૧૮ વર્ષના પ્રેમ બાદ મારી પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે તૈયાર થયો છે, પણ એ મને એટલો બધો પ્રેમ કરે છે કે બંધન લાગે છે !   - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ૧૮ વર્ષના પ્રેમ બાદ મારી પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે તૈયાર થયો છે, પણ એ મને એટલો બધો પ્રેમ કરે છે કે બંધન લાગે છે !  

૧૮ વર્ષના પ્રેમ બાદ મારી પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે તૈયાર થયો છે, પણ એ મને એટલો બધો પ્રેમ કરે છે કે બંધન લાગે છે !  

 | 12:10 am IST

યૌવનની સમસ્યા :- સોક્રેટિસ

સોક્રેટિસજી,

હું યૌવનની સમસ્યા કોલમ રેગ્યુલર વાંચું છું અને બધાને સંદેશ ન્યૂઝ પેપર અને ખાસ કરીને યૌવનની સમસ્યા વાંચવાની સલાહ આપું છું. સર, હવે હું મારી સમસ્યાની વાત કરું છું. મને પાકી ખાતરી છે કે મારી સમસ્યાનો હલ તમારી પાસે જરૂર હશે.

સર, હું એક છોકરીને ખૂબ પ્રેમ કરું છું. અને તે પણ મને એટલો જ પ્રેમ કરે છે. અમારા પ્રેમને ૧૮ વર્ષ થઈ ગયાં છે, પરંતુ અમારી કાસ્ટ અલગ હોવાથી અમારા મેરેજ માટે છોકરીનું ફેમિલી માનતું ન હતું, પરંતુ અમે હાર ન માની એટલે આખરે ૧૮ વર્ષ બાદ એનું ફેમિલી માન્યું અને ચાર મહિના પહેલાં જ સગાઈ થઈ છે. ડિસેમ્બરમાં મેરેજ છે. પણ મારી સમસ્યા એ છે કે મારી લવર મંગેતર મને એટલો બધો પ્રેમ કરે છે કે જેની કોઈ સીમા નથી. હું પણ તેને એટલો પ્રેમ કરું જ છું. પણ પ્રેમ જ અમારી સમસ્યા બની ગયો છે. એને હંમેશાં એવી બીક રહે છે કે મને કોઈ તેની પાસેથી છીનવી લેશે. એટલે એ મને કોઈ જાહેર જગ્યા પર જતા રોકે છે અને તે ખુદ પણ આવતી નથી અને કહે છે કે ત્યાં કોઈ બીજી છોકરી હોય અને તે મને પ્રેમ કરવા માંડે અને હું તેને છોડી દઉં તો! તે આવા જ વિચારો કર્યા કરે છે. મેં એને ઘણીવાર સમજાવી કે મારે બીજી કોઈ સાથે સંબંધ થવાનો હોત તો આટલાં વર્ષો સુધી સમસ્યા હતી, ત્યારે થઈ જાત! ત્યારે પણ આપણે સાથે રહ્યાં અને સાથે છીએ તો પછી તને કેમ છોડું?  પણ એ કંઈ સમજતી નથી. એના કારણે હું ખૂબ બંધન અનુભવું છું. મારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. ગુસ્સો પણ બહુ આવે છે, પરંતુ જે વ્યક્તિ આટલો બધો પ્રેમ કરતી હોય તેના પર ગુસ્સો કરવો યોગ્ય નથી. હું શું કરું કે અમારા સંબંધમાં પાછી એ મીઠાશ આવી જાય અને એનો શક દૂર થાય.

ભાઈ નિખિલ,

તારો ઈ-મેઇલ સીધો અને સ્પષ્ટ છે, પરંતુ એમાં ક્યાંય તું હાલ શું કરે છે તે જણાવ્યું નથી. તારા અને તારી ગર્લફ્રેન્ડ-લવર વચ્ચે ૧૮ વર્ષથી પ્રેમ છે, એ ખરેખર અદ્ભુત બાબત છે. તમારી કાસ્ટ અલગ હોવાને લીધે છોકરીનો પરિવાર તમારાં લગ્ન કરાવવા તૈયાર ન હતો અને હવે આટલાં વર્ષે થયો છે તે બતાવે છે કે આખરે તેઓ તમારા પ્રેમ આગળ પીગળી ગયા છે. કોઈ અપવાદ રૂપ કેટલાક જડ પણ હોઈ શકે છે અને ઓનર કિલિંગ સુધી થતા હોય છે, પરંતુ તમારા કેસમાં આ સારી બાબત જોવા મળી છે.

હવે રહી વાત તમારા અનહદ પ્રેમની, તમારા બંને પૈકી તારી પ્રેમિકા તને વધુ પડતો પ્રેમ કરે છે, એવું તંુ ખુદ કબૂલે છે, પરંતુ એ તારા જાહેર પ્રસંગો કે સ્થળોએ તને જતાં રોકે અને પોતે પણ ન જાય એ વિચિત્ર બાબત છે. એને ભય છે કે ક્યાંક તને કોઈ અન્ય છોકરી તેની પાસેથી છીનવી લે તો ! સારું છે કે તને ઢીંગલીની જેમ લઈને ફરતી નથી. તેં પોતે એને સમજાવ્યું કે આટલાં બધાં વર્ષ બાદ પણ મેં કોઈ અન્ય યુવતી સાથે સંબંધ જોડયો નથી. તેં ધાર્યું હોત તો બીજી છોકરી પસંદ કરીને પરણી પણ ગયો હોત. હા, તેં એવું નથી કર્યું! એ ખરેખર ખરો પ્રેમ દર્શાવે છે. આપણે ત્યાં ઉક્તિ છે કે અતિસ્નેહી શંકી ! એટલે કે વધુ પડતો પ્રેમ શંકાશીલ હોય છે. આ ઉક્તિ અહીં સિદ્ધ થાય છે, પરંતુ તારી લવર-મંગેતરનો પ્રેમ પાગલપનની હદનો છે, વધુ પડતા લાગણીવેડા કંઈ પ્રેમ નથી. ખરા પ્રેમમાં તો અધિકારભાવ જ જતો રહેતો હોય છે. જ્યારે અહીં તો વધુ પડતું આધિપત્ય દર્શાવાઈ રહ્યું છે. તું કંઈ પૂતળું નથી. ગૂંગળાઈ જવાય એવો પ્રેમ ન હોય. એ તો મુક્ત અને શંકારહિત હોય છે. પ્રેમમાં વિશ્વાસ જ તો મહત્ત્વનું પાસું છે. એણે પણ ૧૮ વર્ષ સુધી વિશ્વાસ રાખ્યો જ છે તો પછી હવે આવું કેમ કરે છે ? આ એક માનસિક નબળાઈ છે. તારે એને વિવિધ રીતે સમજાવવી પડશે અને ન માને તો તું એને ચીમકી આપજે કે તે વધુ પડતો અંકુશ રાખવા પ્રયાસ કરશે તો તું તેને છોડી દેશે. જરૂર પડે તો તું થોડા દિવસ એનાથી દૂર રહેજે. બોલવાનું પણ બંધ કરી દેજે. એટલે તેેને ભાન થઈ જશે. તારા કેસમાં તમે હજી લગ્ન કર્યાં નથી એટલે અલગઅલગ જ રહો છો તો પછી એ તારા પર કઈ રીતે કન્ટ્રોલ રાખે છે ? તને બહાર જતો કઈ રીતે રોકી શકે છે ? એનો અર્થ એવો થાય છે કે તું પોતેય ખૂબ લાગણીશીલ છે તે તને જે કહે તે તું તેની ગેરહાજરીમાં પણ માને છે. બાકી એ તારી સાથે ૨૪ કલાક છે જ નહીં. તું કહી શકે કે મારે મારા પરિવાર ખાતર, સમાજ ખાતર, સંબંધો ખાતર પણ બહાર જવું પડે. બીજી ખાસ વાત એ કે તું કોઈ નોકરી-ધંધો તો કરતો જ હોવાનો, એટલે તે માટે પણ તારે જવાનું થાય છે. એટલે તું બંધનની વાત કરે છે તે માત્ર ઈમોશનલી જ છે. તને તારી લવર જ્યારે ગમે ત્યારે તને આવું બધું કહેતી હશે, એટલે એની અસર તારા પર પણ પડે છે. તું ક્યાંય જતો નહીં, કોઈને મળતો નહીં, ક્યાંક તને બીજી પસંદ પડી જાય તો! વગેરે વાતો એ કહેતી હશે. આવો સ્વભાવ તમે ખરેખર મેરેજ કરશો પછી રહેશે તો તમારા પ્રેમમાં, સંબંધમાં ભંગાણ નિશ્ચિત જ માની લેજો. એટલે એને અત્યારથી બરોબર સમજાવવી. જરા કડક બનીને એને આવા લાગણીવેડા, પાગલપન ન કરે. એને ચીમકી આપજે. એ જરૂર સમજી જશે. બાકી ખરા પ્રેમમાં તો શંકા હોય છતાં આવું ન હોય.!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન