' ૬,૦૦,૦૦૦ કરોડની જંગી ખાધ ધરાવતું બજેટ ૨૦૨૦ - Sandesh
 • Home
 • Budget
 • ‘ ૬,૦૦,૦૦૦ કરોડની જંગી ખાધ ધરાવતું બજેટ ૨૦૨૦

‘ ૬,૦૦,૦૦૦ કરોડની જંગી ખાધ ધરાવતું બજેટ ૨૦૨૦

 | 6:03 am IST

। નવી દિલ્હી ।

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે સવારે ૧૧:૦૦ કલાકે લોકસભામાં  મહત્ત્વાકાંક્ષી ભારત, તમામ ભારતીયોના આર્થિક વિકાસ અને કાળજી લેતા સમાજની થીમ સાથે વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું બજેટ રજૂ કર્યું હતું. ભારતના ઇતિહાસના સૌથી લાંબા બે કલાક ૪૫ મિનિટના ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારામને સંખ્યાબંધ સેક્ટરને ખુશ કરવાના પ્રયાસમાં બજેટને જટિલ બનાવી દીધું હતું. બજેટનો મોટાભાગનો હિસ્સો હતાશાજનક રહ્યો હતો. સીતારામને તેમના બજેટમાં દેશમાં માગ અને ખરીદશક્તિ વધારવાના પગલાં લેતાં આવકવેરાના સ્લેબમાં સુધારા કરતાં મધ્યમ અને પગારદાર વર્ગને મોટી રાહત આપવાનો જટિલ અને ગુંચવાડા ભર્યો પ્રયાસ કર્યો છે. પરંતુ અર્થતંત્રની મંદ પડેલી ગતિને વેગ આપે તેવો કોઇ મોટો આર્થિક સુધારો બજેટમાં સામેલ ન હોવાથી દેશના બજારો અત્યંત નારાજ થયાં હતાં. કારોબારના અંતે મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૯૮૮ પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક નિફ્ટી ૩૧૮ પોઇન્ટ ગગડી ગયાં હતાં. નિર્મલા સીતારામને તેમના બજેટમાં સંખ્યાબંધ કલ્યાણકારી યોજનાઓમાં મોટી ફાળવણી કરી દેશના ગરીબ વર્ગને રાહત આપવાનો પ્રયાસ તો કર્યો છે પરંતુ આ પ્રયાસમાં વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષની અંદાજપત્રીય ખાધ અધધધ રૂપિયા ૬,૧૯,૨૧૦ કરોડ પર પહોંચી જવાનો અંદાજ છે. આમ સરકારે ઉછીનું તેલ લાવીને દીવા પ્રગટાવવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. સરકારે માગ વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય -શિક્ષણ-ઉદ્યોગજગત, ટેકનોલોજી અને સંશોધનોને વેગ આપવાનો પ્રયાસ તો કર્યો છે પરંતુ બજેટમાં મહત્ત્વના આર્થિક સુધારાઓનો અભાવ જણાય છે. સીતારામને મધ્યમવર્ગને રાહત આપતાં આવકવેરા સ્લેબમાં ધરમૂળથી બદલાવની સૌથી મોટી જાહેરાત કરી હતી. તે ઉપરાંત ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યૂશન ટેક્સની નાબૂદી, નવી સ્થપાનારી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સમાં રાહત, સોવેરિન વેલ્થ ફંડને ૧૦૦ ટકા કરમુક્તિ જેવી ઘણી મહત્ત્વની જોગવાઇ બજેટમાં કરાઇ છે. સરકારે વિનિવેશની દિશામાં આગળ વધતાં જીવન વીમા નિગમ અને આઇડીબીઆઇ બેન્કમાંનો પોતાનો હિસ્સો વેચવાની પણ ઘોષણા કરી છે.

થીમ ૧ : મહત્ત્વાકાંક્ષી ભારત

આરોગ્ય, શિક્ષણ અને તમામ વર્ગ માટે સારી નોકરીઓની ઉપલબ્ધતા સાથે જીવનનાં શ્રેષ્ઠ ધોરણો

 • ૧.૬૦ લાખ કરોડ રૂપિયા સિંચાઇ માટે
 • ૧.૨૩ લાખ કરોડ રૂપિયા ગ્રામીણ વિકાસ
 • ૧૫ લાખ કરોડ રૂપિયાનો કૃષિ ક્રેડિટ માટે લક્ષ્યાંક
 • પીએમ-કિસાન યોજનાના લાભાર્થીઓને KCC સ્કીમમાં સમાવાશે
 • ૧ લાખ કરોડ રૂપિયાનો મત્સ્ય ઉપ્તાદન નિકાસનો લક્ષ્યાંક
 • ૩૪૭૭ સાગરમિત્ર નિયુક્ત કરાશે
 • PPP મોડમાં કિસાન રેલનો પ્રારંભ થશે, કોલ્ડ સપ્લાય ચેઇન શરૂ કરાશે
 • કૃષિ ઉત્પાદનોની હેરફેર માટે કૃષિ ઉડાનનો પ્રારંભ કરશે
 • ૨૦ લાખ ખેડૂતોને સોલાર પમ્પ અપાશે
 • ૧૫ લાખ ખેડૂતોને સોલાર ગ્રીડ કનેક્ટેડ પમ્પ સેટ અપાશે
 • વિલેજ સ્ટોરેજ સ્કીમનો પ્રાંરંભ,
 • ૨૦૨૪ સુધીમાં જનઔષધી કેન્દ્રો ૨૦૦૦ દવા અને ૩૦૦ સર્જિકલ પૂરાં પાડશે
 • ટી.બી. હારેગા દેશ જીતેગા અભિયાનનો પ્રારંભ, ૨૦૨૫ સુધીમાં ટીબીની નાબૂદી
 • ૩.૬૦ લાખ કરોડ જલ જીવન મિશન માટે ફાળવણી
 • ૧૨૩૦૦ કરોડ રૂપિયા સ્વચ્છ ભારત મિશન માટે ફાળવણી
 • ૩૦૦૦ કરોડ રૂપિયા સ્કિલ ડેવલપમેન્ટ માટે ફાળવણી
 • પીપીપી મોડમાં જિલ્લા હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજનો જોડાશે
 • ૧૫૦ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ડિગ્રી-ડિપ્લોમા કોર્ષ શરૂ કરશે
 • સ્ટડી ઇન ઇન્ડિયા યોજનાનો પ્રારંભ

થીમ ૨ : તમામનો આર્થિક વિકાસ

સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ મુદ્રાલેખ સાથે તમામ વર્ગનો આર્થિક વિકાસ

 • ન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ સેલનો પ્રારંભ
 • પાંચ નવા સ્માર્ટ સિટી
 • ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના ઉત્પાદનને પ્રોત્સાહન
 • નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશનની રચના કરાશે
 • ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું પાંચ વર્ષમાં રોકાણ
 • નેશનલ લોજિસ્ટિક્સ પોલિસીની જાહેરાત
 • ૧.૭ લાખ કરોડ રૂપિયાનું ટ્રન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ
 • રેલવે ટ્રેકને સમાંતર સોલર પાવર પ્લાન્ટ લગાવાશે
 • ચાર રેલવે સ્ટેશન અને ૧૫૦ પ્રવાસી ટ્રેનનું ખાનગીકરણ
 • જાણીતા સ્થળોને તેજસ ટ્રેન દ્વારા જોડી દેવામાં આવશે
 • ૨૭૦૦૦ કિમીના ટ્રેકનું વિદ્યુતીકરણ
 • ૧૦૦ વધુ એરપોર્ટને ઉડાન સ્કીમ અંતર્ગત ૨૦૨૪ સુધીમાં તૈયાર કરાશે
 • સ્માર્ટ મીટરને પ્રોત્સાહન અપાશે
 • ગ્રાહકો પ્રિપેઇડ મીટરો લગાવી શક્શે
 • ૨૨૦૦૦ કરોડ રૂપિયા પાવર સેક્ટર માટે
 • ડેટા સેન્ટર પાર્ક તૈયાર કરવા પ્રાઇવેટ સેક્ટરને પરવાનગી
 • ૧,૦૦,૦૦૦ ગ્રામ પંચાયતને ભારત નેટ દ્વારા ફાઇબર ટુ હોમથી જોડાશે
 • ૬૦૦૦ કરોડ રૂપિયાની ભારત નેટ માટે ફાળવણી

થીમ ૩ : કેરિંગ સોસાયટી

માનવતા અને દયા, અંત્યોદય, ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને પારદર્શક ફાઇનાન્સિયલ સેક્ટર

 • ૩૫૬૦૦ કરોડ રૂપિયા ન્યુટ્રિશિન યોજનાઓ માટે ફાળવણી
 • ૨૮૬૦૦ કરોડ રૂપિયા મહિલાલક્ષી યોજનાઓ માટે ફાળવાયા
 • ૮૫૦૦૦ કરોડ રૂપિયા એસસી અને ઓબીસી માટે
 • ૨૫૦૦ કરોડ રૂપિયા ટૂરિઝમને પ્રોત્સાહન માટે ફાળવણી
 • ૩૧૫૦ કરોડ રૂપિયા સાંસ્કૃતિ મંત્રાલયને ફાળવણી
 • ડિમ્ડ યુનિવર્સિટીના દરજ્જા સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજની રચના કરાશે
 • પાંચ પુરાતત્ત્વીય સ્થળોને ઓન સાઇટ મ્યુઝિયમ સાથે વિકસાવાશે
 • અમદાવાદ નજીક લોથલ ખાતે મેરિટાઇમ મ્યુઝિયમ રચાશે
 • ૪૪૦૦ કરોડ રૂપિયાની ક્લાઇમેટ ચેન્જ સામે લડવા ફાળવણી
 • પરવાનગીથી વધુ કાર્બન એમિશન કરતાં થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરાશે
 • ૧૦ લાખથી વધુની વસતી ધરાવતા શહેરોમાં ક્લીન એર માટે રાજ્યો મદદ કરાશે

નવા દરે વ્યક્તિગત આવકવેરાનું ભારણ ઓછું થશે તેવો નાણામંત્રીનો દાવો કેટલો સાચો ?

પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ નિયત કપાતો તેમજ રાહતોનો લાભ લેવામાં ન આવે તો લાગુ પડતા આવકવેરાના રાહતકારક દરોની નાણામંત્રીની જાહેરાતથી ખરેખર કેટલો લાભ થશે તે અંગે કરદાતાઓ તેમજ કરવેરા સલાહકારો વિટંબણામાં પડી ગયા છે. નવા દરે આવકવેરાનું ભારણ ઓછું થશે તેવો નાણામંત્રીનો દાવો વાસ્તવમાં કેટલો ભ્રામક છે તેનો ખ્યાલ અહીંયા જણાવેલા કોષ્ટક હેઠળના દૃષ્ટાંત ઉપરથી આવી શકશે…

નિયત કપાતો કલમ ૧૬ હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શનના રૂ. ૫૦,૦૦૦ કલમ ૮૦-સી હેઠળ નિયત રોકાણોના રૂ. ૧,૫૦,૦૦૦, કલમ ૮૦-ડી હેઠળ મેડિકલ ઇન્સ્યોરન્સના રૂ. ૨૫,૦૦૦, કલમ ૮૦-ટીટીએ હેઠળ રૂ. બેન્ક વ્યાજના રૂ. ૧૦,૦૦૦ અને કલમ ૨૪ હેઠળ હાઉસિંગ લોનના વ્યાજના રૂ. ૨,૦૦,૦૦૦ એમ કુલ રૂ. ૪,૩૫,૦૦૦ની કપાતો.

૮૦C, ૮૦DD, ૮૦EE, ૮૦IA અંતર્ગતના ડિડક્શન રદ

સીતારામને પર્સનલ ઇન્કમટેક્સના સ્લેબમાં ધરમૂળથી બદલાવ કર્યાં છે પરંતુ આ સ્લેબનો લાભ લેવા માટે કરદાતાએ ૭૦ જેટલા એક્ઝમ્પ્શનનો ભોગ આપવો પડશે. સીતારામને જાહેરાત કરી છે કે નવા ટેક્સ સ્લેબ વૈકલ્પિક રહેશે.કરદાતા જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે કર ચૂકવવા માગશે તો તેમને એક્ઝમ્પ્શનના લાભ મળશે. નવા સ્લેબ પ્રમાણે ટેક્સ ભરવા ઇચ્છતા કરદાતાએ એક્ઝમ્પ્શન ગુમાવવા પડશે.

