વિધિના વિધાન કેવા... માતા-પિતા, 25 જાનૈયાના મોતથી અજાણ વરરાજાની લગ્નવિધિ થઈ - Sandesh
  • Home
  • Bhavnagar
  • વિધિના વિધાન કેવા… માતા-પિતા, 25 જાનૈયાના મોતથી અજાણ વરરાજાની લગ્નવિધિ થઈ

વિધિના વિધાન કેવા… માતા-પિતા, 25 જાનૈયાના મોતથી અજાણ વરરાજાની લગ્નવિધિ થઈ

 | 11:39 am IST

જાન લઈને દીકરાને પરણવા લઈને નીકળેલા પરિવારને રસ્તામા જ અકસ્માત થયો હતો. ટ્રકમા જઈ રહેલા 60 જાનૈયાઓમાંથી 27 જાનૈયાઓના મોત થયા હતા. ભાવનગરથી રાજકોટ હાઈવે પર રંધોળા નજીક બન્યો હતો આ બનાવ. પરંતુ વિધિના લેખ કેવા કે, જે અકસ્માતમાં વરરાજાએ પોતાના માતાપિતા ગુમાવ્યા, તેને જ આ સમગ્ર ઘટનાથી અજાણ રખાયા છે. પોતાની જાનમાં આવેલા જાનૈયાઓ મૃત્યુ પામ્યા છે, તેવું તેનાથી બેખબર છે અને હાલ તેની લગ્નવિધિની રસમ શરૂ કરાઈ છે.

ભારતમાં લોકો એવુ માને છે કે, સારા પ્રસંગમાં કોઈ બાધા આવે તો પણ તે અટકવું ન જોઈએ. સારા પ્રસંગોમાં કોઈનું મોત થાય કે, કંઈ અમંગળ બને તો પણ લોકો પ્રસંગ થવા દે છે અને પ્રસંગમાં દુખદ સમાચારની વાત કરવાનું પણ ટાળે છે. તેથી રંધોળા અકસ્માતમાં પણ લોકોએ આ પ્રથાને માન આપ્યું હતું અને વરરાજાની લગ્નવિધિ શરૂ કરી હતી. જે યુવકના આજે લગ્ન છે, તેના જ માતાપિતા મૃત્યુ પામ્યા છે અને કોઈ અકસ્માત થયો છે તેની જાણ તેને કરાઈ નથી. હાલ બોટાદના ટાટમ ગામે વરરાજા પહોંચી ગયો છે અને લગ્નવિધિ પણ શરૂ કરી દેવાઈ છે. પાલિતાણાના અનિડા ગામથી જાન નીકળી હતી.

શોકમગ્ન માહોલ વચ્ચે લગ્નવિધિ શરૂ કરાઈ છે. જે ટ્રકને અકસ્માત નડ્યો, તે ટ્રકની આગળ જ વરરાજાની ગાડી હતી. જે સમયસર લગ્નસ્થળે પહોંચી ગઈ હતી. તેથી વરરાજા સલામત રીતે પહોંચી ગયો હતો. પરંતુ આ પ્રસંગ સારી રીતે પાર પડે તેવા પ્રયાસો લગ્નસ્થળ પર હાજર તમામ લોકો કરી રહ્યા છે.

ટાટમ ગામે કોળી પરિવારની બે દિકરીઓના લગ્ન થઇ રહ્યા છે. જેમાં એક જામ બોટાદના શિયાનગરથી અને બીજી જાન પાલિતાણાના અનીડા ગામેથી આવી હતી. ટાટમ ગામે બન્ને વરરાજાના કન્યાપક્ષ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. લગ્નનો માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો છે. કન્યા પક્ષ દ્વારા જમવાનું પણ તૈયાર થઇ રહ્યું છે.