Gujarat: 4 People Dead In Gujarat In Altered environment
  • Home
  • Featured
  • રાજ્યમાં વિજળીનાં કડાકા-ભડાકા વચ્ચે કરા સાથે વરસાદ, 12 લોકોનો લીધો ભોગ

રાજ્યમાં વિજળીનાં કડાકા-ભડાકા વચ્ચે કરા સાથે વરસાદ, 12 લોકોનો લીધો ભોગ

 | 5:29 pm IST

રાજ્યમાં અનેક જગ્યાએ ભરઉનાળે વરસાદનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ, પાટણ, કચ્છ, અમદાવાદ, સાબારકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર સહિતનાં વિસ્તોરામાં કમોસમી વરસાદ પડ્યો છે. કેટલાક ઠેકાણે કરા પણ પડ્યા હતા. તો વરસાદી છાંટા સાથે જોરદાર પવન અને ધૂળની ડમરીઓ પણ ફૂંકાઇ હતી. જો કે બદલાયેલા વાતાવરણનાં કારણે રાજ્યમાં 12 લોકોનાં મોત પણ થયા છે. વિજાપુર, વિરમગામ, મહેસાણા અને પડધરીમાં 12 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતુ, ત્યારબાદ ધૂળની ડમરીઓ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક ઠેકાણે ભયંકર વિજળીનાં ગડગડાટ થયા હતા. આવા જોખમી વાતાવરણે રાજ્યમાં 12 લોકોનો ભોગ લીધો છે. વિરમગામનાં વાંસવામાં વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે તો પડધરીમાં એક મહિલા ઝાડ નીચે દટાઈ ગઇ હોવાથી તેનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે મહિલા ઝાડ નીચે જમવા માટે બેઠી હતી. તો મોરબીમાં પણ વીજળી પડતા એક મહિલાનું મોત થયું છે. આ ઉપરાંત વિજાપુરનાં માલોસણામાં અને ઊંઝા નજીક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.

આપને વિગતે જણાવીએ તો પડધરી તાલુકામાં કમોસમી વરસાદની સાથે વાવાઝોડું આવ્યું હતુ. આ વાવાઝોડામાં ખાખડાબેલા ગામનાં મંગુબેન કાનજીભાઈ રંગપરા વાડીમાં મજુરી કામ કરીને ઝાડ નીચે જમવા બેઠા હતા, ત્યારે વાવાઝોડું આવતાની સાથે ઝાડ મંગુબેન કાનજીભાઈ રંગપરાની ઉપર પડતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતુ. ગામનાં આગેવાનોને જાણ થતા તુરંત જેસીબી લઇને વાડીએ પહોંચ્યા હતા. જેસીબીથી ઝાડની નીચેથી મૃતક મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા અને તુરંત 108 મારફતે પડધરી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તો વિરમગામનાં વાંસવામાં વીજળી પડતા ચંદ્રિકા સોલંકી નામની મહિલાનું મોત થયું છે. બીજી બાજું ઊંઝાનાં બ્રાહ્મણવાડા પાસે બસ અને જીપડાલા વચ્ચે અકસ્માત થતા બસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન