34 ધારાસભ્યોની સાથે ભાજપનું ગઠબંધન, મેઘાલયમાં પણ ભગવો - Sandesh
  • Home
  • India
  • 34 ધારાસભ્યોની સાથે ભાજપનું ગઠબંધન, મેઘાલયમાં પણ ભગવો

34 ધારાસભ્યોની સાથે ભાજપનું ગઠબંધન, મેઘાલયમાં પણ ભગવો

 | 8:11 pm IST

ફરી એક વખત ગોવા જેવી સ્થિતિ મેઘાલયમાં પણ જોવા મળી છે. 21 બેઠકો જીતનાર કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે અને માત્ર 2 જ બેઠક જીતનાર ભાજપ સરકાર બનાવવામાં ભાગ લેશે. બિન કોંગ્રેસી સંગઠને રાજ્યપાલ ગંગા પ્રસાદ સામે સરકાર બનાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ભાજપ,એનપીપી, યૂડીપી, એચએસપીડીપી અને એક અપક્ષ સાથે કુલ 34 ધારાસભ્યના સમર્થન ધરાવતો પત્ર રાજ્યપાલને આપ્યો છે. જો કે રાજભવન તરફથી કોઇ જાહેરાત થઇ નથી પરંતુ એનપીપીના અધ્યક્ષ કોનરાડ સંગમાનું મુખ્યમંત્રી બનાવનું લગભગ નક્કી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે 10.30 કલાકે કોનરાડ મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે.

રાજ્યપાલ સાથે મુલાકાત પછી કોનરાડ સંગમાંએ કહ્યું કે, અમે 34 ધારાસભ્યોના સમર્થન સાથેનો સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. આગામી 2-3 દિવસ મહત્વના રહેશે. હાલની સરકારનો કાર્યકાળ 7 માર્ચના પૂર્ણ થાય છે અને તેના પહેલા તમામ બાબતો થઇ જશે. આવતીકાલ સુધીમાં તમામ બાબતો સાફ થઇ જશે.

જયારે તેમને મુખ્યમંત્રી અંગેનો સવાલ કરવામાં આવ્યો ત્યારે કોનરાડે કહ્યું કે, તમામ સહયોગી પક્ષોએ તેમના નેતૃત્વમાં જ સરકાર બનાવવા માટે સમર્થન આપ્યું છે. જો કે પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બનનાર કોનરાડ માટે ઘણાં પક્ષોને સાથે લઇ ચાલવું સરળ ન હશે. આ અંગે તેમણે કહ્યું કે, ગઠબંધન સરકાર ચલાવી સરળ નથી પરંતુ મને વિશ્વાસ છે કે જે પણ ધારાસભ્યો અમારી સાથે છે તે રાજ્ય અને પ્રજા સમર્પિત રહેશે. અમે રાજ્યના વિકાસ માટે કામ કરીશું.

અસમના મંત્રી અને ભાજપ નેતા હેમંત બિસ્વ શર્માએ કહ્યુંકે, રાજ્યમાં કોઇ ઉપમુખ્યમંત્રી ન હશે. જ્યારે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુંકે, આ એક હકારાત્મક સંદેશ છેકે પ્રાદેશિક પક્ષો પોતાના પ્રદેશના વિકાસ માટે એક સાથે આવી રહ્યા છે. આ પ્રજાનો નિર્ણય છે અને તેનો સ્વીકાર કરીએ છે.