આજની યુવાપેઢીમાં ભારે આકર્ષણ ધરાવતા સી.એ. કોર્સમાં હવે આગામી વર્ષોમાં વિદ્યાર્થીઓને સ્પેશિયલાઇઝેશન માટે એકને બદલે છ વિષયોનો વિકલ્પ મળવાની શક્યતા તેજ થઇ છે. ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સી.એ. કોર્સનો અભ્યાસક્રમ બદલવાની જાહેરાત થઇ ચૂકી છે. એવામાં હવે ફાઇનલમાં સ્પેશિયલાઇઝેશન માટેની કવાયતથી વિદ્યાર્થીઓમાં ચર્ચાનું મોજું ફળી વળ્યું છે. હમણાં સુધી ફાઇનલમાં માત્ર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી જ એકમાત્ર વિકલ્પ હતો, પરંતુ હવે અન્ય છ ઇલેક્ટિવ વિષયો ઉમેરાવાની સાથે જ વિદ્યાર્થીઓને અનેક વિકલ્પો મળી રહેશે.

નોંધનીય છે કે, ઇન્સ્ટિટયૂટ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં પરીક્ષા પદ્ધતિથી લઇને પરીક્ષાના ભારણ સુધીની પ્રક્રિયામાં અનેક બદલાવ કરાયા છે. સીપીટી જેવી એન્ટ્રન્સ ટેસ્ટનું કડક પરિણામ આપવાની સાથે જ વિદ્યાર્થીઓની ગુણવત્તામાં સુધારો કરવાનો પ્રયાસ કરાયો છે. આ સાથે જ કોર્સ બદલવાની જાહેરાત પણ કરાઇ છે. જોકે, કોર્સના અમલીકરણના મુદ્દા પર ટેક્નિકલી ચર્ચા-વિચારણા થઇ રહી છે ત્યારે હવે ફાઇનલમાં સ્પેશિયલાઇઝેશનના વિષયોનો ઉમેરો કરવાની કવાયતથી સી.એ.આલમમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. સી.એ.વર્તુળના અગ્રણીએ જણાવ્યું હતું કે, હજું કોર્સ બદલવાનો મુદ્દો પાર્લામેન્ટમાં જશે અને પછી તેના પર મંજૂરી બાદ અમલ થશે. જોકે, તે પૂર્વે આજના સ્પર્ધાત્મક યુગમાં એકાઉન્ટિંગ અને ફાઇનાન્સિયલ ર્સિવસિસમાં અવનવા બદલાવને કારણે કેટલાક ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે. તેના ભાગરૃપે સ્પેશિયલાઇઝેશનના વિષયોનો ઉમેરો કરવાની વિચારણા છે.

હમણાં સુધી માત્ર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિષય સિવાય અન્ય કોઇમાં સ્પેશિયલાઇઝેશન થતું નથી, પરંતુ હવે વિદ્યાર્થીઓ ઇલેક્ટિવ વિષયના રૃપમાં ૬ ક્ષેત્રોમાં સ્પેશિયલાઇઝેશન કરી શકશે. ઇલેક્ટિવ વિષયોમાં ગ્લોબલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ, મલ્ટિ ડિસ્પિલનરી કેસ સ્ટડી, ઇકોનોમિક લો, ઇન્ટરનેશનલ ટેક્સેશન, કેપિટલ માર્કેટ એન્ડ ફાઈનાન્સિયલ ર્સિવસિસ, રિસ્ક મેનેજમેન્ટનો સમાવેશ થઇ શકે છે. ઉપરાંત, જીએસટીના પેપરનો પણ સમાવેશ થઇ શકે છે. જીએસટી ૨૦૧૭માં લાગુ થઇ શકે છે ત્યારે હમણાં કન્સેપ્ટના રૃપમાં પેપરનો સમાવેશ થઇ શકે છે, પરંતુ પછી પૂર્ણ રૃપમાં તેનો અમલ કરાશે. ઇન્ટરમીડિયેટમાં બિઝનેસ ઇકોનોમિક્સનો પણ સમાવેશ થઇ શકે છે. જોકે, આ તમામ પ્રક્રિયા ટેક્નિકલી હોય હજુ પાર્લામેન્ટની મંજૂરી બાદ જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.