5 July 1911, 'Veer' Savarkar sentenced to black water in Andaman jail
  • Home
  • Columnist
  • થોડા હટકે : સાવરકરનું ગાંધીકરણ.. જો પ્રયોગ, તો પ્રશંસનીય.. પ્રપંચ હોય તો પાપ

થોડા હટકે : સાવરકરનું ગાંધીકરણ.. જો પ્રયોગ, તો પ્રશંસનીય.. પ્રપંચ હોય તો પાપ

 | 4:38 am IST
  • Share

  •  1942માં અંગ્રેજોએ કોંગ્રેસ સહિત તમામ રાજકીય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો 
  •  5 જુલાઈ 1911, ‘વીર’ સાવરકરને આંદામાનની જેલમાં કાળાપાણીની સજા થઈ
  • હત્યામાં વપરાયેલી પિસ્તોલ આપવાનો આરોપ સાવરકર પર હતો 

ગાંધીજીના હત્યારા ગોડસેને આદર્શ માનનારી છાવણીમાંથી સાવરકરના સમર્થનમાં ગાંધીજીને ઢાલરૂપે રજૂ કરવામાં આવે ત્યારે થોડું હટીને તો વિચારવું જ પડે.. સાવરકરની આત્મકથાનું આલેખન કરનાર વિક્રમ સંપથના પુસ્તક ઈકોઝ ફ્રોમ ફોરગટન પાસ્ટ, 1823-1924 અનુસાર સાવરકરે પહેલી દયા અરજી કરી ત્યારે ગાંધીજી સાઉથ આફ્રિકા હતા

રક્ષામંત્રીએ સાવરકરના સમર્થનમાં ગાંધીજીની સલાહનું સામે ધરેલું બખ્તર પણ દેશ જોઈ જ રહ્યો છે. સાવરકરનું ગાંધીકરણ ધ્રુવીકરણના દલદલમાં સબડતા દેશને ઉગારવાનો જો પ્રયોગ હોય તો તે ચોક્કસ જ પ્રશંસનીય ગણાશે, આશા રાખીએ એવું જ હોય. સાવરકરની વિચારધારા સાથે અસંમત હોવા છતાં ગાંધીજીએ કહ્યું હતું કે, સાવરકર ભાઈઓએ ઓછામાં ઓછું એટલું જાણવું જોઈએ કે, અમારી કેટલીક મૂળભૂત બાબતોમાં મતભેદ છે, પરંતુ તેમને જેલની સજા હું સ્વીકારતો નથી

દેશના સ્વાતંત્ર્ય  સંગ્રામની તવારીખ જુવાળ અને મવાળવાદી વિચારધારાના સમાંતર પ્રયાસોથી રંગાયેલી છે. અહિંસા અને હિંસાના બે માર્ગ પર અંગ્રેજ વિરોધી યોદ્ધાઓ દાયકાઓ ઝઝૂમ્યા. માનવીય મૂલ્યોના સ્થાપિત સિદ્ધાંતને આભારી અહિંસાનું પલ્લું હિંસાની સાપેક્ષે ખૂબ ભારે રહ્યું. દેશ આઝાદ થયો અને દેશની આઝાદી સાથે શરૂ થયેલી લોકતાંત્રિક યાત્રામાં ગાંધી વિચારધારાએ મજબૂતીથી પોતાની જગ્યા બનાવી. સાવરકરના વારસદારો સક્રિય તો હતા જ. 90ના દસકથી રામ રથયાત્રાના પૈડાં પર તેમણે દેશમાં ધ્રુવીકરણની રાજનીતિનો મજબૂત પાયો નાંખ્યો. સમયાંતરે થતાં રહેલા સફળ પ્રયાસોનું પરિણામ આજની સાંપ્રત રાજકીય સ્થિતિ છે. (વર્તમાનનું ગુણ-દોષમાં મૂલ્યાંકન અત્રે કરતા નથી.) તાજેતરમાં જુવાળપંથીઓના આદર્શ વિનાયક સાવરકરને લઈ અચાનક વિવાદનું વાવાઝોડું ફૂંકાયું છે. સાવરકરે સજા માફી માટે અંગ્રેજોની માફી માગી હોવાનો મુદ્દો ઉછાળતા જ સત્તાધીશ સરકારના રક્ષામંત્રી આ માફી ગાંધીજીના કહેવાથી માગી હોવાનો બચાવ લઈ મેદાનમાં આવી ગયા છે. ગાંધીજીના હત્યારા ગોડસેને આદર્શ માનનારી છાવણીમાંથી સાવરકરના સમર્થનમાં ગાંધીજીને ઢાલરૂપે રજૂ કરવામાં આવે ત્યારે થોડું હટીને તો વિચારવું જ પડે.

વીતેલા સપ્તાહમાં એક પુસ્તકના વિમોચન પ્રસંગે દેશના રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ‘વીર સાવરકરે અંગ્રેજોની માફી ગાંધીજીના કહેવાથી માગી હતી.’ એ પુસ્તકનું શીર્ષક હતું ‘વીર સાવરકર.. ધ મેન હૂ કુડ હેવ પ્રિવેન્ટેડ ર્પાિટશન.’ મથાળું ગુજરાતીમાં સમજીએ તો ‘વીર સાવરકર.. એક માણસ, જે ભાગલા રોકી શક્યો હોત.’ મહંમદ અલી ઝીણાએ સૌપ્રથમ અલગ મુસ્લિમ રાષ્ટ્રની માગનો વિવાદ છેડયો ત્યારબાદ હિન્દુ રાષ્ટ્રની સંકલ્પનાનું સમર્થન કરતા જુવાળવાદીઓ પણ સામે આવ્યા. અહીં 1942ના હિંદ છોડો આંદોલનમાં કુટિલ અંગ્રેજોએ કોંગ્રેસ સહિત તમામ રાજકીય સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો હતો. મહંમદઅલી ઝીણાના મુસ્લિમ લીગ અને સાવરકરના હિન્દુ મહાસભાને જ આ દિવસોમાં પ્રવૃત્તિની પરવાનગી હતી. તત્કાલીન રાજકીય ગતિવિધિ અંગેની આ ભૂમિકા માત્ર આજના આ વિષયને સુપાચ્ય કરવા માટે જરૂરી સમજીને રજૂ કરી છે. મૂળ વિષય પર આવીએ તો દુષ્ટ અંગ્રેજોની માફી સાવરકરે ગાંધીજીના કહેવાથી માગી એ વાતનું વજૂદ ઈતિહાસમાં ર્નિિદષ્ટ છે. હવે આ માફી કયા સંજોગોમાં અને કેવી રીતે માગવામાં આવી તેની રૂપરેખા જોઈએ.

નાસિક જિલ્લાના ગોરા કલેક્ટર જેક્શનની હત્યાના આરોપમાં વિનાયક સાવરકર વિરુદ્ધ ગુનો નોંધાયો અને 13 માર્ચ 1910ના રોજ તેમની ધરપકડ થઈ. 5 જુલાઈ 1911, ‘વીર’ સાવરકરને આંદામાનની જેલમાં કાળાપાણીની સજારૂપે ધકેલી દેવાયા. હત્યામાં વપરાયેલી પિસ્તોલ આપવાનો આરોપ સાવરકર પર હતો. ‘ભુલાયેલા ભૂતકાળના પડઘા 1883થી 1924’ પુસ્તકના લેખક વિક્રમ સંવત લખે છે કે, સત્તાવાર પ્રોટોકોલ મુજબ સાવરકરની પહેલી દયા અરજી 30 ઓગસ્ટ 1911ના રોજ બ્રિટિશ સરકારને મળી હતી. (આંદામાન જેલમાં ગયાના 56 દિવસ પછી) 14 નવેમ્બર 1913ના રોજ સાવરકરે બીજી વખત દયાની અરજી અંગ્રેજ સરકારને કરી હતી. સાવરકરે પહેલી અરજી કરી ત્યારે ગાંધી દ.આફ્રિકામાં હતા, 1915માં તેમનું ભારત આગમન થયું તે પહેલા સાવરક બે દયાની અરજી કરી ચૂક્યા હતા. 18 જાન્યુ. 1920ના રોજ વિનાયકના નાના ભાઈ નારાયણ સાવરકરે ગાંધીજીને પત્ર લખી પોતાના બે મોટા ભાઈઓની મુક્તિ માટે મદદ અને સલાહ માગી હતી. પત્રમાં તેમણે એક દિવસ પહેલાં મળેલા અંગ્રેજ સરકારના પત્રનો ઉલ્લેખ કરી તેમના ભાઈને જેલમુક્ત કરવા અંગ્રેજ સરકારે ઈન્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું. આ પત્રના એક સપ્તાહ પછી 25 જાન્યુ.એ નારાયણ સાવરકરને લખેલા પત્રમાં સલાહ આપતાં લખ્યું હતું કે, ‘તમારા ભાઈએ કરેલો ગુનો કેવલ રાજકીય હતો, તે કેસની હકીકતો દર્શાવતી અરજી તૈયાર કરો. હું (ગાંધીજી પોતે) પણ આ મામલામાં આગળ વધી રહ્યો છું.’ બે માસ પછી વિનાયક સાવરકરે પોતાને માફીની વિનંતી કરતી ત્રીજી અરજી 30 માર્ચના રોજ અંગ્રેજ સરકારને કરી. ત્રણ માસ પછી 6 જુલાઈએ ભાઈને લખેલા પત્રમાં આ અરજીનો ઉલ્લેખ છે, ગાંધીજીનો નથી.

26 મે 1920, યંગ ઈન્ડિયા સાપ્તાહિકમાં ગાંધીજીએ લખ્યું કે, ‘હું મારા નામે અને મારા વતી વાઈસરોયને રાજકીય ગુનેગારોને શાહી માફીનો લાભ આપવાનું સૂચન કરું છું. જેઓ જેલમાં કેદ હતા તેમાંના ઘણાને ભારત અને પ્રાંતીય સરકારોની દયા પર શાહી માફીનો લાભ મળ્યો છે, પરંતુ કેટલાક નોંધપાત્ર ‘રાજકીય ગુનેગારો’ છે જેમને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી. હું તેમાં સાવરકર ભાઈને પણ જોઉં છું. આ બંને ભાઈઓએ તેમનાં રાજકીય મંતવ્યો જાહેર કર્યા છે અને બંનેએ કહ્યું છે કે, તેઓ બ્રિટિશ સંબંધોથી સ્વતંત્રતા નથી માગતા. આ સિવાય તેઓને લાગે છે કે, અંગ્રેજોના સહકારથી ભારતનું ભાવિ વધુ સારું બનાવી શકાય છે. તેઓ કોઈ રીતે ક્રાંતિકારી મંતવ્યો ધરાવતા નથી અને જો તેઓ મુક્ત થાય તો સુધારા અધિનિયમ 4 હેઠળ કામ કરવા ઈચ્છે છે અને તેથી હું માનું છું કે, આ બે ભાઈઓ જેઓ પહેલાંથી જ લાંબી કેદની સજા ભોગવી ચૂક્યા છે, તેમના શરીરનું વજન પણ ખૂબ ઘટી ગયું છે. તેમણે તેમનો રાજકીય અભિપ્રાય પણ જાહેર કર્યો છે. આમ જ્યાં સુધી તેઓ રાજ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે તેવા પુરાવા ન હોય ત્યાં સુધી તેમને વાઈસરોયે મુક્ત કરવા જોઈએ.’ યંગ ઈન્ડિયા 18 મે 1921ના અંકમાં ગાંધીજી લખે છે કે, ‘સાવરકર ભાઈઓની પ્રતિભાઓનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે થવો જોઈએ. કોઈ પણ રીતે જો દેશ સમયસર જાગશે નહીં તો ભારત તેના બે વિશ્વાસુ પુત્ર ગુમાવી શકે છે. હું એક ભાઈને સારી રીતે ઓળખું છું. મને લંડનમાં તેને મળવાનો લહવો મળ્યો હતો. તે બહાદુર અને બુદ્ધિશાળી હોવા સાથે દેશભક્ત છે. સાચું કહું તો તે ક્રાંતિકારી હતા. તેમણે હાલની (બ્રિટિશ) સરકારની કાર્યપ્રણાલીની ભયંકર ભૂલો મારા કરતા ખૂબ વહેલી જોઈ હતી. તેઓ આંદામાનમાં છે, કારણ કે તેઓ ભારતને ખૂબ પ્રેમ કરે છે.’ આ વાક્યોમાં સાવરકરબંધુ પ્રત્યે ગાંધીજીનો આદર સ્પષ્ટ થાય છે, પરંતુ સાથે સાવરકરબંધુના હિંસક હિન્દુત્વના વિચારની સમયાંતરે તેમણે આકરી ટીકા કરી હતી. ગાંધી દ્વારા સાવરકરની દયા અરજી પર સંમતિના હસ્તાક્ષર ન કર્યાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ ઈતિહાસમાં નોંધાયેલો છે.

ગાંધીજીની ટીકામાં એક વખત વાપરેલો શબ્દ બીજીવાર ન વાપરતી પ્રજ્ઞાા ઠાકુર ભાજપના ચિહન પર ચૂંટાયેલી સાંસદ છે. ભાજપના આઈટી સેલનો કોઈ પ્રવક્તા સોશિયલ મીડિયા પર ગાંધીની હત્યામાં ગોડસેએ વાપરેલી બંદૂકની જાહેર હરાજી કરી બંનેની લોકપ્રિયતાનું આકલન કરવા જણાવે અને છતાં ભાજપમાં તેમનો દબદબો યથાવત્ રહે તે પણ સૌએ જોયેલું જ છે. આજે રક્ષામંત્રીએ  સાવરકરના સમર્થનમાં ગાંધીજીની સલાહનું સામે ધરેલું બખ્તર પણ દેશ જોઈ જ રહ્યો છે. સાવરકરનું ગાંધીકરણ ધ્રુવીકરણની રાજનીતિના સંભવિત દુષ્પરિણામોથી દેશને ઉગારવાનો જો પ્રયોગ હોય તો તે ચોક્કસ જ પ્રશંસનીય પ્રયાસ ગણાશે, આશા રાખીએ એવું જ હોય.

અને છેલ્લે…

આજકાલ 101નો અંક ધારજણો સાબિત થઈ રહ્યો છે. મારું બેટું પેટ્રોલ 101 રૂપિયે લિટર, ડીઝલ 101 રૂપિયે લિટર અને બાકી હતું તે ભૂખમરાની અનુક્રમણિકામાં હવે ભારત દેશ 101 નંબરે..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો