બિઝનેસમાં ભાગલા બાદ મુકેશ અને અનિલ અંબાણીની સંપત્તિમાં આવ્યો આટલો તફાવત - Sandesh
  • Home
  • Business
  • બિઝનેસમાં ભાગલા બાદ મુકેશ અને અનિલ અંબાણીની સંપત્તિમાં આવ્યો આટલો તફાવત

બિઝનેસમાં ભાગલા બાદ મુકેશ અને અનિલ અંબાણીની સંપત્તિમાં આવ્યો આટલો તફાવત

 | 8:05 am IST

। નવી દિલ્હી ।

દેશના સૌથી વધુ મશહૂર ઉદ્યોગપતિઓમાં ગણના પામનારા ધીરુભાઇ અંબાણીનું અવસાન 2002ના વર્ષમાં થયું હતું. ત્યારબાદ અંબાણી પરિવારમાં ભાગલાને લગતા સમાચાર અખબારોમાં ચમકતા રહેતા હતા. વાસ્તવમાં ધીરૂભાઇ કોઇ વીલ કરી ગયા ન હતા. તેને પરિણામે અંબાણી પરિવારમાં ભાગલા પડયા. હવે એ ભાગલાને ઘણાંવર્ષ વીતી ગયા છે અને આજની વાત કરીએ તો મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં બલ્કે સમગ્ર એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ છે. તેઓ સફળતના નિતનવા સોપાન સર કરતા જાય છે અને તેમની સંપત્તિ 43.1 અબજ ડોલર આંકવામાં આવી છે. બીજી બાજુએ અનિલ અંબાણી કપરા સમયમાંથી પસાર થઇ રહ્યા છે અને તેમની સંપત્તિ માત્ર 1.5 અબજ ડોલર રહી ગઇ છે. આ પરિસ્થિતિ જોતા સ્હેજે સવાલ થાય કે મુકેશ અંબાણીએ એવું તે શું કર્યું કે તેઓ ઝડપથી સફળતાના શિખર સર કરી રહ્યા છે જ્યારે બીજી બાજુએ અનિલ અંબાણી સતત નીચે ને નીચે ઊતરતા જઇ રહ્યા છે.

અંબાણી પરિવારમાં ભાગલા પડયા ત્યારે મૂકેશ અંબાણીના હિસ્સામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પેટ્રોકેમિકલ અને ઓઇલ રિફાઇનીંગનો બિઝનેસ આવ્યો. એ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનો ભાવ એક બેરલના 60 ડોલર હતો અને એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે પેટ્રો કેમિકલ બિઝનેસમાં માર્જીન ઘટી શકે છે. જોકે, મુકેશ અંબાણીએ પોતાની કુનેહ અને કાબેલિયતથી બિઝનેસને એક નવી ઊંચાઇએ પહોંચાડયો. મુકેશ અંબાણીએ જિયો દ્વારા ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશ કર્યો છે અને આક્રમક વ્યૂહ દ્વારા પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું છે. મુકેશ અંબાણીએ જિયોમાં ૩૪ અબજ ડોલરનું રોકાણ કર્યું છે અને માત્ર બે વર્ષમા સમયગાળામાં 2.70 કરોડ ગ્રાહકોને પોતાના નેટવર્ક સાથે સાંકળી લીધા છે. હવે તેમની નજર ઇ – કોમર્સ બજાર ઉપર છે અને તેઓ ટૂંક સમયમાં આ બિઝનેસ સંદર્ભે મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.

બીજી બાજુએ અનિલ અંબાણીની વાત કરીએ તો બિઝનેસના ભાગલામાં અનિલ અંબાણીના હિસ્સે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ પાવર જેવી કંપનીઓ આવી હતી. ભારત જેવા ઊભરતા બજારમાં કોમ્યુનિકેશન્સ અને પાવર ઉદ્યોગને વિપુલ શક્યતા ધરાવતા ઉદ્યોગ તરીકે માનવામાં આવે છે. આમછતાં અનિલ અંબાણી તેનો લાભ ઊઠાવી ન શક્યા. 2015ના વર્ષમાં રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગના શેર્સમાં ભારે ઘટાડાને કારણે અનિલ અંબાણીને આંચકો લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;