દેર હે અંધેર નહીં : મૃત ગ્રાહક સાથે અદાલતે ૨૧ વર્ષે ન્યાય તોળ્યો - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દેર હે અંધેર નહીં : મૃત ગ્રાહક સાથે અદાલતે ૨૧ વર્ષે ન્યાય તોળ્યો

દેર હે અંધેર નહીં : મૃત ગ્રાહક સાથે અદાલતે ૨૧ વર્ષે ન્યાય તોળ્યો

 | 11:57 pm IST

કેસ નોંધાયાના ૨૧ વર્ષ બાદ મુંબઇની એક અદાલતે તાજેતરમાં બેન્કને તેના ગ્રાહકે બનાવટી સહીના કેસમાં ગુમાવેલી રકમ છ ટકા વ્યાજ સાથે ભરપાઇ કરી આપવાનો આદેશ આપ્યો હતો. જો કે, જે માણસે છેતરપિંડીમાં આ નાણાં ગુમાવ્યાં હતાં તે કેસ અદાલતમાં ચાલુ હતો તે દરમ્યાન અવસાન પામ્યો હતો.

ભૃગુ જોગરધન ઉર્ફે ભૃગુનાથ મિસ્ત્રી વરલીનો રહીશ હતો જેણે બનાવટી સહી કરી નાણાં ઉચાપત કરવાના કિસ્સામાં ૮૩,૦૦૦ રૃપિયા ગુમાવ્યા હતા.૧૨ ફેબ્રુઆરી ૧૯૯૭ના રોજ ઉત્તર પ્રદેશથી મુંબઇ પરત આવ્યા બાદ તેને જણાયું હતું કે તેના ખાતામાં માત્ર ૮,૧૭૬.૮૫ રૃપિયા જ બચ્યા હતા.

બેન્કના ખાતાની તપાસ કરતાં મિસ્ત્રીને જણાયું હતું કે નવેમ્બર ૧૯૯૬ અને ફેબ્રુઆરી ૧૯૯૭ દરમિયાન વિવિધ નામના છ અલગ અલગ ચેક વડે આ રકમ કાઢી લેવામાં આવી હતી. તેની પાસબુક, ચેકબુક અને થોડી રોકડ રકમ પણ તેના ઘરના કબાટમાંથી ગુમ થયેલી જણાઇ હતી. મિસ્ત્રીએ આક્ષેપ કર્યો હતો કે તે જ્યારે ઉત્તર પ્રદેશ ગયો ત્યારે તેના પાડોશીએ ચેકબુક ઉપાડી જઇ તેની બનાવટી સહી કરી તેના બેન્ક ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા.

મિસ્ત્રીએ દાવો કર્યો હતો કે બેન્કના અધિકારીએ પણ ચેકને ક્લિયર કરતી વખતે બેદરકારી દાખવી હતી. જે ચેક વડે નાણાં ઉપાડવામાં આવ્યા હતા તે ચેક પર કરવામાં આવેલી સહી અને બેન્કમાં નોંધાવવામાં આવેલી સહી અલગ અલગ હતી, છતાં આ ચેક ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. મિસ્ત્રીએ બોમ્બે હાઇકોર્ટમાં દાવો નોંધાવ્યો હતો જેને બાદમાં બોમ્બે સિટી સિવિલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

બેન્કના અધિકારીઓએ તેમના સ્ટાફે ચેક ક્લિયર કરતી વખતે કોઇ બેદરકારી ન દાખવી હોવાનો દાવો કરી દલીલ કરી હતી કે તમામ છ ચેક સેલ્ફની ફેવરમાં હતા અને તે ક્રોસ કરવામાં આવ્યા નહોતા. અધિકારીએ ઉમેર્યું હતું કે દરેક ચેક પર કરવામાં આવેલી સહીને બેન્કમાં રાખવામાં આવેલા મિસ્ત્રીની સહીના નમૂનાના કાર્ડ સાથે ક્રોસચેક કરવામાં આવી હતી.

બેન્કે એવો પણ દાવો કર્યો હતો કે મિસ્ત્રીની બેદરકારીને કારણે તેમની ચેકબુક અને અન્ય દસ્તાવેજો ગુમ થયા હતા. આમ બેન્ક બનાવટી સહી કરી આચરવામાં આવેલી છેતરપિંડીની રકમ ભરપાઇ કરવા માટે બંધાયેલી નથી. જો કે મિસ્ત્રીએ હસ્તાક્ષર નિષ્ણાતની સહાય લઇ પુરવાર કર્યું હતું કે તેના બેન્કમાં રખાયેલાં સહીના નમૂના અને ચેક પર કરવામાં આવેલી સહી અલગ અલગ હતી. હસ્તાક્ષર નિષ્ણાતે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ચેકો પર કરવામાં આવેલી સહીઓ બનાવટી હતી અને ટ્રેસિંગ કોઇ અન્ય વ્યક્તિએ કર્યું હતું.

અદાલતે મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપતાં જણાવ્યું હતું કે બેન્ક સહી મિલાવવા માટે જવાબદાર અધિકારીને રજૂ કરવામાં નિષ્ફળ ગઇ હતી અને મિસ્ત્રીની સહીનો નમૂનો ધરાવતું કાર્ડ રજૂ કરવામાં પણ નિષ્ફળ ગઇ હતી.

અદાલતે મિસ્ત્રીના પાડોશી અને બેન્ક બંનેને ૮૩,૦૦૦ રૃપિયાની રકમ છ ટકા વ્યાજ સાથે સહિયારી ચૂકવવાનો આદેશ આપ્યો હતો. મામલો અદાલતમાં હતો ત્યારે મિસ્ત્રીનું અવસાન થતાં અદાલતે મિસ્ત્રીના પત્ની અને પુત્રીને મિસ્ત્રીના પ્રતિનિધિ તરીકે માન્ય રાખ્યા હતા. અદાલતે આ નાણાં તેમની બંને વચ્ચે વહેંચવાનો પણ આદેશ આપ્યો હતો.