૨૧મી સદીની આર્થિક ક્રાંતિઃ ચીનની ડિજિટલ કરન્સી ડોલરને પછાડશે? - Sandesh
  • Home
  • Business
  • ૨૧મી સદીની આર્થિક ક્રાંતિઃ ચીનની ડિજિટલ કરન્સી ડોલરને પછાડશે?

૨૧મી સદીની આર્થિક ક્રાંતિઃ ચીનની ડિજિટલ કરન્સી ડોલરને પછાડશે?

 | 10:55 pm IST
  • Share

ઇતિહાસ લખાતો હોય ત્યારે આપણે તેને વાંચી શકતા નથી. આપણે ત્યાં જ હોઈએ છીએ અને તે આપણી આંખ સામે જ આકાર લેતો હોય છે, પરંતુ આપણી વર્તમાન પ્રાથમિકતાઓમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે આવતીકાલ સામે હોય તો પણ જોઈ શકતા નથી. કંઇક એવું જ ચીનમાં થયું છે. આખી દુનિયા કોરોનાની મહામારી સામે લડાઈ લડી રહી છે ત્યારે ચીને ૨૧મી સદીની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પોતાનો કાબૂ રાખવા માટે પહેલું નિર્ણાયક કદમ ઉપાડયું છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળનો અંત આવી રહ્યો હતો અને જો બાઈડેન ખુરશી સંભાળી રહ્યા હતા, ત્યારે ચીને તેનાં ચાર મોટાં શહેરો શેન્ઝેન, સુઝોઉ, ચેંગડુ, શીઓંગન અને ૨૦૨૨નો બેજિંગ વિન્ટર ઓલિમ્પિક જ્યાં યોજવાનો છે ત્યાંના અમુક વિસ્તારોમાં ડિજિટલ કરન્સીનો વપરાશ શરૂ કર્યો છે. તેના માટે ચીનની સેન્ટ્રલ બેન્કે ઈ-આરએમબી નામની કરન્સી વિકસાવી છે. ઈ-આરએમબી ચાઇનીઝ ‘રેન્મીન્બી’નું ટૂંકું સ્વરૂપ છે, જેનો અર્થ થાય છે ‘લોકોના પૈસા.’ ઈ-આરએમબી ચાઇનીઝ કરન્સી યુઆનનું જ ડિજિટલ સ્વરૂપ છે.

યોજના પ્રમાણે શરૂઆતમાં અમુક સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ ડિજિટલ કરન્સીમાં વેતન મેળવશે. જાણકાર લોકોના કહેવા પ્રમાણે ૨૧મી સદીમાં અમેરિકન ડોલરને માત આપવા માટે ચીને રોકાણકારો અને બિઝનેસમેનને ડિજિટલ કરન્સીનો વિકલ્પ આપ્યો છે. સ્ટારબક્સ અને મેકડોનાલ્ડ જેવા બિઝનેસોએ આ પ્રયોગમાં સહભાગી થવા હા પાડી છે. ચાઈના ડેઈલી નામના અખબારમાં એક લેખમાં કહેવાયું હતું કે, “રાષ્ટ્રીય ડિજિટલ કરન્સી ડોલર સેટલમેન્ટનો વિકલ્પ પૂરો પાડે છે અને દેશના કે કંપનીના સ્તરે (બીજો દેશ) પ્રતિબંધો અથવા બહિષ્કારની ધમકી આપે તો તેનો સામનો કરી શકાય.”

ચીનમાં ક્રિપ્ટો કરન્સીનો જનક અને બિટકોઈન માટે બિટબેંકની સ્થાપના કરનાર આંત્રપ્રેન્યોર શેન્ડલર ગુઓ કહે છે કે, “એક દિવસ આવશે જ્યારે દુનિયામાં બધા લોકો ડિજિટલ કરન્સી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ (ડીસીઈપી)નો ઉપયોગ કરતા હશે. આ કરન્સી સફ્ળ જશે એવું લાગે છે, કારણ કે દેશબહાર ૪ કરોડ ચાઇનીઝ લોકો રહે છે. તેમને દેશ સાથે સંબંધ હશે એટલે તેઓ આ ડિજિટલ કરન્સી વાપરશે.”

