૨૦૧૮ - ફિફા વર્લ્ડ કપ પ્લે ઓફ : ક્રોએશિયા અને સ્વિટ્ઝરલેન્ડ ક્વોલિફાઇ - Sandesh
  • Home
  • Sports
  • Football
  • ૨૦૧૮ – ફિફા વર્લ્ડ કપ પ્લે ઓફ : ક્રોએશિયા અને સ્વિટ્ઝરલેન્ડ ક્વોલિફાઇ

૨૦૧૮ – ફિફા વર્લ્ડ કપ પ્લે ઓફ : ક્રોએશિયા અને સ્વિટ્ઝરલેન્ડ ક્વોલિફાઇ

 | 3:53 am IST

એથેન્સ, તા.૧૩

૨૦૧૮માં રશિયામાં યોજાનારા ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના પ્લે ઓફના સેકન્ડ લેગમાં ક્રોએશિયાએ ૨૦૦૪ની યૂરો ચેમ્પિયન ગ્રીસ સામેનો મુકાબલો ૦-૦થી ડ્રો કર્યો હતો. આ ડ્રો સાથે જ ક્રોએશિયાએ વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ પહેલાં ક્રોએશિયામાં રમાયેલા પ્રથમ લેગમાં ગ્રીસનો ૪-૧થી પરાજય થયો હતો. જેને કારણે ક્રોએશિયા માટે વર્લ્ડ કપમાં સ્થાન મેળવવં સરળ થઇ ગયું હતું.

આ મેચમાં ગ્રીસની ટીમે સારી શરૂઆત કરી હતી પરંતુ આમ છતાં તેઓ ક્રોએશિયાના ડિફેન્સને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. ક્રોએશિયાની અને ગ્રીસની ટીમ ૪-૨-૩-૧ના ફોર્મેશન સાથે મેદાનમાં ઊતરી હતી. જોકે, ક્રોએશિયાની સ્ટાર ટીમ સામે ગ્રીસની ટીમ નિષ્ફળ રહી હતી. પ્રથમ લેગમાં શાનદાર પ્રદર્શન અને મજબૂત લીડ મેળવ્યા છતા ક્રોએશિયાની ટીમે આ મેચ માટે પોતાની સૌથી મજબૂત ટીમ ઉતારી હતી. ક્રોએશિયાની ટીમના મિડફિલ્ડમાં ઇવાન રેકિટિચ (બાર્સેલોના), માર્સેલો બ્રોઝોવિક (ઇન્ટર) અને લ્યુકા મોડ્રિચે (રિયલ મેડ્રિડ) તથા વિંગ પર મારિયો મેન્ઝુકિચ (જુવેન્ટસ) અને ઇવાન પેરિસિક (ઇન્ટર) જોવા મળ્યા હતા. આ ઉપરાંત એટેકમાં મિલાનનો નિકોલા કાલિનિકનો સમાવેશ કર્યો હતો. બીજી બાજુ ગ્રીસના મેનેજર માઇકલ સ્કિબે ગત મેચની સરખામણીએ કુલ છ બદલાવ કર્યા હતા. ગ્રીસની ટીમે સમગ્ર મેચમાં ક્રોશિયા કરતા વધુ સમય માટે બોલ જાળવી રાખ્યો હતો પરંતુ તેઓ ક્યારેય ક્રોએશિયા માટે મુસીબત ઊભી કરી શક્યા નહોતા. ૧૧મી મિનિટે ગ્રીસના ખેલાડીઓએ પેનલ્ટીની અપીલ કરી હતી પરંતુ મેચ રેફરી બોર્ન કિપર્સે તેની અવગણના કરી રમતને જાળવી રાખી હતી. ક્રોએશિયાના ડિફેન્સે ગ્રીસને ગોલ કરવાની કોઇ પણ તક આપી નહોતી. ગ્રીસના મેનેજરે ટીમમાં એટેકિંગ સબસ્ટિટયૂટનો ઉપયોગ કર્યો હોવા છતાં તેમની ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી અને મેચ ડ્રો થતાં ક્રોએશિયાની ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ થનારી ૨૮મી ટીમ બની હતી.

સ્વિટ્ઝરલેન્ડે નોર્ધર્ન આયરલેન્ડનું સ્વપ્ન તોડયું

બેસલ : અન્ય એક મુકાબલામાં સ્વિટ્ઝરલેન્ડે ઘરઆંગણે નોર્ધર્ન આયરલેન્ડ સામે મુકાબલો ૦-૦થી ડ્રો કરી વર્લ્ડ કપમાં પોતાની સીટ બુક કરી હતી. આ સાથે જ સ્વિટ્ઝરલેન્ડમાં ઊજવણીનો માહોલ સર્જાઇ ગયો હતો. ફૂટબોલ પ્રશંસકોએ શાનદાર રીતે ઊજવણી કરી હતી. આ પહેલા પ્રથમ લેગમાં સ્વિટ્ઝરલેન્ડે રોડ્રિગ્ઝના પેનલ્ટી ગોલની મદદથી ૧-૦થી લીડ મેળવી હતી જે નોર્ધર્ન આયરલેન્ડ માટે ઘાતક સાબિત થઇ હતી. એ પેનલ્ટીની ફૂટબોલ પંડિતો અને નોર્ધર્ન આયરલેન્ડના મેનેજર સહિત ધણી વ્યક્તિઓએ ટીકા કરી હતી. આ મેચ માટે નોર્ધર્ન આયરલેન્ડના મેનેજર માઇકલ ઓ’નીલે સ્વિટ્ઝરલેન્ડના ૪-૨-૩-૧ ફોર્મેશનની સરખામણીએ ૪-૫-૧ના ફોર્મેશનમાં ટીમ ઉતારી હતી. આ મેચમાં નોર્ધન આયરલેન્ડે ૧૨ અને સ્વિટ્ઝરલેન્ડે કુલ ૧૮ શોટ્સ ફટકાર્યા હોવા છતા બંને ટીમો ગોલ નોંધાવવામાં નિષ્ફળ રહી હતી.