કોંગ્રેસનો આંકડાઓ સાથે પ્રહાર- 'ભાજપે ગુજરાતને ભેટમાં આપી બેરોજગારી' - Sandesh
  • Home
  • Gandhinagar
  • કોંગ્રેસનો આંકડાઓ સાથે પ્રહાર- ‘ભાજપે ગુજરાતને ભેટમાં આપી બેરોજગારી’

કોંગ્રેસનો આંકડાઓ સાથે પ્રહાર- ‘ભાજપે ગુજરાતને ભેટમાં આપી બેરોજગારી’

 | 10:03 pm IST

ગુજરાત કોંગ્રેસ રાજ્યની ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું છે કે, એક તરફ રોજગારી માટે તકો ઉભી કરવાની સરકાર વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં બેરોજગારોનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. તાજેતરમાં બહાર પડેલી તલાટીની 1800 જગ્યા માટે રાજ્યભરમાં 19 લાખ જેટલી અરજી કરવામાં આવી છે. સરકારના આંકડા પ્રમાણે રાજ્યમાં ત્રીજા વર્ગની ખાલી પડેલી 12 હજાર જેટલી જગ્યાઓ માટે 38 લાખ જેટલી અરજીઓ મળી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તલાટીની જગ્યા પર સૌથી વધારે અરજી કરવામાં આવી છે. તલાટી માટે એક જગ્યા પર સરેરાશ 1055 અરજી કરવામાં આવી છે. ત્યારબાદ ફોરેસ્ટ બીટ ગાર્ડની 334 જગ્યા માટે 4.84 લાખ અરજી કરવામાં આવી છે. કોન્સ્ટેબલની 9713 જેટલી જગ્યા સામે 8.76 લાખ અરજીઓ કરવામાં આવી છે એટલે કે એક જગ્યા માટે માત્ર 90 ઉમેદવારોએ અરજી કરી છે. 2011 માં બેરોજગારીનો દર 3.8 ટકા થી વધીને 5 ટકા થઈ ગયો છે. ભારતમાં બેરોજગારીની સંખ્યા 1.7 કરોડ થી વધીને 1.8 કરોડ થઈ જશે એનો મતલબ આ વર્ષે 10 લાખ કરતાં વધુ લોકો બેરોજગારમાં ઉમેરો થશે. ગુજરાતમાં 60 લાખથી વધુ યુવાનો રોજગારી શોધી રહ્યાં છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. ગુજરાતના 5 લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે, રાજ્યમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત લોકોને પુનઃ નિમણૂંક આપીને મનફાવે તે રીતે કામગીરી કરાવવામાં આવી રહી છે. મોટા ભાગના વિભાગો ઈન્ચાર્જ થી જ ચાલી રહ્યાં છે.”

કોંગ્રેસે વધુમાં આક્ષેપ કરતા કહ્યું કે દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના 1 વર્ષમાં માત્ર 1.38 લાખ રોજગારી દેશના યુવાનોને મળી, સામા પક્ષે નોટબંધીનું ઉતાવળિયું પગલું અને જી.એસ.ટી.ના અમલીકરણની નિષ્ફળતાને લીધે દેશમાં લાખો નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર-ધંધા પડી ભાંગતા ગુજરાતમાં જ 20 લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી રોજગારના ખોટા દાવાઓ કરવાને બદલે સાચા અર્થમાં ગુજરાતના યુવાનોની ચિંતા કરવી જોઈએ.”