હિંમતનગર: 'ન્યુ યર'ની ઉજવણીમાં 27 નબીરાઓ ઝડપાયા, મોટાભાગના અમદાવાદના - Sandesh
  • Home
  • Gujarat
  • હિંમતનગર: ‘ન્યુ યર’ની ઉજવણીમાં 27 નબીરાઓ ઝડપાયા, મોટાભાગના અમદાવાદના

હિંમતનગર: ‘ન્યુ યર’ની ઉજવણીમાં 27 નબીરાઓ ઝડપાયા, મોટાભાગના અમદાવાદના

 | 8:56 pm IST

31મી ડિસેમ્બર અને ‘ન્યુ યર’ની ઉજવણીના બહાને દારૂ પીને છાકટા બનનારાઓ સામે સાબરકાંઠા પોલીસે લાલ આંખ કરતાં માત્ર 24 કલાકમાં પોલીસે જુદા જુદા વિસ્તારોમાંથી 27 થી વધુ શખ્સોને દારૂ પીને લથડીયા ખાતા ઝડપી લીધા છે, આ ઉપરાંત પોલીસે જે તે વિસ્તારમાં દેશી દારૂનો વેપાર કરતાં 10 જેટલા મીની બુટલેગરોને પણ ઝડપી લીધા છે, જેમા 3 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જો કે તેમની પાસે કુલ 630 લિટર જ દારૂ ઝડપાયો છે, તેમજ મોટાભાગના મીની બુટલેગરો પોલીસ જોઈને ભાગી ગયા હોવાની નોંધ પોલીસે ફરીયાદમાં કરી છે.

તારીખ 31 ડિસેમ્બરે સવારથી મોડી રાત સુધી થનારી ‘ન્યુ યર’ ઉજવણીના નામે યોજાતી દારૂની પાર્ટીઓ અને ડાન્સરોની મહેફીલો સામે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા સૌરભસિંઘે લાલ આંખ કરી હોય તેમ ઠેર ઠેર નાકાબંધી, ચેકપોસ્ટ, ઓચિંતી રેડ જેવા આદેશ આપવામાં આવ્યા હતા, તેમજ રાજસ્થાનને અડીને આવેલી સાબરકાંઠા જિલ્લામાં ચાર જેટલી ખાસ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી હતી, જે રાઉન્ડ ધી કલોક રાજસ્થાનમાંથી આવતાં દરેક વાહન અને વાહનમાં સવારી કરી રહેલાં મુસાફરોને ચેક કર્યા હતા.

આ દરમ્યાન હિંમતનગર પોલીસ મથકના હદમાં અમદાવાદના 8, જયારે 3 જેટલા ગાંધીનગરના તેમજ હિંમતનગરના શખ્સો પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા, આ ઉપરાંત અલગ અલગ વિસ્તારની પોલીસ ચેકીંગ દરમ્યાન પણ શખ્સો ઝડપાયા હતા, જેથી પોલીસે પીધેલી હાલતમાં ઝડપાયેલા તમામ સામે પ્રોહીબીશનના ગુના હેઠળ ફરીયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.