ભુજમાં વધુ એક સ્કૂલ રિક્ષાના અકસ્માતમાં ૬ માસૂમને ઈજા - Sandesh
  • Home
  • Bhuj
  • ભુજમાં વધુ એક સ્કૂલ રિક્ષાના અકસ્માતમાં ૬ માસૂમને ઈજા

ભુજમાં વધુ એક સ્કૂલ રિક્ષાના અકસ્માતમાં ૬ માસૂમને ઈજા

 | 2:00 am IST

ભુજમાં છેલ્લા બે કે ત્રણ માસ દરમિયાન સ્કૂલ વાહનોને નડેલા અકસ્માતોની સંખ્યા જોતાં એમ લાગે છે કે ટ્રાફિક પોલીસ ડ્રાઇવ તો કરે છે, પરંતુ સ્કૂલ વાહન ચાલકો સામે નક્કર પગલાં લેવાતાં નથી જેના પરિણામે ટ્રાફિક ડ્રાઇવ માત્ર એક તાયફો જ બની રહે છે અને બાળકોનો ભોગ લેવાતો રહે છે. ગુરુવારે સ્કૂલ રિક્ષા   ને નડેલા અકસ્માત બાદ આજે વધુ એક છકડો રિક્ષાને અકસ્માત નડતાં ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના ઢીંગલી ઘરમાં ભણતા ૬ બાળકોને ઇજાઓ થઇ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.

ક્ષમતા કરતાં વધારે બાળકો ભરીને બેફામપણે દોડતાં સ્કૂલ વાહનોને અટકાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ તેનો અમલ યોગ્ય રીતે થતો નથી જેનો ભોગ બાળકો બની રહ્યા છે. ગુરુવારે ભુજની ભાગોળે આવેલી ચાણક્ય સ્કૂલના બાળકોને પરત લઇ જતો છકડો પલટી મારતાં પાંચ બાળકોને ઇજાઓ થઇ હતી. તેના અગાઉ ખત્રી તલાવડી પાસે પણ સ્કૂલ બસને અકસ્માત નડયો હતો, જેમાં પણ બાળકોને ઇજાઓ થઇ હતી. જોકે, તે મામલે પણ હજુ સુધી કોઇ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઉપરાંત ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં પણ સ્કૂલ વાહનોના અકસ્માતો સર્જાયા છે, જેમાં બાળકોને ઇજાઓ થઇ હતી. આજે સર્જાયેલા માંડવી ઓક્ટ્રોય પાસેના સ્કૂલના છાત્રોને લઇ જતો છકડો પલટી મારી ગયો હતો, જેમાં ૬ બાળકોને ઇજાઓ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન