૩૧ વર્ષની સિંગલ મોમે પિતાના નામ વિના જ પુત્રીના જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે બોમ્બે હાઇકોર્ટમાં ધા નાંખી - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ૩૧ વર્ષની સિંગલ મોમે પિતાના નામ વિના જ પુત્રીના જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે બોમ્બે હાઇકોર્ટમાં ધા નાંખી

૩૧ વર્ષની સિંગલ મોમે પિતાના નામ વિના જ પુત્રીના જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે બોમ્બે હાઇકોર્ટમાં ધા નાંખી

 | 12:10 am IST

મુંબઇ, તા.૧૪

વીર્ય દાન મારફતે માતા બનેલી ૩૧ વર્ષની એક મહિલાએ પિતાના નામ વિના જ પોતાની પુત્રીના જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે બોમ્બે હાઇકોર્ટમાં દાદ માંગી છે. આ સિંગલ માતાએ જણાવ્યું હતું કે તે તેની પુત્રીના પિતાનું નામ જાહેર કરવા માગતી નથી અને તેને આમ કરવા માટે ફરજ ન પાડી શકાય.

આ સિંગલ મોમના વકીલ ઉદય વારુંજીકરે જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ પ્રદીપ દેશમુખની બનેલી બેન્ચને જણાવ્યું હતું કે આ બાળક ટેસ્ટ ટયૂબ મારફતે જન્મેલું છે. તેના માટે અજાણી વ્યક્તિ પાસેથી વીર્ય મેળવવામાં આવ્યું હતું. હાઇકોર્ટે બીએમસીને આ અરજીનો જવાબ આપવા માટે આદેશ આપ્યો છે.

આ મહિલાએ તેની અરજીમાં જણાવ્યું છે કે તે અપરિણીત છે અને તેણે ટેસ્ટ ટયૂબ ટેક્નિકનો ઉપયોગ કરીને ઓગસ્ટ ૨૦૧૬માં બાળકીને જન્મ આપ્યો છે. તે પોતાના સંતાનની સંભાળ લેવા માટે સક્ષમ છે અને તે ઇચ્છે છે કે રેકોર્ડ પર ક્યાંય તેના પિતાનું નામ ન આવે. આ મહિલાએ બીએમસીના પી નોર્થ (વોર્ડ ઓફિસ)ને નોટિસ મોકલી હતી જેને ડિસેમ્બરમાં મળી હોવાનું બીએમસીએ સ્વીકાર્યું હતું પરંતુ તે પછી બીએમસી તરફથી કોઇ પ્રતિસાદ ન મળતાં તેણે હાઇકોર્ટમાં અરજી કરી છે.

આ મહિલાએ બીએમસીને પિતાના નામ વિના જન્મનું પ્રમાણપત્ર જારી કરવા માટે અને જન્મનો રેકોર્ડ કોઇને બતાવવા, આપવા કે કોઇને તપાસવા દેવામાં ન આવે તેવો આદેશ આપવામાં આવે તેમ તેની અરજીમાં જણાવ્યું છે.

ન્યાયાધીશે બીએમસીને માર્ચમાં થનારી આગામી સુનાવણીમાં જન્મનું રજિસ્ટર રજૂ કરવા માટે જણાવ્યું છે. બીએમસીએ અગાઉની નોટિસનો જવાબ આપ્યો ન હોવાથી આ મામલે વધારે સમય આપવાની જરૂર નથી તેમ અદાલતે સ્પષ્ટ કર્યું હતું.

જન્મના પ્રમાણપત્રના વિવાદના કેન્દ્રમાં છે સર્વોચ્ચ અદાલતનો ૨૦૧૫નો ચુકાદો

આ બંને મહિલા અરજદારોએ તેમની અરજીમાં સર્વોચ્ચ અદાલતે ૨૦૧૫માં આપેલો ચુકાદો ટાંક્યો છે. સર્વોચ્ચ અદાલતે ૬ જુલાઇ ૨૦૧૫ના રોજ આપેલા એક ચુકાદામાં જણાવ્યું હતું કે સિંગલ પેરેન્ટ કે અપરિણીત મહિલા સંતાનના જન્મના પ્રમાણપત્ર માટે અરજી કરે તો સત્તાવાળાઓએ તેની પાસેથી આ મતલબનું સોગંદનામું મેળવી તેને આ પ્રમાણપત્ર આપવું પડે.

હાઇકોર્ટે સંતાનના રેકોર્ડમાંથી નામ રદ કરવા માટે બાયોલોજિકલ પિતાની પરવાનગી માગી

  • હાઇકોર્ટની આ જ બેન્ચ સમક્ષ આવેલા આજ વિષયના બીજા એક રસપ્રદ કેસમાં અદાલતે ચાર વર્ષની બાળકીના પિતાને બોલાવી તેને પૂછયું હતું કે તે તેના સંતાનના રેકોર્ડમાંથી તેનું નામ પડતું મૂકવા માટે તૈયાર છે કે નહીં. બાળકીની માતાએ જણાવ્યું હતું કે બાળકના જન્મની નોંધણી સમયે પિતાએ તેનું નામ, વ્યવસાય જણાવ્યા નહોતા અને તે તેને પરણેલી પણ નહોતી.
  • ૨૩ વર્ષની સિંગલ માતાએ જુલાઇ ૨૦૧૭માં હાઇકોર્ટમાં અરજી કરી હતી કે તેની પુત્રીના જન્મના રેકોર્ડમાંથી તેના પિતાનું નામ રદ કરવામાં આવે અને તેનો સામાજિક દરજ્જો બદલીને અપરિણીત કરવામાં આવે. મહિલાએ જણાવ્યું હતું કે તેણે કદી તેની પુત્રીના પિતા વિશે કોઇ માહિતી જાહેર કરી નથી.
  • આ મહિલાએ તેની અરજીમાં જણાવ્યું હતું કે તે બારમા ધોરણમાં હતી ત્યારે ૧૯ વર્ષની વયે ગર્ભવતી બની હતી અને નવેમ્બર ૨૦૧૪માં તેણે બાળકીને જન્મ આપ્યો હતો. તેણે તેની અરજીમાં જણાવ્યું હતું કે તેણે બીએમસીને તેની પુત્રીનો રેકોર્ડ સુધારવા માટે વિનંતી કરતું સોગંદનામું પણ નોંધાવ્યું છે. જો કે બીએમસીએ તેની વિનંતી નકારી કાઢી તેને અદાલતનો આદેશ લઇ આવવા માટે જણાવ્યું હતું.
  • ન્યાયાધીશે જણાવ્યું હતું કે જન્મ અને મૃત્યુ ધારાની કલમ ૧૫ હેઠળ રજિસ્ટ્રારને નામમાં સુધારો કરવાની અને રદ કરવાની સત્તા છે. બીએમસીના વકીલે જણાવ્યું હતું કે જન્મની નોંધણીના ફોર્મ પર તેની સહી છે અને તેણે બધી વિગતો સ્વેચ્છાએ પૂરી પાડી છે. વિચાર બદલવો એ નોંધણીમાં ભૂલ ન ગણી શકાય અને એટલે જ પિતાના નામની નોંધણી રદ ન કરી શકાય.
  • જો કે મહિલાના વકીલ ઉદય વારુંજીકરે જણાવ્યું હતું કે તે જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે કોરાં ફોર્મ પર તેની સહી કરાવી લેવામાં આવી હતી. અદાલતે વિવાદ પિતાના નામનો હોવાનું નોંધી પિતાનું નામ અરજીમાં ઉમેર્યું હતું અને તેને અદાલતમાં ઉપસ્થિત રહેવા માટે જણાવ્યું હતું.

;