૫ હજાર વર્ષ પહેલાં મલ્ટિટાસ્કિંગના પ્રણેતા હતા કૃષ્ણ - Sandesh
  • Home
  • Columnist
  • ૫ હજાર વર્ષ પહેલાં મલ્ટિટાસ્કિંગના પ્રણેતા હતા કૃષ્ણ

૫ હજાર વર્ષ પહેલાં મલ્ટિટાસ્કિંગના પ્રણેતા હતા કૃષ્ણ

 | 1:25 am IST

આજના કમ્પ્યૂટર યુગમાં મલ્ટિટાસ્કિંગ શબ્દ બહુ પ્રચલિત છે. મલ્ટિટાસ્કિંગ એટલે એક સાથે ઘણાબધાં કામ કરવાં. મૂળભૂત રીતે આપણને કામથી જ કંટાળો આવે છે, ત્યારે એક કરતાં વધારે કામ એક સાથે કરવાનું ભાગ્યે જ વિચારીએ છે. આપણી પ્રકૃતિ સેલ્ફસેન્ટર છે. આપણા પૂરતું કામ કરવું, આપણી રોજી-રોટી માટેનું કામ કરવંુ તેનાથી વધારે કામ કરવાનું આવે તો આપણી નારાજગી સાફ છલકાઈ જાય છે. રજાના દિવસે  રસોઈ કરતાં કરતાં વાઇફ કહે કે આજે ફ્રી છો તો પાણીની બોટલ ભરીને ફ્રીઝમાં મૂકી દો ને! તો પહેલી વખત આપણે આખી વાત સાંભળી ના સાંભળી કરી નાખીએ છીએ. પછી ખરેખર આ કામ આપણને કહ્યું છે તેની ખાતરી કરવા આપણી આજુબાજુ જોઈ લઈએ છીએ, પછી નાછૂટકે ઊઠીને ફ્રીઝની બોટલ ભરીએ છીએ, તેમાં કેટલુંક પાણી ફ્લોર પર ઢોળીએ છીએ, એટલે વાઇફ કહે રહેવા દો, તમે કામ કરતાં કામ વધારો છો. હું જ બોટલ ભરીને ફ્રીઝમાં મૂકી દઈશ. કાયમ ચિલ્ડ પાણી આપણને જોઈએ અને તેમ છતાં જો ફ્રીઝમાં પાણીની બોટલ ભરીને મૂકવા માટે આપણે નખરાં કરતાં હોેઈએ તો મલ્ટિટાસ્કિંગ શબ્દ આપણા માટે નથી.

આપણે જેને ભગવાન તરીકે પૂજીએ છીએ અને મંદિરમાં જઈને જેની સામે માથું ઝુકાવીએ છીએ તે કૃષ્ણ કેટલંુ અને કેવું કામ કરી ગયા તે અંગે આપણે ક્યારેય વિચાર્યું છે ખરું?

આજથી પાંચ હજાર વર્ષ પહેલાં કૃષ્ણ જે કરી ગયા તે અદ્ભુત હતું. કૃષ્ણની મુલવણી આપણે ભગવાન તરીકે કરીને તેમણે માનવ તરીકે જે કામો કર્યાં છે તેનું મૂલ્યાંકન આપણે ઘટાડી દઈએ છીએ. મનુષ્ય સ્વભાવ છે કે, તે હંમેશાં બચાવ અને બહાનાં તૈયાર રાખે છે. કૃષ્ણ તો ભગવાન હતા એટલે આ બધું કરી શકતા, આપણાથી ના થાય એવું કહીને છટકી જવામાં આપણને કૃષ્ણને ભગવાન તરીકે જ ફિટ રાખવામાં વધાર સગવડ છે. કૃષ્ણનાં મોટાભાગનાં કામો માનવીય હતાં અને તે દરેક કરી શકે છે, પરંતુ કૃષ્ણને ભગવાન બનાવી દઈ આપણે હાથ ખંખેરી લીધા છે.

કોઈ મુશ્કેલીમાં મુકાયેલા તમારા દોસ્ત સાથે સતત બે વીક રહીને તેની ગાડીના ડ્રાઇવર બની જવાનું કામ તમે કર્યું છે ખરું? અથવા કરો ખરા કે? કૃષ્ણે પોતાના મિત્ર અર્જુનના રથના સારથી બનીને સતત ૧૮ દિવસ કુરુક્ષેત્રનાં મેદાનમાં ફરજ બજાવી હતી. સારથી બનેલા કૃષ્ણ સાંજ પડે અને યુદ્ધને વિરામ અપાય એટલે અર્જુન આરામ કરવા જાય ત્યારે કૃષ્ણ રથના ઘોડાઓનો ખરેરો કરે. યુદ્ધ દરમિયાન ઘોડાઓને નાની-મોટી ઈજા થઈ હોય તો ઘોડાઓની સારવાર કરે, થાકેલા ઘોડાની માવજત કરે, તેમને ખવડાવે, આ કામગીરી કૃષ્ણની ફરજમાં આવતી ન હતી. પોતાની જાતે સ્વીકારેલી આ કામગીરી હતી. આપણે મિત્રની ગાડીનું પંક્ચર બનાવવા જવું હોય તો પણ કેટલાં બહાનાં કાઢીએ છીએ તે આપણને ખબર જ છે ને!

ધોધમાર વરસાદમાં કૃષ્ણે આખા ગોકુળ ગામને ગિરિરાજ પર્વતની નીચે રક્ષણ આપ્યું હતું.  શું આપણાં ઘરમાં ભયાનક ઠંડીથી ધ્રૂજતાં કે વરસતા વરસાદમાં પલળતા કોઈ ગરીબ માટે થોડી જગ્યા છે? કૃષ્ણ પાસેથી આ કરુણા શીખવાની છે. કૃષ્ણ જ્યાં રહેતા નથી તેવી હવેલીઓ આપણે ઠેર ઠેર બનાવી દીધી પરંતુ કૃષ્ણ જે લોકોનાં દિલમાં વસે છે તેવા ગરીબો, વંચિતો માટે આપણે કંઈ જ કરતા નથી.

નરકાસુરની કેદમાં ૧૬,૦૦૦ યુવતીઓ પુરાયેલી હતી. કૃષ્ણે નરકાસુરનો તો નાશ કર્યો પરંતુ આ ૧૬,૦૦૦ યુવતીઓનું શું? યુવાન છોકરી ઘરની બહાર એક રાત રહે તો સમાજ તેની સામે શંકાની નજરે જોતો હોય ત્યારે નરકાસુરની કેદમાં વર્ષોથી-મહિનાઓથી રહેલ આ હજારો યુવતીઓનાં ભવિષ્યનો વિકરાળ પ્રશ્ન ત્યારે ઊભો થયો હતો. આ સમયે કૃષ્ણે સામાજિક ટીકાનો સહેજ પણ વિચાર કર્યા વિના કે ઇતિહાસ પોતાના માટે શું લખશે તેની ચિંતા કર્યા વિના આ ૧૬,૦૦૦ પીડિતાઓને પોતાનાં ઘરમાં જ નહીં પોતાનાં દિલમાં સ્થાન આપી દીધું. કૃષ્ણે એ ૧૬,૦૦૦ યુવતીઓ સાથે લગ્ન કર્યાં. આજે કોની તાકાત છે કોઈ પીડિત- શોષિત યુવતીનો હાથ પકડવાની?

આજે પણ સેંકડો નરકાસુરો દરરોજ હજારો યુવતીઓનું શોષણ કરે છે પરંતુ એક કૃષ્ણ નથી કે જે આ પીડિતાઓને સન્માનભેર રાખે. કૃષ્ણને જગદ્ગુરુની પદવી ઋષિઓએ મફતમાં નથી આપી. કૃષ્ણે સમાજ માટે જે ત્યાગ, બલિદાન આપી પોતાની જાત સુદ્ધાંને હોમી દીધી છે, તેવું કોઈનાથી થઈ શકે નહીં.

રાજ્યના મુખ્યમંત્રી ભોજન માટે તમને બોલાવે અને ત્યારે જ કોઈ ગરીબ કાર્યકર તમને પ્રેમથી આમંત્રણ આપે તો તમે શું કરો? કૃષ્ણ સૌના પ્રિય કેમ છે તેનું આ પણ એક કારણ છે. હસ્તિનાપુરના સમ્રાટ દુર્યોધનનાં શાહી ભોજનનાં આમંત્રણને ઠુકરાવી કૃષ્ણે વિદુરજીને ઘરે રોટલો-ભાજીનું સાદું ભોજન લીધું હતું એ વાત જગપ્રસિદ્ધ છે, પરંતુ આ ઘટના પાછળની વાત આપણે સમજતાં નથી. કૃષ્ણ એ છે જેનાં હૃદયમાં ગરીબ-વંચિત, શોષિત-પીડિતનું સ્થાન પહેલાં છે. રાજાઓ અને વગદાર લોકોથી કૃષ્ણ હંમેશાં દૂર રહ્યા છે. પાંડવો પણ જ્યાંસુધી વનવાસી હતા, મુશ્કેલીમાં હતા, રોટલા અને ઓટલા માટે દરદરની ઠોકરો ખાતા હતા ત્યારે કૃષ્ણ તેમની સાથે સતત હતા. પાંડવો જ્યારે યુદ્ધ જીતીને રાજા બન્યા ત્યારે કૃષ્ણ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા હતા.

કૃષ્ણ ગાયો ચરાવતા હતા, મિત્ર માટે સારથી બની તેનો રથ ચલાવ્યો, જરૂર પડી ત્યારે મુત્સદી બની પાંડવો માટે સંધિકાર બની કૌરવાની સભામાં ગયા, પોતાની પ્રતિજ્ઞા તોડી અર્જુનને બચાવવા હાથમાં હથિયાર ઉઠાવ્યું. અર્જુનને યુદ્ધનાં મેદાનમાં ગીતાજ્ઞાન પણ આપ્યું. મિત્રની પત્ની દ્રૌપદી પર આફત આવી તો તેનું રક્ષણ પણ કર્યું. સમાજ આતંકવાદથી પીડાતો હતો તો આતંકીઓ કંસ, જરાસંઘ, દુર્યોધન, શિશુપાલ, જેવાઓનો વધ પણ કરાવ્યો. એક સાથે કેટલાં કામો કૃષ્ણે કર્યાં. આમ છતાં કૃષ્ણે તેમનાં જીવનમાં પ્રેમને લગીરેય ઓછો થવા દીધો નહીં.

પોતાની ગોપીઓ-પત્નીઓ માટે કાયમ પ્રેમમૂર્તિ બનીને કૃષ્ણે તમામને પ્રેમથી એવી રસતરબોળ કરી દીધી કે, કૃષ્ણ સિવાય તેમને આખી દુનિયામાં બીજા કોઈનું અસ્તિત્વ હશે તેનું પણ ભાન રહ્યું નહીં. ગરીબ મિત્ર સુદામાના પગ ધોવામાં કૃષ્ણને ક્યારેય શરમ નડી નથી કે પછી રાજવી મિત્ર અર્જુનનું નાનામાં નાનંુ કામ કરવાનું ચૂક્યા નથી. આજે કૃષ્ણનો બર્થ-ડે છે. આખી દુનિયા આજના જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણને પારણામાં ઝુલાવીને આનંદોત્સવ ઊજવશે પરંતુ આજે આપણે કૃષ્ણનાં માનવીય ગુણોને યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈને થોડા કૃષ્ણ જેવા બનવાનો પ્રયત્ન કરીશંુ ખરા? કૃષ્ણની કરુણા, કૃષ્ણનો પ્રેમ, કૃષ્ણની ગરીબો, વંચિતો, શોષિતો પીડિતો પ્રત્યેની લાગણીનો એક ટકો પણ આપણે આપણાં જીવનમાં ઉતારીશું તો આપણી જન્માષ્ટમી ઉપવાસ કર્યા સિવાય પણ સફળ થઈ જશે.