ડિજિટલ ચલણને અધિકૃત રીતે અર્થવ્યવસ્થામાં લાવનારો ચીન પહેલો મોટો દેશ છે. જાણકાર લોકો કહે છે કે ચાઈનીઝ ડિજિટલ કરન્સી ફેસબુકની લિબ્રા કરન્સી જેવી જ હશે. ફેસબુક ઘણા વખતથી તેની ડિજિટલ કરન્સી લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ક્રિપ્ટોકરન્સીથી વિપરીત, ‘લિબ્રા’ કેન્દ્રીય કરન્સી હશે, મતલબ કે ફેસબુકે શરૂ કરેલી કંપની લિબ્રા એસોસિયેશન તેની ‘રિઝર્વ બેંક’ તરીકે કામ કરશે. ‘લિબ્રા’ સરહદ વગરની પહેલી વિશ્વવ્યાપી કરન્સી હશે, કેમ કે ફેસબુક યુઝર્સ પૂરી દુનિયામાં પથરાયેલા છે.

‘લિબ્રા’નું શ્વેતપત્ર કહે છે કે, “ ઈન્ટરનેટ અને મોબાઈલ બ્રોડબેન્ડના ઉદયથી દુનિયાના અબજો લોકોને દુનિયાભરનાં જ્ઞાન, માહિતી, ડેટા કોમ્યુનિકેશન અને વિવિધ પ્રકારની સસ્તી સેવાઓ ઉપલબ્ધ થઇ છે. આ સેવાઓ હવે માત્ર ૪૦ ડોલરના ફેનથી દુનિયાના કોઈપણ ખૂણેથી મેળવી શકાય છે.” ફેસબુકનો સીઈઓ માર્ક ઝકરબર્ગ માને છે કે ઓનલાઈન પૈસાની હેરફેર એટલી આસાન હોવી જોઈએ, જેટલી આસાન ફેટોની હેરફેર છે. લિબ્રાથી ફયદો એ થશે કે ફેસબુક પર નવા યુઝર્સ આવશે અને કંપનીનો જાહેરખબર મારફ્તે પૈસા કમાવાનો ધંધો તગડો થશે.

ક્રિપ્ટોકરન્સી પૈસાનું ભાવિ સ્વરૂપ છે. વિકસિત દેશો કેશલેસ અર્થવ્યવસ્થા તરફ જઈ રહ્યા છે. કેશ વગરની દુનિયા કેવી હોય? એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. કરન્સી એટલે જે કરન્ટ (વર્તમાન) ધારકની પાસે છે તે. તમારા પૈસા ચોરાઇ ગયા હોય કે ખોવાઇ ગયા હોય, એ કોઇકની પાસે તો છે જ. પૈસા હંમેશાં કરન્ટ જ હોય, વર્તમાનમાં જ હોય, પ્રવાહમાં જ હોય, ચલણમાં જ હોય, એટલે જ એને કરન્સી કહેવાય છે.

એ પૈસા જ્યારે બેન્કમાં જમા હોય ત્યારે એની કસ્ટડી બેન્ક પાસે હોય છે. બેન્કના એકાઉન્ટમાં જે બેલેન્સ હોય તે અસલી પૈસા ન કહેવાય, તે પૈસા ઉપરનો દાવો કહેવાય. આ ર્ફ્ક મહત્ત્વનો છે. મતલબ કે મારું એકાઉન્ટ કહે છે કે મારા નામે બેન્કમાં આટલા પૈસા છે. એ દાવો ત્યારે જ માન્ય ગણાય જો એ સિદ્ધ કરી શકાય. કેશલેસ વ્યવસ્થામાં કમ્પ્યૂટર કોડ્સ જ પૈસા ગણાશે. કેશલેસ વ્યવસ્થામાં પૈસા પૈસા ન રહેતા નંબર બની જાય છે, સિગ્નલ્સ બની જાય છે, ઇલેક્ટ્રોનિક કરન્ટ બની જાય છે. એક મશીનથી બીજા મશીન વચ્ચેના એ ‘નાણાકીય વ્યવહાર’માં આપણી એ તમામ માહિતી હશે, જે આપણા સામાજિક કે ફયનાન્શિયલ પ્રોફઇલને બનાવશે.

આ ઇન્ફેર્મેશન તેજ ગતિએ એક શહેરથી બીજા શહેર, એક રાજ્યથી બીજા રાજ્ય અને એક દેશથી બીજા દેશમાં અનેક મશીનો, મોબાઇલ ફેન અને એપ્લિકેશન વચ્ચેથી પસાર થાય છે. કોઇપણ પ્રકારની માહિતી હોય, બે બાબતો અનિવાર્યપણે એનો ‘પીછો’ કરે છે, નિગરાની અને નિયંત્રણ. દરેક સરકારને કાણામાંથી ઝાંખવામાં અને જે દેખાયું તેને સેન્સર કરવામાં વિશેષ ભાવ હોય છે. ડિજિટલ પૈસા પણ આમાંથી બાકાત નથી. પૈસા જ્યારે નામ-ઠામ-કામ-સ્થાનનાં સિગ્નલ બની જાય ત્યારે એની પર નિગરાની રાખવાનું કે એને અધવચ્ચેથી કાપવાનું આસાન થઇ જાય છે.

સરકારો એટલા માટે ઇલેક્ટ્રોનિક ચુકવણીની ફ્રજ પાડી રહી છે, જેથી તમારા વ્યવહારની તમામ વિગતો સરકાર પાસે હોય. ઇરાદો પણ આ જ છે. સરકારને ઇલેક્ટ્રોનિક પૈસાના માધ્યમથી બ્લેક કે ટેરર મની પર દેખરેખ રાખવી છે. ચીન ઘણા સમયથી કેશલેસ અર્થતંત્ર તરફ ગતિ કરી રહ્યું છે. ચીનમાં ઘણા બધા લોકો ઈલેક્ટ્રોનિક વ્યવહારો કરે છે, પરંતુ તેમાં સરકારની દરમિયાનગીરી ન હતી. હવે અધિકૃત ડિજિટલ યુઆન આવવાથી સરકાર લોકોના તમામ વ્યવહારો પર નજર રાખી શકશે.

ચીન સખ્ત નિગરાનીવાળો દેશ છે. તે તેના નાગરિકોની તમામ ગતિવિધિઓ પર નજર રાખે છે. તે તમામ માહિતીઓને સખ્ત રીતે સેન્સર કરે છે. ચીનમાં વ્યક્તિ સ્વાતંત્ર્યને સરકાર નિયંત્રિત કરે છે. જાણકારો કહે છે કે ડિજિટલ યુઆનથી ચીનની નિગરાની વ્યવસ્થા ર મજબૂત થશે. ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી વર્ષોથી માને છે કે દેશને સ્થિર રાખવા અને રાજકીય કાબૂ રાખવા દેશની આર્થિક, નાણાકીય અને સામાજિક વ્યવસ્થાઓ પર પ્રમાણમાં નિયમન કરવું જોઈએ. એવામાં જો દેશબહાર પૈસા જતા હોય તો તેનું પગેરું રાખવું જોઈએ. ડિજિટલ કરન્સી તેનો એક ઉપાય છે.

ઈટાલિયન યાત્રી માર્કો પોલોએ ૧૩મી સદીમાં તેના ચીન પ્રવાસનું વર્ણન કરતી વખતે ચીનમાં કાગળના પૈસા વપરાય છે તેવી વાત લખી હતી, ત્યારે યુરોપના લોકોએ તેને કપોળકલ્પના માની લીધી હતી. ચીનમાં ૯મી સદીના થાંગ સામ્રાજ્યના સમયમાં જ પ્રોમિસરી નોટના સ્વરૂપમાં કાગળની કરન્સી વાપરવાનું શરૂ કરી દીધું હતું. તેનાં અનેક વર્ષો પછી યુરોપમાં કાગળના પૈસાનું ચલણ આવ્યું હતું. એ રીતે જોઈએ તો ચીને દુનિયાની પહેલી સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) શરૂ કરી છે તે કોઈ કપોળકલ્પના નથી, ૨૧મી સદીની સચ્ચાઈ છે.

બ્રેકિંગ વ્યૂઝ : રાજ ગોસ્વામી

[email protected]

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો