ભારત-ચીનનો `પડોશી ધર્મ’, વિવાદ છતાં વેપાર ઐતિહાસિક સપાટીએ - Sandesh
  • Home
  • Uncategorized
  • ભારત-ચીનનો `પડોશી ધર્મ’, વિવાદ છતાં વેપાર ઐતિહાસિક સપાટીએ

ભારત-ચીનનો `પડોશી ધર્મ’, વિવાદ છતાં વેપાર ઐતિહાસિક સપાટીએ

 | 10:09 pm IST

વિવાદ છતાં પણ ભારત અને ચીન વચ્ચેનો દ્વિ પક્ષીય વેપાર 2017ના ગયા વર્ષે 84.44 અબજ ડોલર (રૂ. 5,47,982 કરોડ)ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ચીનના જનરલ કસ્ટમ ડ્યુટી એડમિનિસ્ટેશનના આંકડા પ્રમાણે 2017માં ભારતમાં ચીનની નિકાસ 40 ટકા જેટલી વધી 16.34 અબજ ડોલર થઈ છે. આ જ રીતે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 18.63 કરોડના વધારા સાથે 84.44 અબજ ડોલરે પહોંચી ગયો છે. આ આંક ઐતિહાસિક છે. કારણ કે બંને દેશો વચ્ચેનો વેપાર પ્રથમવાર જ 80 અબજ ડોલરને આંબી ગયો છે. અગાઉના વર્ષે આ આંક 71.18 અબજ ડોલર હતો.

ભારત અને ચીન વચ્ચે ગયા વર્ષે અનેક મુદ્દાઓ અંગે વિવાદ સર્જાયો હતો. આમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી), જૈશ એ મોહમ્મદના મસુદ અઝહર પર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પ્રતિબંધ મુકવાના ભારતમાં પ્રયાસમાં ચીન દ્વારા અવરોધ અને 73 દિવસ લાંબા ડોકલામ વિવાદનો સમાવેશ થાય છે. આટલા બધા વિખવાદ છતાં બંને દેશો વચ્ચેના વેપારે નવી ઊંચાઈ હાંસલ કરી છે.

બંને દેશોના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે વેપાર અને ભારતમાં ચીનના રોકાણમાં વેગ આવશે. કારણ કે બંને દેશોની સરકારો તંગદિલી હળવી કરવાના પ્રયાસો કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જૂનમાં યોજાનારા સાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)માં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ચીનના નેતા પણ આ વર્ષે જ ભારતની મુલાકાતે આવી શકે છે.