૧૦૦ દિવસ : આંતરિક સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક સમરસતાનાં કીર્તિમાન - Sandesh
  • Home
  • Columnist
  • ૧૦૦ દિવસ : આંતરિક સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક સમરસતાનાં કીર્તિમાન

૧૦૦ દિવસ : આંતરિક સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક સમરસતાનાં કીર્તિમાન

 | 2:49 am IST

સક્સેસ સ્ટોરી :  ડો. થાવરચંદ ગેહલોત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સરકારે પોતાના બીજા કાર્યકાળના ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના દૃઢ સંકલ્પ સાથે ૩૦ મે ૨૦૧૯ના રોજ નરેન્દ્ર મોદી મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા હતા. નિઃશંકપણે પ્રથમ ૭૦ દિવસમાં કરેલાં કાર્યો અનેક પ્રકારે અગાઉની સરકારોના ૭૦ વર્ષોનાં કાર્યો કરતાં પણ અસરકારક છે. જે વિશ્વાસ અને આકાંક્ષા સાથે દેશની જનતાએ સરકારને બહુમતી આપી હતી તેના પર મોદી સરકાર સો ટકા યોગ્ય પુરવાર થઈ છે. ૧૭મી લોકસભાનું પ્રથમ સત્ર સંપૂર્ણપણે રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સુરક્ષા, આર્થિક મજબૂતી, સામાજિક ન્યાય, મહિલા સશક્તીકરણ અને ખેડૂત કલ્યાણને સમર્પિત રહ્યું છે. તેના માટે સંસદે ૨૮૧ કલાકનું વિક્રમી કામ કર્યું જેમાં લોકસભામાં ૩૬ બિલ (જે ૧૯૫૨ પછી સૌથી વધુ) અને રાજ્યસભામાં ૩૨ બિલ તેમજ બંને ગૃહમાં ૩૦ બિલ પસાર કરવામાં આવ્યાં છે તે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે.

એક રાષ્ટ્ર, એક બંધારણનું જે સપનું સરદાર વલ્લભભાઈ પટેલ, બાબાસાહેબ ડો. આંબેડકર, ડો. શ્યામા પ્રસાદ મુખરજી, અટલ બિહારી વાજપેયી અને અન્ય કરોડો દેશભક્તોએ જોયું હતું તે સપનું ૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ કલમ ૩૭૦ અને કલમ ૩૫-એને નાબૂદ કરવા સાથે સાકાર થયું છે. વર્ષોથી જમ્મુ અને કાશ્મીર સાથે લેહ-લદ્દાખના નાગરિકોની અધૂરી આકાંક્ષાઓ પૂરી કરવા માટે અને ત્યાંની દલિત, આદિવાસી મહિલાઓ સાથે દેશના અન્ય ક્ષેત્રો/પ્રદેશોમાં રહેતા લોકોને સમાન અધિકાર અપાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું.

મોદી સરકારે સમાજના તમામ વર્ગો માટે સામાજિક ન્યાય અને તેમના સશક્તીકરણ માટે દૃઢ સંકલ્પ લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સંસદ સત્રમાં સરકારે પોતાના શાસનના ૬૦મા દવસે મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર સંરક્ષણ આપવા માટે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકારનું સંરક્ષણ) કાયદો, ૨૦૧૯ અંતર્ગત (ત્રણ તલાક) પ્રથાનો અંત લાવી દીધો છે. સંસદના આ સત્રમાં જ બાળ અધિકાર સંરક્ષણને વધુ મજબૂત બનાવવાના હેતુથી બાળ સંરક્ષણ (પોક્સો) (સુધારા) વિધેયક, ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું. તે અંતર્ગત બાળ શોષણના ગુનાઓ માટે મૃત્યુદંડની જોગવાઈ કરવામાં આવી છે. પોક્સો સંબંધિત કેસોની ત્વરિત સુનાવણી અને નિકાલ માટે દેશભરમાં ૧૦૨૩ ફસ્ટટ્રેક કોર્ટ સ્થાપિત કરવામાં આવી રહી છે.

ટ્રાન્સજેન્ડર લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના હેતુથી લોકસભામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકાર સંરક્ષણ) વિધેયક, ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું. તેમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ વિરુદ્ધ થતા ભેદભાવને રોકવાની સાથે અધિકારોને પરિભાષિત કરવામાં આવ્યા છે. સરકારે અનુસૂચિત જાતિ/જનજાતિ/OBC અને EWSના હિતોનાં સંરક્ષણને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાન (શિક્ષકોની નિયુક્તિમાં અનામત) વિધેયક ૨૦૧૯ને સંસદમાં પસાર કરાવ્યું છે. આવી જ રીતે વેતન સંહિતા, ૨૦૧૯ અધિનિયમથી મહિલાઓની સાથે થતા ભેદભાવને સમાપ્ત કરી શકાશે અને તેમને પુરુષ કર્મચારીઓની સમકક્ષ વેતન મળવાની ખાતરી કરવામાં આવી છે. તેમાં કામદારોને વેતન સુરક્ષા માટે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના લગભગ ૫૦ કરોડ કામદારો લઘુતમ વેતનનું બંધારણીય સંરક્ષણ અને સમય-સમયે વેતન ચુકવણી પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. નાણાકીય છેતરપિંડીઓ પર અંકુશ લાવવા અને તેનાથી ગરીબોને સંરક્ષણ આપવા માટે સરકારે અનિયમિત જમા યોજના પ્રતિબંધ વિધેયક ૨૦૧૯ને મંજૂરી આપી છે.

જનજાતિના લોકોના સશક્તીકરણ અને કલ્યાણને ધ્યાનમાં રાખીને જનજાતીય લોકો દ્વારા કરવામાં આવતા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘ગો ટ્રાઇબલ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારે લઘુમતી વર્ગ કલ્યાણ માટે સરકારે પ્રથમ ૧૦૦ દિવસમાં દેશભરમાં ફ્લાયેલી વકફ મિલકતોનું ૧૦૦% ડિજિટલાઇઝેશન કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. એક અન્ય યોજના અંતર્ગત ૫૦ ટકા છોકરીઓ સહિત ૫ કરોડ લઘુમતી વિદ્યાર્થીઓને ૫ વર્ષમાં વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓ આપવામાં આવશે.

સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયે છેલ્લા ૫ વર્ષમાં અનુસૂચિત જાતિ, પછાત વર્ગ, સામાજિક સંરક્ષણ, દિવ્યાંગ લોકોના ઉત્કર્ષ અને સશક્તીકરણને લગતાં કાર્યો માટે સંખ્યાબંધ કીર્તિમાન સ્થાપિત કયાંર્ છે. આ સરકારના પ્રથમ ૧૦૦ દિવસને ધ્યાનમાં રાખીને મંત્રાલય દ્વારા બે મુખ્ય લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યા હતા જેમાં દેશના પ્રથમ ‘રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય પુનર્વસન સંસ્થાન’ની સ્થાપના કરવા માટેની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે, જે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં સ્થાપિત કરાશે. બીજં મુખ્ય લક્ષ્ય, દારૂ અને નશીલા દ્રવ્યો (ડ્રગ્સ)ના દુરુપયોગના નિવારણ પ્રતિબંધ અને લોકોમાં વધી રહેલા સેવન પર નિયંત્રણ માટે વિશેષ અભિયાન અંતર્ગત દેશભરમાં જાગૃતિ ફ્લાવવા માટે વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વર્તમાન સમયમાં જળ વ્યવસ્થાપન અને પીવાલાયક સ્વચ્છ પાણી સૌથી મોટા પડકારો છે અને આ પડકારો સ્વીકારીને તેનો ઉકેલ લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સરકારની રચનાના પ્રથમ દિવસે જ એક મહત્ત્વપૂર્ણ પગલું લઈને જળશક્તિ મંત્રાલયની રચના કરી છે. ૩૦ દિવસમાં આ જળ સંવર્ધન અને જળ સુરક્ષા માટે એક વિશેષ જળશક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જળશક્તિ અભિયાન આજે એક જન આંદોલન બની ગયું છે. અન્નદાતા ખેડૂ આ સરકારમાં હંમેશાં કેન્દ્ર સ્થાને રહે છે તેમજ ખેડૂતોની આવક બમણી કરવા માટે નક્કર પગલાં લેવામાં આવ્યાં છે. મોદી સરકારે ‘પીએમ-કિસાન’ યોજના અંતર્ગત વધુ ૨ કરોડ ખેડૂતોને સમાવી લીધા છે જેથી કુલ લાભાર્થીઓની સંખ્યા હવે ૧૪.૫ કરોડ થઈ ગઈ છે. અન્નદાતાઓના સુરક્ષિત જીવનનિર્વાહ માટે પીએમ કિસાન માન ધન પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત પ્રથમ ત્રણ વર્ષમાં ૫ કરોડ નાના અને સીમાંત ખેડૂતોને પેન્શનનો લાભ મળશે. ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય ધ્યાનમાં રાખીને ખરીફ પાકો માટે લઘુતમ ટેકાના ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે.

સુશાસન આ સરકારનો મૂળ મંત્ર છે. અગાઉની સરકારો દ્વારા હજારો એવા કાયદા બનાવવામાં આવ્યા હતા જે નાગરિકો, વ્યવસાય અને જીવનનિર્વાહ અથવા રોજબરોજના જીવનમાં અવરોધરૂપ હતા અને લોકોને પરેશાન કરવા માટે તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો. આવા બિનજરૂરી અને જૂના થઈ ગયેલા લગભગ ૧૦૦૦થી વધુ કાયદાને એક વિધેયક પસાર કરીને ૨૦૧૪થી અત્યાર સુધીમાં ખતમ કરવામાં આવ્યા છે. સાથે જ ન્યાયતંત્રને વધુ સશક્ત બનાવવાના હેતુથી સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત ન્યાયાધીશોની સંખ્યા ૩૦થી વધારીને ૩૩ કરવામાં આવી છે. આતંકવાદ સામે કઠોર પગલાં લેવા માટે બિનજરૂરી ગતિવિધિઓ (નિયંત્રણ) સુધારા કાયદો ૨૦૧૯ લાવવામાં આવ્યો છે. દેશમાં લાંબા સમયથી અસરકારક, સુરક્ષિત, ભ્રષ્ટાચાર મુક્ત પરિવહન તંત્રની જરૂર હતી તે માર્ગ મોટર વાહન (સુધારા) કાયદા, ૨૦૧૯ને લાગુ કરીને અમલીકૃત કરવામાં આવી છે.

છેલ્લા ૧૦૦ દિવસમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાની દિશામાં સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આગામી પાંચ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૦૧૯ના અંદાજપત્રમાં રેલવેને દેશના વિકાસનું એન્જિન બનાવવાના ઉદ્દેશ સાથે ૨૦૩૦ સુધીમાં રેલવેમાં ૫૦ લાખ કરોડનું રોકાણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. મુસાફ્રોની સુવિધા અને સમયની બચત માટે લગભગ ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત નવી રેલવે લાઇનો, નવી ટ્રેનોની સુવિધા, નવા રેલવેના ડબાનું નિર્માણ અને ટ્રેનોની ગતિમર્યાદા ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી વધારવાનાં પગલાં પણ સામેલ છે. એવી જ રીતે ઊર્જા ક્ષેત્રે ફસ્ટટ્રેક વિકાસ માટે પ્રધાનમંત્રી કિસાન ઊર્જા અને ઉત્કર્ષ મહાઅભિયાન (પીએમ-કુસુમ) યોજનાના અમલીકરણ માટે ઘણા દિશાનિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત છેલ્લા ૭૫ દિવસમાં ૬૦૯ કરોડ રૂપિયાની ૮૮ પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. ૧૦૦ દિવસનો કાર્યક્રમ વન સિટી, વન ઇમ્પેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે જેનાથી ૨.૭ કરોડ લોકોને લાભ થશે.

નિઃશંકપણે મોદી સરકારે પ્રથમ ૧૦૦ દિવસમાં દેશની આંતરિક સુરક્ષા, આર્થિક વિકાસ, સામાજિક એકતા અને સમરસતા માટે અનેક કાર્યોના કીર્તિમાન સ્થાપિત કર્યા છે. આ કાર્યો મોદી સરકારે કોઈપણ પ્રકારના કીર્તિમાન સ્થાપિત કરવા માટે નહીં પરંતુ, દેશના ૧૩૦ કરોડ નાગરિકો પ્રત્યે પોતાની જવાબદારી સમજીને કર્યા છે, જેને અગાઉની સરકારોએ અવગણ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાના કારણે જ આજે ભારત કાશ્મીરથી કન્યાકુમારી સુધી છે, તમામ નાગરિકો એક સમાન છે અને સૌને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. સાથે જ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દુનિયાભરમાં દેશની છબી અને ઓળખ નવી ઊંચાઈએ પહોંચ્યા છે. ભારતે સૌનો સાથ-સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના પોતાના મંત્રને માત્ર દેશ સુધી જ સીમિત નથી રાખ્યો પરંતુ તેને આખી દુનિયામાં પહોંચાડયો છે.

(સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી, ભારત સરકાર )

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન