૪ માઇક્રો સેકન્ડનો ગમ - Sandesh
  • Home
  • Newspaper
  • ૪ માઇક્રો સેકન્ડનો ગમ

૪ માઇક્રો સેકન્ડનો ગમ

 | 2:29 am IST

। સુરત ।

સંદેશની મહેમાન બનેલી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે તેના બાળપણથી માંડી સંઘર્ષની દિવસોથી લઈ સફળતાની જામકઝોળ સુધીની વાતો ખુલ્લા હૃદયે કરી હતી. સરિતાનું કહેવુ હતું કે ધગશ અને શ્રધ્ધાથી કોઇપણ પડકારને પાર કરી શકાય છે. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ઘણી પ્રતિભાઓ છે, તેમના હુનરને પારખી તરાસવાની જરૂર છે. ખેલ મહાકુંભ એ આ પ્રતિભાઓ માટે મોટું પ્લેટફોર્મ સાબિત થઇ રહ્યો છે. સરિતાએ કહ્યું હતું સ્પોટ્સને હાર-જીતના દાયરામાંથી બહાર કાઢવાની જરૂર છે. રમશે તે જ જીતશે. રમવા માટે માઇન્ડ સેટ તૈયાર કરવું અગત્યનું છે. સફળતાં માટે પરિશ્રમ સિવાય કોઇ વિકલ્પ નથી. ડિસિપ્લિન અને ડેડીકેશન વિના સફળતાં મળે જ નહી. અમે એશિયાડ તો જીત્યો પરંતુ માત્ર ચાર માઇક્રો સેકન્ડ માટે વર્લ્ડ રેકર્ડ કરવાનું ચૂકી ગયા. આ રેકર્ડ થયો બનાવી શક્યા હોય તો…, આવો અફસોસ થાય એ સ્વાભાવિક છે. જો કે આ ચાર માઇક્રો સેકન્ડનો પકડાર ઝીલી હું ઓલમ્પિકની તૈયારીમાં લાગી જવા માંગુ છું.

રમત ગમત પ્રત્યે ધીરે ધીરે સમાજનો નઝરિયો બદલાઇ રહ્યાનો આનંદ વ્યક્ત કરતાં સરિતાએ મિડિયાનો પણ આભાર માન્યો હતો. સંદેશમાં છપાયેલો મોટો કટ આઉટ આજે પણ મારા માનસ પટલ ઉપર અંકિત છે. એ ક્યારેય નહીં ભુંસાય. આ સિદ્ધિએ મને કે મારા પરિવારને જ નહીં સમગ્ર આદિવાસી વિસ્તારને માન સન્માન અપાવ્યું છે. કોમન વેલ્થ ગેમમાં હારનો સામનો કર્યો ત્યારે ખૂબ દુઃખી અને વ્યથિત થઇ ગયેલી. જો કે મારા ગુરુજનોએ મને સંભાળી, પ્રોત્સાહિત કરી, મનોબળ પૂરું પાડયું અને એનું પરિણામ આજે તમારી સામે છે.

સ્પોટ્ર્સના ક્ષેત્રે અનેક સરિતાઓ સામાજિક બદીઓને કારણે ઉદ્ગમ સ્થાને અસ્ત થઈ જાય છે

ભારત દેશનું યુવાધન અનેક સંભાવનાઓથી સમૃદ્ધ છે. વર્તમાન પરિસ્થિતિમાં સ્પોટ્ર્સ પ્રત્યેની રુચિ સાર્વત્રિક સુદૃઢતા ધારણ કરી રહી છે. એકલવ્ય જેવા પ્રતિભાવાન બાણાવળીથી સુશોભિત ઇતિહાસ ખેલ જગતના ભવ્ય ભૂતકાળની પ્રતીતિ કરાવે છે. તો સદૈવ માનનીય પી. ટી. ઉષાજી જેવી દોડ વીરાંગના મારા જેવા વર્તમાન માટે આજે પણ એક આદર્શનું સ્થાન ધરાવે છે. હકારાત્મક અનુકૂળતાઓને કારણે વૈશ્વિક ફલક પર આજે ભારત પોતાનું આગવું સ્થાન બનાવવામાં સફળ રહ્યું છે. આજે પણ જો કોઇ મુખ્ય સમસ્યા હોય તો એ બાળલગ્ન જેવા કુરિવાજ અને બાળકીની ભ્રૂણ હત્યા જેવી નકારાત્મકતા છે.

બાળલગ્ન અને બાળકી ભ્રૂણ હત્યાને કારણે કંઈ કેટલી સરિતાઓ એના ઉદ્ગમ સ્થાને જ સુકાઇને ભૂતકાળની ગર્તામાં વિલીન થઇ જાય છે, ખોવાઈ જાય છે. નાની ઉંમરે દીકરીઓને પરણાવી દેવાનો કુરિવાજ આજે પણ સમાજના અનેક હિસ્સાઓમાં એક બદી હોવા છતાં પોષાઈ રહ્યો છે. આ કુરિવાજને કારણે કંઇ કેટલી દીકરીઓની મહત્ત્વાકાંક્ષાઓનું બાળમરણ થઇ જતું હોય છે. ડાંગ મારા વતનમાં આજે આ મુદ્દે જાગૃતિ ચોક્કસ જ આવી છે. મારા પિતાએ મને સફળતાના આ શિખર સુધી પહોંચવા પૂરેપૂરો અવકાશ આપ્યો તો જ હું અહીં સુધી પહોંચી છું.

સમાજના અનેક વર્ગો આજે પણ દીકરીને એક બોજ સમજે છે. દહેજ અને કરિયાવર જેવી સામાજિક વિટંબણાઓ આજે ૨૧મી સદીમાં પણ જેમની તેમ છે. આ ચિંતા બાળકી ભ્રૂણ હત્યાનું એક મહત્ત્વનું પ્રેરક બળ છે. આજે કાયદાકીય રક્ષણથી બાળકી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટયું ચોક્કસ છે. ભ્રૂણ લિંગ પરીક્ષણ કાયદાની વ્યાખ્યામાં ગુનો બનતો હોવાથી હવે એમાં ઘટાડો થયો જ છે, પરંતુ નાણાકીય લાલચ કે સામાજિક દબાણને વશ ભ્રૂણ લિંગ પરીક્ષણ સાવ નાબુદ નથી જ થયો. જે કિસ્સાઓમાં ભ્રૂણ લિંગ પરીક્ષણ આગ્રહપૂર્વક કરવાનો પ્રયાસ હોય છે ત્યાં મોટાભાગના કિસ્સાઓમાં બાળકી ભ્રૂણનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. ગર્ભમાં બાળકી હોવાની ગંધ આવતા જ ભ્રૂણ હત્યાના પ્રપંચ શરૂ થઇ જાય છે.

સ્પોટ્ર્સના ક્ષેત્રમાં અનેક બાળાઓ અદ્ભૂત દેખાવો કરી રહી છે. સમાનતાના અધિકારો માટે અધિકારીતા સાબિત કરતી મારા જેવી અનેક પ્રતિભાઓ પોતાના ઉજ્જવળ ભવિષ્ય સાથે જ રાષ્ટ્રને વૈશ્વિક ફલક પર ગૌરવાન્વિત કરવા તત્પર છે. આજે ‘સંદેશ’ જેવા ગણમાન્ય અખબારમાં સ્પોટ્ર્સ પેજના ગેસ્ટ એડિટર તરીકે હું આમંત્રિત થઇ એનું મને ખૂબ ગૌરવ છે. આ તકના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અપીલ કરવા માગું છું કે, ચાલો સૌ ભેગા મળી બાળલગ્ન જેવા સામાજિક કુરિવાજના કલંકથી મુક્ત થઇએ સાથે જ કન્યા ભ્રૂણ હત્યાના જઘન્ય અપરાધથી આપણે તો બચીએ જ પરંતુ એક જાગૃત અને સભાન ગુજરાતી હોવાની હેસિયતથી સામાજિક અભિશાપ એવા આ દૂષણ સામે વ્યાપક અને પરિણામલક્ષી જાગૃતિના પ્રણેતા બનીએ.

  • સરિતા ગાયકવાડ (ગેસ્ટ એડિટર, સ્પોટ્ર્સ)

એક દિવસ સરિતા દેશ માટે સુવર્ણ ડંકો વગાડશે : કે. એસ. એજીમોન

સરિતા ગાયકવાડ ૨૦૧૫માં વડોદરામાં આયોજિત ખેલ મહાકુંભમાં સૌપ્રથમવાર મારી સાથે મુલાકાત થઇ હતી. તેણે ૬૧ સેકન્ડમાં ૪૦૦ મીટર રેસ પૂર્ણ કરી તેની પ્રતિભાનો પરચો આપ્યો હતો. મને મનમાં ક્લિક થયું કે ગુજરાતના છેવાડામાં આવેલા ડાંગ જિલ્લાની આ આદિવાસી દીકરી એક દિવસ રાજ્યનું નામ રોશન કરશે. મેં સરિતા સાથે વાત કરી તેને નડિયાદમાં આવેલી ગુજરાત સ્ટેટ સ્પોટ્ર્સ એકેડેમીમાં ટ્રેનિંગ માટે કન્વીન્સ કરી. શરૂઆતમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં મનાઇ કરી હતી. તેણે જણાવ્યું કે હું મારા પરિવારને અને મારા ગામને નહીં છોડી શકું બાદમાં હું તેના ગામ ગયો અને માતા પિતા તથા કોચ સાથે વાત કરી. માતાપિતાએ શરૂઆતમાં ઇનકાર કર્યો, બાદમાં બીજી વાર તેને કન્વીન્સ કર્યા. તેઓ સરિતાને ત્રણ માસની ટ્રેનિંગ માટે નડિયાદ મોકલવા રાજી થયા. બાદમાં સરિતાએ નડિયાદ સ્પોટ્ર્સ એકેડેમીમાં પ્રેકિટસ શરૂ કરી. મેં તેને કેમ્પમાં ૪૦૦ મીટર હર્ડલ્સની પ્રેક્ટિસ શરૂ કરાવી. આઠથી નવ માસમાં ટ્રેનિંગ પૂર્ણ કરી. ૨૦૧૬માં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી કોમ્પિટિશનમાં નેશનલ લેવલે બે ગોલ્ડ મેડલ મેળવ્યા. ઓલ ઈન્ડિયા લેવલે સફળતા મળતા સરિતાના આત્મ વિશ્વાસમાં વધારો થયો. બાદમાં મે – ૨૦૧૬માં લખનઉમાં આયોજિત ફેડરેશન કપમાં હર્ડલ્સ અને ૪૦૦ મીટરમાં સિલ્વર અને બ્રોન્ઝ મેળવ્યા. નેશનલ લેવલે બે સ્પર્ધામાં ઝળહળતા સરિતાની ટીમ ઈન્ડિયામાં પસંદગી થઇ. શરૂઆતમાં તેણે ટીમ ઈન્ડિયામાં જવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેના માતાપિતાને મનાવ્યા કે સરિતા સ્પોટ્ર્સમાં કરિયર બનાવશે તેનું કરિયર ખૂબ ઉજ્જવળ છે. તે આંતર રાષ્ટ્રીય લેવલે મેડલ પ્રાપ્ત કરશે તો તેને સારી એવી રકમ ઇનામમાં મળશે અને સરકારી નોકરી પણ મળશે. અંતે માતાપિતાએ મંજૂરી આપતાં તેને નેશનલ ટ્રેનિંગ કેમ્પમાં રશિયન કોચ ગેલીનાની ટ્રેનિંગ હેઠળ મૂકી. અને કોચ કે. એસ. એજીમોને ગેલીનાને જણાવ્યું કે સરિતા અત્યંત પછાત વિસ્તારમાં આવતી હોવાથી તેનું ખાસ ધ્યાન રાખવું.