હવે આટલા જ એક્ઝમ્પ્શન

 • ડેથ-રિટાયરમેન્ટ
 • પેન્શનનું કોમ્યુનિકેશન
 • નિવૃત્તિ સમયે રજાનો પગાર
 • વીઆરએસ સમયે મેળવેલી રકમ
 • એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડના નાણા
 • શિક્ષણ માટે શિષ્યવૃત્તિ
 • પુરસ્કારો પેટે મળેલી રોકડ
 • નેશનલ પેન્શન સ્કીમમાંથી વિડ્રોઅલ

મોંઘી વસ્તુઓ

બટર ઘી, બટર ઓલિ, ખાદ્યતેલ, પીનટ બટર, છાશ, મેસલિન, મકાઇ, સુગર બીટ સીડસ, સંરક્ષિત બટાકા, ચ્યુઇંગ ગમ, ડાયેટ સોયા ફાઇબર, આઇસોલેટેડ સોયા પ્રોટીન, અખરોટ, ફૂટવેર, શેવિંગનો સામાન, હેર ક્લિપર્સ,હેર રિમૂવિંગ સાધનો, ટેબલવેર, કિચનવેર, વોટર પિલ્ટર, ગ્લાસવેર, ચીની માટીના વાસણો, માણેક, પન્ના, નીલમ, કિમતી રત્નો, તાળા, કાંચકી, હેરપિન, ર્કિંલગ પિન, હેર કલર, ટેબલ પેન, સિલિંગ ફેન, પેડસ્ટલ ફેન, પોર્ટેબલ બ્લોઅર, વોટર હીટર, ઇમર્શન હીટર, હેર ડ્રાયર, હેડ ડ્રાઇંગ મશીન, ઇલેક્ટ્રિક આયર્ન, ફૂડ ગ્રાઇન્ડર, ઓવન, કૂકર, કૂકિંગ પ્લેટ, બોઇલિંગ રિંગ્સ, ગ્રિલરર રોસ્ટર, કોફી અને ચ્હાના મશીન, ટોસ્ટર, કિટનાશક સાધનો, ફર્નિચર, લેમ્પ અને લાઇટિંગ્સ, રમકડાં, સ્ટેશનરી, આર્ટિપિશિયલ ફ્લાવર, બેલ્સ, ટ્રોફી, મોબાઇલ ફોનના સર્કિટ બોર્ડ, ડિસ્પ્લે પેનલ અને ટચ એસેમ્બ્લી, સિગરેટ, હુક્કા, તમાકુ અને સુગંધિત જર્દા

બજેટ ફાળવણી

૯૯,૩૦૦ : કરોડ રૂપિયા – શિક્ષણ

૧૨,૩૦૦ : કરોડ રૂપિયા – સ્વચ્છ ભારત મિશન

૨૭,૩૦૦ : કરોડ રૂપિયા-  ઇન્ડસ્ટ્રીના પ્રમોશન માટે

૧,૭૦,૦૦૦ : કરોડ રૂપિયા-  ટ્રન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

૨૮૬૦૦ : કરોડ રૂપિયા – ન્યુટ્રિશિન યોજનાઓ

૩૫૬૦૦ : કરોડ રૂપિયા – મહિલાલક્ષી યોજનાઓ

૩,૬૦,૦૦૦ : કરોડ રૂપિયા – જલ જીવન મિશન

૮૫૦૦૦ : કરોડ રૂપિયા- એસસી અને ઓબીસી

૫૩૭૦૦ : કરોડ રૂપિયા- આદિવાસીઓ

૯૫૦૦ : કરોડ રૂપિયા – સીનિયર સિટિઝન

૫૯૫૮ : કરોડ રૂપિયા- જમ્મુ અને કાશ્મીર

૩૦,૭૫૭ : કરોડ રૂપિયા – લદ્દાખ માટે

સીતારામને લલકારી કાશ્મીર પર કવિતા…

હમારા વતન, ખિલતે હુએ શાલીમાર બાગ જૈસા, હમારા વતન, દલ ઝિલમાં ખિલતે હુએ કમલ જૈસા, નૌજવાનો કે ગરમ ખૂન જૈસા,

મેરા વતન, તેરા વતન, હમારા વતન, દુનિયા કા સબસે પ્યારા વતન…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન