા વ્યાજ અપાયું હતું. ઇપીએફઓને તેના રૂપિયા ૧,૦૫૪ કરોડના ભંડોળ પર ૧૬ ટકા વ્યાજની આવક થઇ છે તેથી ચાલુ નાણાકીય વર્ષ માટે પીએફ પર ૮.૬૫ ટકા વ્યાજ ચૂકવવામાં ઇપીએફઓને કોઇ તકલીફ નહીં પડે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ માટે એજન્ડાની સાથે આવકની ધારણાઓ હજુ ટ્રસ્ટીઓને અપાઇ નથી. ૨૨મી ફેબ્રુઆરીના રોજ મળનારી બોર્ડની બેઠકમાં રજૂ કરાય તેવી સંભાવના છે. ઇપીએફઓ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે આવકની ધારણાઓનું વર્ગીકરણ કરાયા પછી ઇટીએફના વેચાણનો નિર્ણય લેવાયો હતો.

ઓગસ્ટ ૨૦૧૫થી ઇપીએફઓ ઇટીએફમાં નાણાં રોકી રહ્યું છે. હજુ ઇટીએફમાં કરાયેલા રોકાણનું વેચાણ કરાયું નહોતું. અત્યાર સુધીમાં ઇપીએફઓએ ઇટીએફમાં રૂપિયા ૪૪,૦૦૦ કરોડનું રોકાણ કર્યું છે. આગામી બોર્ડ ઓફ ટ્રસ્ટિઝની બેઠકમાં પીએફ ધારકોને ચાલુ નાણાકીય વર્ષ માટે તેમના પીએફ પર ચૂકવાનારા વ્યાજદરના પ્રસ્તાવ સહિતના મુદ્દા પર ચર્ચા કરાશે.

;