રેઘોળા ગોજારો અકસ્માતઃ લોહીની જરૃર પડતા ૩૬૦ રકતદાતાઓનું મહાદાન - Sandesh
  • Home
  • Bhavnagar
  • રેઘોળા ગોજારો અકસ્માતઃ લોહીની જરૃર પડતા ૩૬૦ રકતદાતાઓનું મહાદાન

રેઘોળા ગોજારો અકસ્માતઃ લોહીની જરૃર પડતા ૩૬૦ રકતદાતાઓનું મહાદાન

 | 7:26 pm IST

ભાવનગરના રંઘોળા પાસે થયેલા ગોજારા અકસ્માતમાં આશરે ૩૧ વ્યકિતના મોત નિપજયા હતા, જયારે આશરે ર૯ લોકોને ઈજા થતા તેઓને સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેના પગલે લોહીની અછત ઉભી થતા રકતદાતાઓને તત્કાલ રકતદાન કરવા બોલાવવામાં આવ્યા હતાં. સોશિયલ મીડિયા પર રકતની જરૃર હોવાના મેસેજ વાયરલ થતા આ હાકલ સાંભળી રકતદાતાઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. સાંજ સુધીમાં આશરે ૩૬૦ લોકોએ રકતદાન કર્યુ હોવાનું જાણવા મળેલ છે. ઈજાગ્રસ્તો માટે રકતદાન કરી ભાવેણાવાસીઓએ માનવતા દાખવી રંગ રાખ્યો હતો.અત્રે નોંધનીય છે કે, રક્તદાન અને દેહદાનમાં ભાવનગર દેશભરમાં મોખરે છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ નજીક આજે વહેલીસવારે આશરે સાતેક વાગ્યાના અરસામાં અનીડા ગામેથી જાનૈયા ભરીને ગઢડાના ટાટમ ગામે જતી ટ્રકના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં પુલની રેલીંગ તોડીને નીચે નાળામાં ખાબકતાં ગૂલાંટ ખાઈને ટ્રક ઊંધા માથે થઈ ગઈ હતી. જે ટ્રકની નીચે જાનૈયા દબાઈ જતાં રક્તરંજિત ઘટના ઘટી હતી. જેમાં એક બાળક સહિત કુલ ૩૧ વ્યક્તિના મોત નીપજ્યાં હતા. જેમાં ઘટનાસ્થળે જ ર૩ જેટલાં લોકોમોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઈમરજન્સી સેવા ૧૦૮ મારફતે સિહોર, ઉમરાળા, ભાવનગર દવાખાને ખસેડવામાં આવતાં જ્યાં વધુ આઠેક વ્યક્તિના મોત નીપજ્યાં હતા.

આમ, મૃતકનો આંક વધીને કુલ ૩૧ થવા પામ્યો હતો. ઘટનાની કરૃણતા એ હતી કે આ ગોઝારા અકસ્માતમાં વરરાજાના માતા-પિતા પણ મોત નીપજ્યાં હતા. આજની રક્તરંજિત અકસ્માતની ઘટનાના પગલે ભાવનગર તથા બોટાદ જિલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં ભાવનગર પોલીસ અધિકારીઓની સાથે વહીવટી તંત્ર સહિતનો કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને આવશ્યક કાર્યવાહી હાથ ધરી હતી.