૨૦૧૯ ચૂંટણીઓ પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે તૈયાર રહો - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • ૨૦૧૯ ચૂંટણીઓ પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે તૈયાર રહો

૨૦૧૯ ચૂંટણીઓ પૂરી થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા માટે તૈયાર રહો

 | 1:21 am IST

સાંપ્રત । રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ

ભારતની પ્રજા એક સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી રહીને તે હદે મેન્ટલી ડિપ્રેસ્ડ છે કે તેને ખ્યાલ જ નથી આવતો કે તે કઇ સમસ્યાનો સામનો કેવી રીતે કરે? હા તેમની પાસે આજે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે પરંતુ આ પ્લેટફોર્મનો નકારાત્મક ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોઇ મુખ્ય સમસ્યાઓને ખાસ ફોક્સ નથી કરાતી. ખેર અહીં વાત હાલ આપણે વધતી મોંઘવારી અને તેમાં પણ ખાસ તો પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગે ચર્ચા કરવા માંગીએ છીએ. કેમ કે હાલના બદલાતા આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં સતત બદલાવ આવી રહ્યો છે. ખુદ સાઉદી અરબ પણ હવે વેપાર ઉદ્યોગ તરફ ધ્યાન આપવા માગે છે તો વળી ઇરાનના પરમાણું કાર્યક્રમને લઇને અમેરિકા અને ઇરાન વચ્ચે પણ હુંસા-તુંસી ચાલી રહી છે. તો અન્ય પેટ્રોલિયમ પેદાશો નિકાસ કરતા દેશોમાં પણ ક્યાંકને ક્યાંક બબાલો ચાલી રહી છે ત્યારે એક વાત નક્કી છે કે, વિશ્વમાં જે પ્રકારે તનાવ વધી રહ્યો છે તે હાલ કદાચ ધ્યાનમાં આવે કે ના આવે પરંતુ અગર આ જ સ્થિતિ લાંબી ચાલી તો પેટ્રોલ ડીઝલના ભાવો આસમાને પહોંચશે.

અને લાંબા સમયથી તેજીથી વધી રહેલ પેટ્રોલ-ડીઝલના ભાવોએ સામાન્ય જનતા પર કમરતોડ પ્રભાવ પડયો છે. તેની કિમતો વધતા બીજી જરૂરી ચીજોના ભાવો પણ ઓટોમેટિક વધવા લાગે છે. જો કે, ભારતમાં હાલ પેટ્રોલ-ડીઝલના જે ભાવો છે તે રિટેલ માર્કેટના દ. એશિયાના સૌથી વધુ ભાવો છે અને તેનું મૂળ કારણ તે છે કે, ભારત સરકાર તેની પર એક્સાઇઝ ડયૂટી લગાવીને કર એકઠો કરવામાં લાગેલ છે. તેથી જ પેટ્રોલ ડીઝલનો સમાવેશ જીએસટીમાં પણ તૈયાર નથી.

તેમજ આ અંગે તમે વધુ નહીં તો ફક્ત પાછલા ચાર વર્ષ પર નજર નાખશો તો ખ્યાલ આવશે કે સરકારની નિયત પેટ્રોલ-ડીઝલને લઇને કેટલી લોલુપ છે. ૧. એપ્રિલ ૨૦૧૪માં પેટ્રોલ પર એક્સાઇઝ ડયૂટી ૯.૪૮% થી વધારી એપ્રિલ ૨૦૧૮ સુધીમાં ૧૯.૪૮ % રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. અર્થાત ૧૦૫ %નો અધધ વધારો કહેવાય. તેમજ પેટ્રોલની કિંમતોમાંથી ૪૭.૪ % હિસ્સો રેવન્યૂમાં જાય છે. એટલે કે આ પ્રકારે ડીઝલની એક્સાઇઝ ડયૂટી પહેલી એપ્રિલ ૨૦૧૪માં ૩.૫૬ % પ્રતિ લિટર હતી જે ચાર વર્ષોમાં ૧૫.૩૩ % જેટલી આ ચાર વર્ષમાં વધીને થઇ. મતલબ કુલ મિલાવીને આ વૃદ્ધિ ૩૩૮% જેટલી છે અને ડીઝલના રિટેલ ભાવના જ ૩૮.૯% હિસ્સો ફક્ત ટેક્સ પેટે જ જાય છે ત્યારે લોકોને પેટ્રોલ-ડીઝલ મોંઘું તો પડે જ ને? ત્યારે વિચારો ખુદ રાજા જ પ્રજાને આ પ્રકારે લૂંટવામાં રસ લેતી હોય તો પછી લોકો બિચારા કરે તો પણ શું કરે?

જો કે, જ્યારે દેશમાં ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પાર્ટીઓ મતો બટોરવા તેવા ઠાલા વાયદા કરતા હોય છે કે તેઓ સત્તામાં આવશે એટલે મોંઘવારીમાં રાહત આપશે. ભાજપની કેન્દ્ર સરકારે પણ આવો વાયદો કર્યો હતો કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિંમતો ઘટશે તો તેલ પરની ડયૂટી ઘટાડશે. પરંતુ તેલની કિંમતમાં ઘટાડો નોંધાયા બાદ પણ તેલ કંપનીઓ તેમની કિંમતોમાં કોઇ ઘટાડો કરતી નથી અને હવે તો આંતરરાષ્ટ્રીય સ્તરે કિંમતો વધી રહી છે ત્યારે તેમાં રાહત આપે તેવા કોઇ એંધાણ નથી. અને સરકારે પણ એક્સાઇઝ ડયૂટી ઓછી કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે.

જો કે, હાલ તેલ કંપનીઓએ કોઇ ભાવ વધારો નથી કર્યો પરંતુ પ્રજા પણ કઇ તેટલી ભોટ નથી કે, ના સમજે કે ભાઇ અત્યારે કેટલાય રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે તો ૨૦૧૯માં પણ લોકસભાની ચૂંટણી છે તેવામાં લોકોને નારાજ કરવું પોષાય નહીં અને તેથી જ હાલ તેમાં ભાવ વધારો ટાળ્યો છે પરંતુ વધારો નહીં થાય તેવું નથી જ, કેમ અત્યાર સુધીની નીતિઓ અને જે પ્રકારે ભાવ વધારો કરાયો છે તે જોતા કહી શકાય છે. અને લોકો પણ જાણે જ છે કે, એક વાર ચૂંટણી ખતમ થઇ જવા દો પછી તેલ જુઓ તેલની ધાર જુઓ. આ ભાવ વધારો ૮૦ રૂપિયાની આસપાસ થવાની શક્યતા નકારી શકાય નહીં.

ત્યારે સવાલ તે પણ છે કે, અગર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવો નિયંત્રણની બહાર કરી દીધા છે તો પછી આંતરરાષ્ટ્રીય મૂલ્યોના હિસાબથી તેની વધ-ઘટ કેમ નથી થતી ? અને માની લો કે અત્યારે ભાવ નથી વધારાયા પરંતુ ચૂંટણી પછી જ્યારે એકદમ આ ભાવ વધારશે ત્યારે લોકો પર વધારાનો બોજો પડશે અને તેનાથી અન્ય ચીજો પણ વધુ મોંઘી થશે. ત્યારે જે તે સરકારો હંમેશા મતોના રાજકારણને ધ્યાનમાં રાખીને જ આવા ફેસલા લેતી હોય છે અને તેથી જ્યારે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ વધી રહ્યા છે ત્યારે સરકાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાવ નથી વધારી રહી. ૧૯૯૮માં પણ સરકારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાવ વધાર્યો ન હતો.

પરંતુ ચૂંટણી બાદ તુરંત જ તેમાં સીધો ૪૦ %નો વધારો કરાયો હતો જેને લીધે લોકો તોબા પોકારી ગયા હતા. જો કે આ ભાવ વધારા મુદ્દે સરકારની તેવી દલીલ છે કે, એક્સાઇઝ ડયૂટીમાં અગર એક રૂપિયાનો પણ ભાવ ઘટાડશે તો તેને સીધું ૧૩ કરોડનું નુકસાન થશે. સરકારોને ગ્રાહકોના હિત અને રાજકોષીય જરૂરત વચ્ચે સંતુલન પર પણ ધ્યાન આપવું પડે છે. કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવા માટે દોષનો ટોપલો રાજ્ય સરકારના માથે નાખી રહી છે અને જણાવી રહી છે કે, રાજ્ય સરકારો વેટ ઘટાડે. પરંતુ કોઇ પણ રાજ્ય સરકારો તેમનો વેટ ઘટાડવા નથી માગતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેને પેટ્રોલ-ડીઝલ સૌથી વધુ કમાણી કરી આપે છે.

ત્યારે આખરે એટલું જ કહી શકાય તેમ છે કે, ચૂંટણીઓ પૂરી થાય કે તુરંત વધારા ભાવ વધારા માટે સાબદા રહો. કેમ કે પેટ્રોલ-ડીઝલમાં વધારો થયા બાદ દરેક ચીજવસ્તુઓના ભાવ મંથર ગતિએ વધવાના જ છે…

;