દેશની ૨૭૯ ટેક્નિકલ ઇન્સ્ટિટયૂટ અને ૨૩ યુનિવર્સિટી બનાવટી છે

104

નવી દિલ્હી, તા. ૨૦

દેશભરમાં ચાલી રહેલી બનાવટી શિક્ષણસંસ્થાઓ પૈકી દિલ્હીમાં સૌથી વધુ તેવી ૬૬ ટેક્નિકલ કોલેજ આવેલી છે. આ કોલેજ માન્યતા મેળવ્યા વિના જ એન્જિનિયરિંગ કે અન્ય ટેક્નિકલ અભ્યાસક્રમની પદવી આપી રહી છે. દેશભરમાં આવી ૨૭૯ ટેક્નિકલ કોલેજ આવેલી છે.

ટૂંકમાં આવી કોલેજ પાસે ડિગ્રી પ્રમાણપત્ર આપવાનો અધિકાર નથી. તેમના દ્વારા આપવામાં આવતાં પ્રમાણપત્રનું કોઇ મૂલ્ય નથી.  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને જણાવ્યા મુજબ દેશભરમાં આવેલી ૨૩ બનાવટી યુનિવર્સિટી પૈકી સાત રાજધાનીમાં આવેલી છે.  યુજીસી અને અખિલ ભારત કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા ગયા મહિને થયેલી વાર્ષિક સમીક્ષા પછી વેબસાઇટ પર આવી બનાવટી યુનિવર્સિટી અને કોલેજની યાદી મૂકવામાં આવી છે. આગામી મહિનાથી નવું શૈક્ષણિકસત્ર શરૂ થવાનું છે ત્યારે વિદ્યાર્થીઓને હકીકતોથી વાકેફ કરવા આ યાદી વેબસાઇટ પર મૂકી છે.

વિદ્યાર્થીઓ આવી શાળામાં પ્રવેશ ના મેળવે તેવી ચેતવણી આપવા સાથે ટેક્નિકલ શિક્ષણ નિયમનકર્તા એઆઇસીટીઇએ પણ માન્યતા ના મેળવવા બદલ આવી કોલેજને નોટિસ પાઠવી છે.

વિદ્યાર્થીઓને વાકેફ કરીને આવી સંસ્થાઓમાં પ્રવેશ ના લેવાની ચેતવણી આપવા અખબારોમાં જાહેર નોટિસ પણ આપવામાં આવી છે. રાજ્યકક્ષાના માનવસંસાધન વિકાસ પ્રધાન મહેન્દ્રનાથ પાંડેએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે મંત્રાલયે રાજ્યસરકારોને પત્ર લખીને તેમને તપાસ કરીને બનાવટી શિક્ષણસંસ્થા સામે પોલીસફરિયાદ દાખલ કરવા સૂચના આપી છે. વિદ્યાર્થીઓ સારી રોજગોરીની તક માટે ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં પ્રવેશ મેળવતા હોવાથી બનાવટી શિક્ષણસંસ્થાઓનો રાફડો ફાટયો છે. બનાવટી યુનિવર્સિટી અને ટેક્નિકલ કોલેજોની વિગતો યુજીસી તેમજ એઆઇસીટીઇની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

રાજ્ય સરકારો પગલાં લેશે 

અધિકારીએ જણાવ્યું હતું કે યુજીસીએ આવી બનાવટી શિક્ષણસંસ્થાની યાદી રાજ્ય સરકારોને મોકલીને યોગ્ય પગલાં લેવા કહ્યું છે. તેલંગણા, ઉત્તર પ્રદેશ, પિૃમ બંગાળ, મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં આવી ટેક્નિકલ સંસ્થાઓ કાર્યરત છે. વિદ્યાર્થીઓને છેતરી રહેલાં આવાં તત્ત્વો સામે પગલાં લેવા કહેવામાં આવ્યું છે.