દિલ્હીમાં ૮૦૦ને ૧૫ દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા - Sandesh
  • Home
  • India
  • દિલ્હીમાં ૮૦૦ને ૧૫ દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા

દિલ્હીમાં ૮૦૦ને ૧૫ દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયા

 | 1:49 am IST

। નવી દિલ્હી ।

કોરોનાની સામે લડવા લોકડાઉન કેટલું જરૂરી છે અને વાઇરસથી સંક્રમિત એક વ્યક્તિ કેટલા લોકોના જીવનો ભયમાં મૂકી શકે છે તેનું વરવું ઉદાહરણ દેશની રાજધાની દિલ્હીમાં સામે આવ્યું છે. દિલ્હીમાં ગુરુવારે મહોલ્લા ક્લિનિકના એક ડોક્ટર સહિત પાંચ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. સાઉદી અરબથી આવેલી એક મહિલા મહોલ્લા ક્લિનિકના એક ડોક્ટરને મળવા ગઈ. આ મહિલા કોરોના સંક્રમિત હોવાની કોઈને જાણ નહોતી. જેના પગલે મહોલ્લા ક્લિનિકના ડોક્ટર, તેમની પત્ની અને દીકરી સહિત કુલ આઠ લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થઈ ગયાં હતાં. જેના પગલે મહોલ્લા ક્લિનિકમાં ડોક્ટરના સંપર્કમાં આવેલા અંદાજિત ૯૦૦ લોકોને ક્વોરન્ટાઇનમાં રખાયાં છે. સાઉદીથી આવેલી મહિલાના સંપર્કમાં આવ્યા પછી ૧૨મી માર્ચના રોજ ડોક્ટરની તબિયત લથડી હતી. હાલ તેમને અને તેમના પરિવારના સભ્યોને હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયાં છે.

ગુરુવારે દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, મહોલ્લા ક્લિનિકના ડોક્ટરના સંપર્કમાં આવેલા ૮૦૦ લોકોને એકાંતવાસમાં રહેવાના આદેશ અપાયાં છે. ડોક્ટરની પત્ની અને દીકરી પણ વાઇરસથી સંક્રમિત થયાં છે. સહારા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આદેશ જારી કર્યો છે કે ૧૨ માર્ચથી ૧૮ માર્ચ વચ્ચે મૌજપુરના મોહનપુરી વિસ્તારમાં મહોલ્લા ક્લિનિકની મુલાકાત લેનારા તમામને ૧૫ દિવસ ઘરમાં જ રહેવું પડશે.જો તેમને વાઇરસના કોઈપણ લક્ષણ જણાય તો તેમણે તાત્કાલિક કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવો.

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં આ ક્લિનિકને બંધ કરી દેવાયું છે અને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

મહોલ્લા ક્લિનિકો બંધ નહીં કરાય : કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હું જાણું છું કે મહોલ્લા ક્લિનિકના એક ડોક્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કેટલાક લોકો એવી અફવાઓ ફેલાવી રહ્યાં છે કે દિલ્હીમાં મહોલ્લા ક્લિનિકો બંધ કરી દેવાશે પણ મહોલ્લા ક્લિનિકો બંધ નહીં કરાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;